Tue May 19 2026

Logo

હવે આખું વર્ષ રાહ નહીં જોવી પડે! UPSC લાવ્યું નવો નિયમ, પરીક્ષા બાદ તરત જ મળશે આન્સર કી

2026-05-19 10:10:00
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: સિવિલ સર્વિસીસની તૈયારી કરતાં ઉમેદવારો માટે ખૂબ સારા સમાચાર છે. કારણ કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશને (UPSC) પરીક્ષા પદ્ધતિમાં એક મોટો બદલાવ કર્યો છે. UPSCએ જાહેર કર્યું છે કે પ્રિલિમ પરીક્ષા 2026 લેવાયા બાદ તરત જ તેની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવશે. આગામી 24મી મેના રોજ UPSC પ્રિલિમ પરીક્ષા લેવાનું છે. ત્યારે આયોગનો આ બદલાવ હજારો ઉમેદવારોને લાભ આપશે. 

અત્યાર સુધી UPSCની પરીક્ષામાં પ્રોવિજનલ આન્સર કી જેવી કોઈ વ્યવસ્થા નહોતી અને આથી જ ઉમેદવારોએ પરીક્ષા લેવાયા  બાદ જ્યાં સુધી આયોગ દ્વારા આન્સર કી જાહેર કરવામાં ના આવે ત્યાં સુધી તેની રાહ જોવી પડતી હતી. જો કે ઘણીવાર એમાં આખું વર્ષ જતું રહેતું. જો કે પરીક્ષાના પેપરમાં પૂછાયેલ પ્રશ્નના સંદર્ભે જો ઉમેદવારોને વાંધો હોય તો પણ આ જૂની સિસ્ટમને કારણે અનેક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હતો. 

આયોગના જણાવ્યા અનુસાર, આ પગલું પરીક્ષા પદ્ધતિમાં વિશ્વાસને વધારવા અને પારદર્શિતા જાળવી રાખવા માટે લેવામાં આવ્યું છે. હવે નવી સિસ્ટમ અનુસાર, આયોગ દ્વારા વેબસાઇટ પર પ્રોવિજનલ આન્સર કી જાહેર કરવામાં આવશે અને ત્યારે જ પોર્ટલ પર ઉમેદવારો વાંધા અરજી કરી શકશે. ઉમેદવારો પરીક્ષા બાદ છેલ 31 મે સુધી  પોર્ટલ પર વાંધા અરજી કરી શકશે. ઉમેદવારોએ તેના દાવાને સમર્થન આપવા માટે તેની ટૂંકી સમજૂતી અને ત્રણ ઓથેન્ટિક સ્ત્રોતને રજૂ કરવાના રહેશે. 

ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી વાંધા અરજીઓ પર UPSCની નિષ્ણાતોની સમિતિ વિચાર કરશે અને ત્યારબાદ જ ફાઇનલ આન્સર કી બહાર પાડવામાં આવશે. UPSCના આ નિર્ણયથી હજારો ઉમેદવારોને રાહત આપી છે. ઉલ્લેખનીય છે કે દરવર્ષે આશરે 5 લાખથી પણ વધુ ઉમેદવારો UPSCની પ્રિલિમ આપે છે, જ્યારે તેમાંથી સરેરાશ 12 થી 15 હજાર ઉમેદવારો જ પ્રિલિમ ક્લિયર કરવામાં સફળ થતાં હોય છે. જો કે અમુક ઉમેદવારો કે જેને સારું સ્કોરિંગ કર્યું હોય તે પણ આન્સર કીના અભાવે અસમંજસમાં રહેતા હોય છે. જો કે હવે આ સ્થિતિ સર્જાવાને કોઈ અવકાશ નથી અને આથી નિષ્ફળ થયેલા ઉમેદવારો પોતાની કારકિર્દી ઘડતરમાં વધુ ધ્યાન આપી શકશે.