Tue May 19 2026

Logo

તમિલનાડુમાં રાજકીય ડ્રામા: AIADMK પલાનીસ્વામી અને બળવાખોરો આવ્યા સામસામે, કોઈ પીછેહટ કરવા તૈયાર નહીં

2026-05-19 19:51:48
Author: Mumbai Samachar Team
Article Image

PTI


ચેન્નઈઃ ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (એઆઈએડીએમકે) ના મહાસચિવ એડપ્પડી કે. પલાનીસ્વામીએ મંગળવારે જિલ્લા સચિવો સહિત પાર્ટીના પ્રમુખ પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. ટીવીકેને સમર્થન આપનારા બળવાખોર જૂથ દ્વારા જનરલ કાઉન્સિલની બેઠક બોલાવવાની માંગને ધ્યાનમાં રાખીને આ બેઠક યોજાઈ હતી. પલાનીસ્વામીએ અસંતુષ્ટોને સમાધાનની ઓફર કરી હતી અને તેમને જવાબદારીપૂર્વક કાર્ય કરવા વિનંતી કરી હતી ત્યાર બાદ તેમણે પક્ષના ટોચના અધિકારીઓના મંતવ્યો સાંભળ્યા હતા.

એઆઈએડીએમકેના મહાસચિવ પલાનીસ્વામીએ મંગળવારે પાર્ટીમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે વરિષ્ઠ પદાધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જ્યારે બળવાખોરોએ નમતું જોખવાનો ઈનકાર કર્યો હતો.  એક દિવસ અગાઉ બળવાખોરોને વાતચીત માટે આમંત્રણ આપનારા પલાનીસ્વામીએ પાર્ટી મુખ્યાલયમાં નેતાઓ સાથે બે કલાક લાંબી બેઠક યોજી હતી, પરંતુ તેમણે બળવાખોરોની જનરલ કાઉન્સિલની બેઠક બોલાવવાની માંગણી સ્વીકારી ન હતી. ઉપરાંત, વરિષ્ઠ નેતાઓ સીવીઈ ષણમુગમ અને એસપી વેલુમણિના નેતૃત્વ હેઠળના બળવાખોર જૂથમાંથી કોઈએ પણ પલાનીસ્વામી સાથે મળીને કામ કરવા અને તેમના આમંત્રણનો સકારાત્મક પ્રતિભાવ આપ્યો ન હતો.

પલાનીસ્વામીની બેઠકમાંથી બહાર આવતા વરિષ્ઠ નેતા ઓ.એસ. માનિયને કહ્યું હતું કે "રચનાત્મક ચર્ચા" થઈ હતી અને જનરલ કાઉન્સિલ બોલાવવા અંગે કોઈ વાત થઈ નહોતી. પલાનીસ્વામીના વફાદાર પક્ષના નેતા બી.વી. રમનાએ જણાવ્યું હતું કે બેઠકમાં લગભગ 80 જિલ્લા સચિવોએ હાજરી આપી હતી. તેમણે કહ્યું કે, બધા પદાધિકારીઓ અને કાર્યકરો પલાનીસ્વામી સાથે "મજબૂતી સાથે ઉભા રહ્યા" હતા અને પાર્ટીને જીતાડવા માટે રણનીતિ બનાવશે.

અલગ થયેલા જૂથે 2019થી ચૂંટણીમાં એઆઈએડીએમકેની હારનું આત્મનિરીક્ષણ કરવા માટે પાર્ટી જનરલ કાઉન્સિલ બોલાવવાની માંગણી કરી હતી. ષણમુગમે પત્રકારો સાથે વાત કરતા પલાનીસ્વામીની ટીકા કરી કારણ કે તેઓ એક તરફ અસંતુષ્ટ નેતાઓને વાટાઘાટો કરવા માટે વિનંતી કરી રહ્યા છે તો બીજી તરફ તેઓ પદાધિકારીઓ, 31 જિલ્લા સચિવોને તેમના પદ પરથી હટાવી રહ્યા છે.