Thu Sep 03 2026

Logo

કચ્છ શિક્ષક આલમમાં હરખની હેલી: ૧૪૫ શિક્ષકોને એક જ દિવસમાં જિલ્લા ફેરબદલીની તમામ પ્રક્રિયા સ્થળ પર જ કરાઈ પૂર્ણ

2026-07-23 13:48:00
Author: Mumbai Samachar Team
કચ્છ શિક્ષક આલમમાં હરખની હેલી: ૧૪૫ શિક્ષકોને એક જ દિવસમાં જિલ્લા ફેરબદલીની તમામ પ્રક્રિયા સ્થળ પર જ કરાઈ પૂર્ણ


ભુજઃ જિલ્લા ફેર બદલી પામેલા શિક્ષકો માટે સામાન્ય રીતે બદલી બાદ છૂટા થવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ અને વિલંબકારી રહેતી હોય છે. સામાન્ય સંજોગોમાં શિક્ષકોને પોતાની મૂળ શાળા, ગ્રુપ શાળા, તાલુકા કચેરી અને ત્યારબાદ જિલ્લા કચેરી સુધી દરખાસ્તો રજૂ કરવી પડતી હોય છે. આ ઉપરાંત સેવાપોથી મેળવવી, લાસ્ટ પે સર્ટિફિકેટ અને ઓનલાઈન ટ્રાન્સફર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જે-તે જિલ્લામાં વારંવાર ધક્કા ખાવા પડતા હોય છે.

શિક્ષકોની આ લાંબા સમયની હાલાકી અને મુશ્કેલીઓને ધ્યાને રાખીને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર દ્વારા એક અત્યંત સરાહનીય અને પારદર્શક નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપીને સમગ્ર ટુકડીને કામે લગાડી હતી, જેના પરિણામે એક જ દિવસમાં ૧૪૫ શિક્ષકોની તમામ વહીવટી પ્રક્રિયા સ્થળ પર જ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે.

રાજ્યભરમાં પ્રથમ વખત હાથ ધરાયેલી આ પ્રકારની વિશિષ્ટ અને ત્વરિત કામગીરીને કારણે જિલ્લા ફેર બદલી પામેલા શિક્ષકો હવે કોઈપણ પ્રકારના વહીવટી વિલંબ કે માનસિક તણાવ વગર પોતપોતાના વતન તરફ ઝડપથી પ્રયાણ કરી શકશે.

આ નોંધપાત્ર વહીવટી પહેલને બિરદાવતા શિક્ષક સંગઠનના પ્રમુખ નયનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, "વિલંબકારી અને જટિલ પ્રક્રિયામાંથી શિક્ષકોને મુક્તિ અપાવીને તંત્ર દ્વારા પારદર્શક વહીવટનો સુખદ અનુભવ કરાવવામાં આવ્યો છે."

આ કામગીરી દરમિયાન તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, કચેરીનો સ્ટાફ તેમજ પ્રાથમિક શિક્ષક સંઘ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્રના આ હકારાત્મક અને પ્રજાભિમુખ અભિગમથી સમગ્ર શિક્ષક આલમમાં સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

(ઉત્સવ વૈદ્ય)