Sat Aug 29 2026

Logo

બ્રિટનમાં 23 વર્ષના ભારતીય મૂળના યુવાને રચ્યો ઈતિહાસઃ સૌથી નાની ઉંમરના મેયર બન્યા

London   2026-05-18 18:12:04
Author: Mumbai Samachar Team
બ્રિટનમાં 23 વર્ષના ભારતીય મૂળના યુવાને રચ્યો ઈતિહાસઃ સૌથી નાની ઉંમરના મેયર બન્યા

લંડનઃ બ્રિટનમાં ભારતીય મૂળના ૨૩ વર્ષીય તુષાર કુમારે ઇતિહાસ રચ્યો છે. તેમને સત્તાવાર રીતે એલ્સ્ટ્રી અને બોરેહામવુડના મેયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ બ્રિટનના ઇતિહાસમાં આ પદ સંભાળનારા ભારતીય મૂળના સૌથી યુવા વ્યક્તિ બન્યા છે.

તુષાર કુમારે ગત અઠવાડિયે એક સમારોહમાં એલ્સ્ટ્રી અને બોરેહામવુડના મેયર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. કુમારે લંડનની કિંગ્સ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો છે. મેયરની ભૂમિકા સંભાળતા પહેલા તેમણે ડેપ્યુટી મેયર તરીકે સેવા આપી હતી. તેઓ લાંબા સમયથી બોરેહામવુડમાં સ્થાનિક નાગરિક અને સામુદાયિક કાર્યોમાં સક્રિય રહ્યા છે.

આ નોંધપાત્ર સિદ્ધિ પર આનંદ વ્યક્ત કરતાં તુષાર કુમારે તેને એક મોટું સન્માન ગણાવ્યું હતું. તુષારે કહ્યું કે કિંગ્સ કોલેજમાં પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરવાથી લઇને તેમના પ્રિય શહેરના મેયર બનવા સુધીની સફર એક સ્વપ્ન સમાન છે. તેમણે તેમની રાજકીય સફરમાં મળેલા સમર્થન માટે તમામનો આભાર માન્યો હતો.

તેમ જ તુષારે વિદાય લેતા મેયર ડેન ઓઝારોનો તેમના માર્ગદર્શન બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે ડેપ્યુટી મેયર તરીકેના કાર્યકાળ દરમિયાન તેમને ડેન પાસેથી ઘણું શીખવા મળ્યું હતું. તેમજ કાઉન્સિલર લિંડા સ્મિથનું તેમના નવા ડેપ્યુટી મેયર તરીકે સ્વાગત કર્યું હતું.

મેયર તરીકે તુષાર કુમારનો મુખ્ય ધ્યેય સમુદાય વચ્ચે પોતાની હાજરી વધારવાનો છે. તેઓ સ્થાનિક ચેરિટી સંસ્થાઓ અને સંગઠનોની મદદ કરવા માંગે છે. તેઓ જાહેર સેવા અને સામુદાયિક જીવનમાં વધુ યુવાનો ભાગ લે તેવી ઇચ્છા ધરાવે છે. તુષારે સમાજ વચ્ચે રહીને લોકોની સમસ્યાઓ ઉકેલવા અને યુવાનોને પ્રેરણા આપવા માટે કામ કરવાનો સંકલ્પ લીધો છે.