Wed Sep 02 2026

Logo

થાણેમાં પુઠ્ઠાના ગોદામમાં અને ગેરજમાં ભીષણ આગ

2026-05-19 19:26:34
Author: Sapna Desai
થાણેમાં પુઠ્ઠાના ગોદામમાં અને ગેરજમાં ભીષણ આગ

થાણે: થાણે પશ્ચિમમાં કોળશેત વિસ્તારમાં એક પુઠ્ઠાના ગોડાઉનમાં મંગળવારે સવારના ભીષણ આગ ફાટી  નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું પણ ગોડાઉન સહિત ગેરેજને ભારે માત્રામાં નુકસાન થયું હતું.થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ કોલશેત વિસ્તારમાં પાઈપલાઈન રોડ પર તરીચા પાડામાં ૮,૦૦૦ સ્કવેર ફૂટના વિસ્તારમાં આવેલા મેસર્સ શિવશક્તિ એન્ટરપ્રાઈઝ નામના પુઠ્ઠાના ગોડાઉનમાં સવારના ૭.૪૦ વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી.

આ આગ બાજુમાં જ આવેલા ૫,૦૦૦ સ્કવેર ફૂટના ગેરેજમાં પણ ફેલાઈ હતી. આગમાં ગોડાઉનમાં રહેલા પુઠ્ઠાનું સામાન, ગોડાઉનમાં રહેલા જેસીબી મશીન અને ફોર્કલિફ્ટ મશીન સહિત અન્ય તમામ સામાન બળીને ખાખ થઈ ગયું હતું. તો ગેરેજમાં સમારકામ માટે આવેલી એક કાર સહિત અન્ય મશીનો બળીને ખાખ થઈ ગયા હતા.


આગની જાણ થતા ઘટના સ્થળે  કાપૂરબાવડી પોલીસ, ફાયરબિગ્રેડ બે જેસીબી મશીન સહિત ત્રણ ફાયર એન્જિન, બે જમ્બો વોટર ટેન્કર સહિત ત્રણ પ્રાઈવેટ વોટર ટેન્કર, એક પ્રાઈવેટ જે.સીબી મશીન સહિત ઘટના સ્થળે પહોંચી ગયા હતા.  લગભગ છ કલાકની જહેમત બાદ આગ બુઝાવવામાં સફળતા મળી હતી પણ કુલિંગ ઓપરેશન મોેડે સુધી ચાલ્યું હતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.