Mon Sep 07 2026

Logo

આયાત ઘટાડવા ઉત્પાદન વધારવા ગોયલની ઉદ્યોગને હાકલ

2026-05-18 19:57:40
Author: Ramesh Gohil
આયાત ઘટાડવા ઉત્પાદન વધારવા ગોયલની ઉદ્યોગને હાકલ

નવી દિલ્હીઃ દેશમાં થતી આયાતી ચીજો પૈકી સ્થાનિકમાં ઉત્પાદન થઈ શકે તેવા માલને ઓળખીને તેનું સ્થાનિકમાં ઉત્પાદન કરી આયાત ઘટાડવા મદદરૂપ થવાં વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે ઉદ્યોગને અનુરોધ કરવાની સાથે નિકાસ વધારવા અને આયાત કરવાના સ્થાને સ્થાનિકમાં ઉત્પાદીત થયેલી ચીજો ખરીદવાની પણ ભલામણ કરી છે. 

અત્રે સ્થાનિકમાં ટ્રેડરોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે તમે આયાતી ચીજો પર નજર રાખશો તો તમને તેમાં સ્થાનિકમાં ઉત્પાદન કરવાની તક પણ દેખાશે, તમે વાણિજ્ય મંત્રાલયના ટ્રેડ પોર્ટલ પર આયાતના વલણનો અભ્યાસ કરો અને આયાતના વિકલ્પ માટે તેમાં સ્થાનિકમાં ઉત્પાદન માટેની તક ખોળો. 

વધુમાં તેમણે કહ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધ અને પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાના પડકારો છતાં ગત નાણાકીય વર્ષ 2025-26માં દેશની નિકાસ પાંચ ટકા વધીને 863.11 અબજ ડૉલરની સપાટીએ રહી હતી, જ્યારે વર્તમાન નાણાકીય વર્ષ માટે એક ટ્રિલિયન ડૉલરની નિકાસનો મોટો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે આપણે સાથે કાર્ય કરવું પડશે તેમ જ ઉદ્યોગે તેને માટે ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રીત કરવાની સાથે સ્પાર્ધાત્મકતા વધારવી પડશે અને ઉત્પાદન વધારવું પડશે. આગામી પાંચ વર્ષમાં સરકાર ગૂડ્સ અને સર્વિસીસ નિકાસ વધીને બે ટ્રિલિયનની સપાટીએ પહોંચે તેવી આશા રાખી રહી છે. 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારતે કરેલા મુક્ત વેપાર કરાર ભારતીય માલ-સામાન માટે બજારનું એક્સેસ આપશે અને નિકાસ વધારવામાં મદદરૂપ થશે. તેમ જ આગામી પહેલી જૂનથી ઓમાન સાથેનાં મુકત વેપાર કરાર અમલી બનશે, એમ જણાવતા તેમણે ખાસ કરીને કૃષિ નિકાસમાં મૂલ્યવર્ધન વધારવાનો અનુરોધ કરતાં કહ્યું હતું કે કૃષિ નિકાસ રૂ. પાંચ લાખ કરોડની સપાટીએ પહોંચી છે.