થાણે: કોર્ટમાં દાખલ ન કરી શકાય એવા કબૂલાતનામા અને સચોટ પુરાવાના અભાવના આધાર પર ઘડાયેલા ફરિયાદી પક્ષના કેસનું પતન થયું હોવાની નોંધ કરી થાણેની અદાલતે 2019માં મહિલાની હત્યા કરવાના કેસના 33 વર્ષના આરોપીને નિર્દોષ છોડી મૂક્યો હતો.
કોઈ સામગ્રી હસ્તગત કરાઈ નહોતી અને આરોપીએ બતાવેલું સ્થળ વાસ્તવિક ઘટનાસ્થળ છે, એવું સ્થાપિત કરી શકાય નહીં, એમ સોમવારે આપેલા આદેશમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ એસ. બી. અગ્રવાલે જણાવ્યું હતું.
આ કેસ 27 માર્ચ, 2019નો છે. તે દિવસે થાણે જિલ્લાના કલ્યાણ ખાતેની ઈંટભઠ્ઠી નજીકથી મહિલાનો અત્યંત કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.તે સમયે તપાસમાં કશું જ ન મળતાં ડાયઘર પોલીસે ફેબ્રુઆરી, 2021માં મૅજિસ્ટ્રેટ સમક્ષ ‘એ’ સમરી રિપોર્ટ (વણઊકલ્યો કેસ) દાખલ કર્યો હતો.જોકે આઠમી જુલાઈ, 2023ના રોજ આરોપી હિંમાશુ મોહન ગુજાળે કોલ્હાપુરના લક્ષ્મીનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પશ્ચાતાપનું કારણ બતાવી ગુનો કબૂલ્યો હતો, જેને પગલે કેસ ફરી ખૂલ્યો હતો.
ગુજાળેએ દાવો કર્યો હતો કે તેણે તેના સાગરીત સંદેશ પરબે ભિવંડી વિસ્તારમાં મહિલા પર દાતરડાના ઘા કર્યા હતા, ગળું દબાવ્યું હતું અને પેટ્રોલ રેડી મૃતદેહને આગ ચાંપી હતી. પછી નજીકની ખાડીમાં દાતરડું અને કપડાં ફેંકી દીધાં હતાં.જોકે ટ્રાયલ દરમિયાન ફરિયાદ પક્ષ ઘટનાસ્થળેથી કોઈ પણ શસ્ત્ર કે અન્ય કોઈ ચીજ હસ્તગત કરી શક્યો નહોતો. ફરિયાદ પક્ષનો આખો કેસ કબૂલાતના નિવેદન પર આધારિત હતો, એવું અવલોકન જજે કર્યું હતું.
ફરિયાદ પક્ષ ગુનાના સ્થળ અથવા મૃતદેહ સાથે આરોપીની કડી જોડી શક્યો નથી. તેથી આરોપીને તુરંત છોડી મૂકવાનો આદેશ કોર્ટે આપ્યો હતો. આ કેસના સહઆરોપી ગણેશ ખરાટેને અગાઉ પુરાવાને અભાવે પોલીસે જ છોડી મૂક્યો હતો, જ્યારે ત્રીજો આરોપી સંદેશ પરબ હજુ ફરાર છે. (પીટીઆઈ)