ગંજામ: ઓડિશાના ગંજામ જિલ્લાના જૂના પોડમપેટા સમુદ્ર કિનારે હાલમાં એક મંદિરના શિખરનો ભાગ જોવા મળતા અહીંયા આ સ્થળ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. દરિયાકિનારાની માટી નીચેથી મંદિરના શિખરનો અમુક ભાગ દેખાઈ રહ્યો છે, જે બહાર આવ્યા બાદ આ મંદિર સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી મળી છે.
મળતી માહિતી અનુસાર આ શિખરનો ભાગ સ્થાનિક વિસ્તારના ગંગાદેવી મંદિરનો છે. આ મંદિર લગભગ 20થી 25 વર્ષ જૂનું હોવાનું મનાય છે. આ મંદિર સંપૂર્ણપણે સ્થાપિત થયા પહેલા દરિયામાં સમાઈ ગયું હતું. દરિયો સતત આગળ વધતા આ વિસ્તારમાં હાજર વસ્તીને પણ અસર થઈ હતી.
સમુદ્રમાં સમાઈ ગયો હતો વિસ્તાર
એક સમયે આ જગ્યા પર લોકો વસતા હતા. અહીંયા ઘણા ઘરો હાજર હતા, પરંતુ સમય સાથે દરિયાનું પાણી આગળ વધતું ગયું અને એક પછી એક ઘર દરિયામાં સમાતા ગયા હતા ત્યાર બાદ ધીરે ધીરે આ સમગ્ર વિસ્તાર અને હાજર વસ્તીનો મોટો ભાગ દરિયામાં લીન થઈ ગયો હતો. હવે દરિયો થોડો પાછળ જવાના લીધે માટી નીચે દબાયેલા મંદિરનો ભાગ ફરી દેખાવા લાગ્યો છે. મંદિરના શિખરનો મોટો ભાગ દરિયાકિનારે દેખાયા બાદ લોકોનું ધ્યાન દોરાયું છે.
બદલાઈ ગયું સમગ્ર વિસ્તારનું સ્વરૂપ
દરિયાકિનારાની માટીની નીચેથી જૂના મંદિરનો ભાગ જોવા મળ્યા બાદ સ્થાનિક લોકો માટે કુતૂહલનો વિષય બન્યું છે. લોકો આ સ્થળે પહોંચીને મંદિરના આ ભાગને જોઈ રહ્યા છે. જે જગ્યા પર આજે દરિયો દેખાઈ રહ્યો છે ત્યાં એક સમયે લોકો વસી રહ્યા હતા. સમય સાથે સમુદ્રમાં ઘરો સમાઈ ગયા બાદ આ વિસ્તારનું સ્વરૂપ બદલાઈ ગયું હતું. હાલમાં સમુદ્રનું વહેણ થોડું પાછળ જવાના લીધે ગંગાદેવી મંદિરનો અમુક ભાગ બીજી વખત દેખાય રહ્યો છે, જેના લીધે આ વિસ્તાર લોકોની ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.