ન્યૂ યૉર્કઃ 2026ના ક્રિકેટમય મે મહિનાનો અંત નજીક આવી રહ્યો છે અને પછી જે જૂન મહિનો શરૂ થશે એ ફૂટબૉલના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે, કારણકે એ મહિનામાં એવો ફિફા વર્લ્ડ કપ શરૂ થશે જેમાં વિશ્વની આ સૌથી લોકપ્રિય રમતના બે લેજન્ડ લગભગ છેલ્લી વખત રમતા જોવા મળશે અને એ આ વર્લ્ડ કપ માટેના સત્તાવાર સૉન્ગ `ડાય ડાય...'નું ટીઝર તાજેતરમાં પૉપ સુપરસ્ટાર શકિરા દ્વારા લૉન્ચ થયું હતું.
વર્લ્ડ કપ 11મી જૂને શરૂ થશે. આર્જેન્ટિનાના લિયોનેલ મેસી અને પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો કદાચ છેલ્લો વર્લ્ડ કપ છે. આર્જેન્ટિના વર્લ્ડ કપના ગ્રૂપ-જેમાં છે જેમાં અલ્જિરિયા, ઑસ્ટ્રિયા અને જોર્ડનનો સમાવેશ છે. રોનાલ્ડોના પોર્ટુગલવાળા ગ્રૂપ-કેમાં જેમાં કૉલમ્બિયા, ઉઝબેકિસ્તાન અને કૉન્ગો સામેલ છે.
શકિરાએ `ડાય ડાય...'નું ટીઝર લૉન્ચ કરીને ફૂટબૉલપ્રેમીઓને રોમાંચિત કરી દીધા છે અને વર્લ્ડ કપ માટેની તેમની આતુરતા વધારી દીધી છે. શકિરાએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ હાઇ-એનર્જી રીલ શૅર કરી છે જેમાં અમુક સ્ટાર-સુપરસ્ટાર ખેલાડીઓની રોમાંચક મૅચોની ઝલક `કમિન્ગ સૂન'ની કૅપ્શન સાથે બતાવાઈ છે. આ સૉન્ગમાં શકિરાને બર્ના બૉય નામનો સિંગર સાથ આપી રહ્યો છે.
2026નો ફિફા વર્લ્ડ કપ સંયુક્ત રીતે અમેરિકા, કૅનેડા અને મેક્સિકોમાં રમાશે. એનું સત્તાવાર ઍન્થેમ ફિફા ગ્લોબલ સિટિઝન એજ્યૂકેશન ફંડ સાથે પણ સંલગ્ન છે. એ સંસ્થા વિશ્વભરમાં બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ તેમ જ ફૂટબૉલની તાલીમ અપાવવા પર કેન્દ્રિત કરનારું અભિયાન છે.
19મી જુલાઈએ ન્યૂ જર્સીમાં ફિફા વર્લ્ડ કપની ફાઇનલ રમાશે અને પહેલી વખત ફાઇનલના હાફ-ટાઇમ વખતે મ્યૂઝિક શૉ યોજાશે જેમાં શકિરા પર્ફોર્મ કરશે. આ શૉમાં શકિરાની સાથે મડોના પણ પર્ફોર્મ કરશે. આ શૉના મુખ્ય આર્ટિસ્ટિક ડિરેકટર `કૉલ્ડપ્લે'ના ક્રિસ માર્ટિન છે.