કેલિફોર્નિયાઃ અમેરિકામાં ગન વાયલન્સ અને હેટ ક્રાઇમ સાથે જોડાયેલો એક ખૂબ જ ડરામણો કિસ્સો સામે આવ્યો છે. કેલિફોર્નિયાના સેન ડિએગો કાઉન્ટીમાં આવેલા સૌથી મોટા ઇસ્લામિક સેન્ટરની બહાર સોમવારે બે સગીર બંદૂકધારીઓએ આડેધડ ફાયરિંગ કર્યું હતું.
આ ભયાનક હુમલામાં એક સિક્યોરિટી ગાર્ડ સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટનાને અંજામ આપ્યા બાદ બંને હુમલાખોરોએ પણ નજીકની એક ગલીમાં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. અમેરિકાની ગુપ્તચર એજન્સી FBI અને સ્થાનિક પોલીસ આ ઘટનાને મુસ્લિમ સમુદાયને નિશાન બનાવીને કરવામાં આવેલો 'શંકાસ્પદ હેટ ક્રાઇમ' માનીને તપાસ કરી રહી છે.
બપોરની નમાજ પહેલા ખૂની ખેલ
એક રિપોર્ટ અનુસાર, આ ઘટના બપોરે આશરે 12 વાગ્યાની થોડી જ વાર પહેલાં બની હતી, જ્યારે લોકો મસ્જિદ પરિસરમાં હાજર હતા. અચાનક ગોળીઓનો અવાજ આવતા નમાઝીઓ અને પરિસરની અંદર ચાલતી શાળાના બાળકોમાં ચીસાચીસ અને નાસભાગ મચી ગઈ હતી.
સેન ડિએગોના પોલીસ વડા સ્કોટ વાહલે જણાવ્યું કે હુમલો થયા બાદ મોટી સંખ્યામાં પોલીસ કાફલાએ મોરચો સંભાળી લીધો હતો અને મસ્જિદ પરિસરની અંદર ડે-સ્કૂલમાં ભણતા તમામ બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા, કોઈ પણ બાળકને ઈજા થઈ નથી.
પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેને મસ્જિદની ઇમારત બહાર ત્રણ પુરુષોના મૃતદેહ મળ્યા, જેમને ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યા હતા. મૃતકોમાંના એક મસ્જિદના સિક્યોરિટી ગાર્ડ (સુરક્ષા કર્મચારી) હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ બહાદુર સુરક્ષા કર્મચારીએ પોતાના જીવનું જોખમ ખેડીને હુમલાખોરોને મુખ્ય ઇમારતની અંદર ઘૂસતા રોક્યા હતા, જેના કારણે એક બહુ મોટો નરસંહાર થતા રહી ગયો.
કારમાં મળી હુમલાખોરોની લાશો
હુમલાના થોડા જ સમય બાદ, સુરક્ષા એજન્સીઓએ નજીકના એક રોડ પર પાર્ક કરેલી શંકાસ્પદ કારની અંદર બે કિશોરો (ઉંમર 17 અને 19 વર્ષ) ના મૃતદેહ મળ્યા. પોલીસનું માનવું છે કે આ બંને જ મસ્જિદ પર હુમલો કરનારા મુખ્ય શૂટર (બંદૂકધારી) હતા, જેમણે આ ઘટનાને અંજામ આપ્યા બાદ પોતાને ગોળી મારી દીધી હતી.