Mon Jul 20 2026

Logo

ઊડતી વાત: દીકરો કાચો કુંવારો  ને બાપ?

2026-07-19 10:47:00
Author: Bharat Vaishnav
Article Image

 

 

 

-ભરત વૈષ્ણવ

 

‘આ નંબર પોલીસ સ્ટેશનનો છે?’ એક વ્યક્તિએ ફોન પર સવાલ પૂછ્યોે. 

 

‘આ પોલીસ સ્ટેશનનો જ નંબર છે. હું બકલ નંબર 420 હવાલદાર હસમુખ બોલું છું. મે આઇ હેલ્પ યુ?’ સામેથી સૌમ્ય જવાબ મળ્યો.

 

 ‘સાહેબ, રોકો રોકો’ ફોન કરનારે વિનંતી કરી.

 

 ‘ડ્ઢડ્ઢડ્ઢ, પાગલ છે?’ હવાલદાર હસમુખ ધગી ગયા. 

 

‘ સાહેબ, જલદી રોકો. નહિંતર,’ ફોન કરનારે વિનંતી દોહરાવી.

 

 ‘નહિંતર એટલે શું? તું શું ઉખાડી લઈશ?’ શિયાળામાં પણ હવાલદાર હસમુખ હરામીના મગજનો પારો હાઇએસ્ટ હતો.

 

 ‘સર, તમે અબઘડી નહીં રોકો તો અનર્થ થઈ જશે,’ ફોન કરનારે એક જ રટણ લગાવ્યું. 

 

‘અત્યારે ટાઇમ નથી. બે-ત્રણ દિવસ પછી ફોન કરજે કે રૂબરૂ પોલીસ સ્ટેશન આવી જજે,’ હવાલદારે મુદત આપી.

 

 ‘સાહેબ, આજે નહીં, પરંતુ અબઘડી નહીં રોકો તો મગચોખા ભળી જશે,’ ફોન કરનારે ભય વ્યક્ત કર્યો. 

 

‘કોને રોકવાના છે? આમાં મગચોખા ક્યાાંથી આવ્યા? તુ કોણ બોલે છે?’ હવાલદારે અસમંજસમાં પ્રશ્ર પૂછ્યો. 

 

‘હું સગીર બોલું છું,’ ફોન કરનારે તેનો પરિચય આપ્યો.

 

‘ઉંમર કેટલી?’ હવાલદારે પૂછપરછ કરી. 

 

‘ત્રીસ વરસ’ સગીરે લગીર ઉંમર જણાવી.

 

 ‘વૉટ? આપણે ત્યાં અઢાર વર્ષની વ્યક્તિ તો પુખ્ત કહેવાય છે. તારી ઉંમર ત્રીસ વરસ હોય તો તું સગીર કેવી રીતે ગણાય?’ 

 

 ‘સર, હું સો વરસે પણ સગીર જ હોઈશ. હું તો સગીર તરીકે જ મરણ પામીશ, કેમ કે મારું નામ સગીર છે.’ સગીરે ફોડ પાડ્યો. 

 

 ‘એ જે હોય તે.બોલ તારો પ્રૉબ્લેમ શું છે?’ 

 

‘એક લગ્ન રોકવા માટે ફોન કર્યો છે’ સગીરે ફોન કરવાનો ઉદ્દેશ કમ ઇરાદો સ્પષ્ટ કર્યો.

 

 ‘લગ્ન કરનાર નાબાલિગ એટલે કે સગીર છે?’ 

 

‘ના એવું નથી,’ સગીરનો જવાબ. 

 

‘જો બે પુખ્ત વ્યક્તિ એકમેકની સંમતિથી લગ્ન કરતી હોય તો પોલીસ કંઈ કરતાં કંઈ ન કરી શકે,’ હવાલદારે હાથ મસળતાં કાયદાકીય જોગવાઈ જણાવી. 

 

‘સાહેબ, તમારે લગ્ન અટકાવવા જાઈએ કેમ કે’ સગીર આગળ ન બોલ્યો.

 

 ‘તને ક્યાં પેટમાં દુખે છે? મિંયાબીબી રાજી તો ક્યા કરેગા પોલીસ પાજી?’ હવાલદારે લાચારી વ્યક્ત કરી.  

 

‘ લગ્ન રોકવાનો કોઈ ઉપાય તો હશે ને?’ સગીરે રડમસ અવાજે પૃચ્છા કરી.

 

 ‘તું તો યાર, જળોની જેમ ચોંટ્યો છે? તને લગ્નથી શું પ્રૉબ્લેમ છે? કોઈનાં લગ્ન થતાં હોય તો  મોટું મન રાખીને રાજી થવાનું હોય કે હવનમાં હાડકાં નાખવાનાં હોય?’ હવાલદારે સગીરને હડકાવ્યો. 

 

‘સર, મને પ્રૉબ્લેમ ન હોય તો કોને હોય?’ સગીર આટલું બોલતાં-બોલતાં રડું રડું થઈ ગયો. 

 

‘પણ મામલો શું છે?’ હવાલદાર ગૂંચવાયો

 

  ‘સર, મેરે બાપ કી શાદી હૈ, ઔર ઉસે રોકના જરૂરી હૈ...’ 

 

 ‘એંય, શું અનાપશનાપ તું બકે છે? બાપની શાદી ન થઈ હોય તો તું ક્યાંથી જન્મ્યો હોય?’ હવાલદાર હેબતાઈ ગયો. 

 

‘સાહેબ, મારા સગા પિતાનાં લગ્ન છે. મારે એ રોકવાં છે,’ સગીરે ઇરાદો જાહેર કર્યો.

 

  ‘મને તારી વાતમાં સમજણ પડતી નથી. મારું માથું સણકા  મારે છે,’ હવાલદારે હાર કબૂલી. તેણે બીડી સળગાવી. બીડીનો ઊંડો કસ લીધો. 

 

‘સાહેબ, મેરે બાપકી ઉંમર પચપન કી હૈ. લેકિન, દિલ બચપન કા હૈ.’ સગીરે બાપની સમસ્યા બ્યાન કરી. 

 

‘બાપનાં લગ્ન સાથે ઉંમરને શું લેવાદેવા?’ હવાલદાર માટે કોયડો કોયડો જ રહ્યો.

 

 ‘મારા બાપની આ પહેલી શાદી એટલે કે લગ્ન નથી. મારા બાપા સાતમી વાર ઘોડે ચડે છે.’ સગીરે ફરિયાદ કરી. 

 

 ‘એટલે તારા પિતાજી લગ્ને લગ્ને કુંવારા છે એમ જને? લગ્ન એમનો બિઝનેસ છે કે એમેચ્યોર હોબી? બાકી માણસ નસીબદાર કહેવાય કે સાતમી વાર લગ્નઝાળથી દાઝવાનો મોકો મળ્યો છે,’ હવાલદારના વાંઢા ચહેરા પર ઈર્ષાના ભાવો છવાયેલા હતા.  

 

‘તમને ઈર્ષા આવી? મને પણ ઈર્ષા આવે છે?’ સગીર રડું રડું થયો.

 

‘આજ મેરી બાપ કી શાદી હૈ ગાઈને તારે તો ખુશી મનાવવી જોઈએ.’

 

‘કંકોડા ખુશી? હું હજી કાકડી જેવો કાચો કુંવારો છું. મારા પહેલાં કે છેલ્લાં લગ્ન થયાં નથી. મારી ઉંમર હાથે મિંઢોળ બાંધવા અને પીઠી ચોળવાની છે એ જ્યારે લગ્ન કરે એટલે મારા ભાગની બે-ત્રણ વીઘા જમીન ફૂંકી મારે છે...’ સગીરને રડતાં-રડતાં લગ્નનું સ્થળ, સમય અને પાત્રોનાં નામ હવાલદારને લખાવ્યાં. 

 

આ તો સાતમા લગ્ન હતાં. જો સિતોતેરમાં લગ્ન હોય તો પણ દીકરાએ ગુલાબજાંબુ જ ઝાપટવાના હોય! નવાં કપડાં પહેરી આજ મેરે બાપ કી શાદી હૈ એવું ગીત ગાવાનું હોય. 

 

સાતમા લગ્ન રંગેચંગે ઉઘલી ગયા? ના એટલે ના. સારા કામમાં સો વિઘ્ન આવે. અડબંગ હવાલદારે લગ્નના રંગમાં ભંગ પાડવાનું દબંગ કામ કર્યું. એકતાલીસ વરસે લગ્ન બજારમાંથી લગભગ ફેંકાઈ ગયેલા હવાલદાર હસમુુખે જ પેલી સગીરની સૂચિત સાતમી અપર મા સાથે ચટ મંગની પટ બ્યાહ કરી લીધા...!