મુંબઈ: વિજયદુર્ગ બંદર પર છેલ્લા 14 મહિનાથી પડી રહેલા નૌકાદળના એક ઐતિહાસિક જહાજે આજે તેની છેલ્લી યાત્રા પૂર્ણ કરી. ભારતીય નૌકાદળમાંથી નિવૃત્ત થયેલા યુદ્ધ જહાજ આઈએનએસ ગુલઝારએ મંગળવારે સમુદ્રમાં જળસમાધિ લીધી હતી. અલબત્ત આ સાથે યુદ્ધ જહાજનો અંત નથી પરંતુ એક નવા અને રોમાંચક પ્રકરણની શરૂઆત છે. આ જહાજથી હવે પ્રવાસીઓ માટે પાણીની અંદર એક અલાયદી દુનિયા તૈયાર કરવામાં આવશે.
આ ઐતિહાસિક ક્ષણની તૈયારીઓ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી. મંગળવારે નિયુક્ત દરિયાઈ વિસ્તારમાં યુદ્ધ જહાજમાં પાણી ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. ધીમે ધીમે આ માનવરહિત યુદ્ધ જહાજ સમુદ્રના તળિયે સ્થિર થયું. આ સમગ્ર જટિલ પ્રક્રિયા મઝગાંવ ડોક એજન્સીના નિષ્ણાત એન્જિનિયરોની દેખરેખ હેઠળ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી.
આગામી દોઢથી બે વર્ષમાં સમુદ્રના તળિયે બેસી ગયેલા આ યુદ્ધ જહાજને પર્યટકો સમુદ્રના ઊંડાણમાં જઈ જોઈ શકશે. આ યુદ્ધ જહાજ પર રંગબેરંગી પરવાળા અને દુર્લભ દરિયાઈ છોડ ઉગી શકે છે. સમુદ્રના તળિયે ગયેલું આ જહાજ હવે સેંકડો પ્રજાતિની માછલીઓનું હકદાર ઘર બનશે. અહીં સ્કુબા ડાઇવ કરનારા પર્યટકોને યુદ્ધ જહાજનો રોમાંચ અને દરિયાઈ દુનિયાનો મનોહર દ્રશ્ય જોવા મળશે.
આ યુદ્ધ જહાજને પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં લગભગ બે વર્ષ લાગશે, દરિયાઈ પર્યટનમાં રસ ધરાવતા લોકો માટે આવનારા સમયમાં આ દેશનું સૌથી મોટું આકર્ષણ બનશે.