(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક સ્તરે ભૂરાજકીય તણાવને કારણે ક્રૂડતેલના ભાવમાં વધારો અને ડૉલર ઈન્ડેક્સ મજબૂત રહેતાં આજે સપ્તાહના આરંભે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 39 પૈસાના કડાકા સાથે 96ની સપાટી પાર કરીને 96.20ની નવાં તળિયે બંધ રહ્યો હતો. ફોરેક્સ ટ્રેડરોના જણાવ્યાનુસાર અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા તણાવને કારણે વૈશ્વિક બજારોનું સેન્ટિમેન્ટ ખરડાતા સ્થાનિક સ્તરે રૂપિયો દબાણ હેઠળ આવી રહ્યો છે. ખાસ કરીને ક્રૂડતેલના ભાવમાં આવી રહેલા વધારા અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી રહેતાં વૈશ્વિક ઊભરતી બજારોનાં ચલણોની સરખામણીમાં રૂપિયો વધુ દબાણ હેઠળ રહે છે.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 95.81ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 96.19ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 96.39 અને ઉપરમાં 96.11ની રેન્જમાં અથડાઈને અંતે 39 પૈસાના ધોવાણ સાથે 96.20ના મથાળે બંધ રહ્યો હતો.
વૈશ્વિક સ્તરે ક્રૂડતેલના ભાવમાં વધારો, ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો અને ભૂરાજકીય તણાવને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીના દબાણને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નકારાત્મક વલણ જોવા મળે અને 96થી 96.60 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા વ્યક્ત કરતાં મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે રિઝર્વ બૅન્કનો હસ્તક્ષેપ અને સોના-ચાંદીની આયાત સામેના સરકારના નિયંત્રાત્મક પગલાં અમુક અંશે ગબડતાં રૂપિયાને ટેકો આપી શકે છે.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે સાધારણ 0.14 ટકાના ઘટાડા સાથે 99.14 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.65 ટકા વધીને બેરલદીઠ 109.97 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 77.05 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 6.45 પૉઈન્ટનો સાધારણ સુધારો આવ્યો હતો, જ્યારે ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1329.17 કરોડની ચોખ્ખી ખરીદી રહી હોવાનું એક્સચેન્જે આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું, પરંતુ તેની રૂપિયા પર ખાસ અસર નહોતી જોવા મળી, એમ સૂત્રોએ ઉમેર્યું હતું.