હેડિંગ વાંચીને તમને પણ નવાઈ લાગી હશે ને કે બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનની ફેનફોલોઈંગ માત્ર ભારતમાં જ નહીં દુનિયાભરના વિવિધ દેશોમાં છે તો આખરે એવો તો કયો દેશ છે કે જેમણે બિગ બી પર પ્રતિબંધ લાદ્યો હતો? ચાલો આજે તમને આ અનોખા કિસ્સાને વિસ્તારથી જણાવીએ...
અમિતાભ બચ્ચન એ એક ગ્લોબલ સુપરસ્ટાર છે, પરંતુ 1980ના દાયકામાં જ્યારે બિગ બી તેમના કરિયરના પીક પર હતા, ત્યારે તેમનો ક્રેઝ સાત સમંદર પાર ફેલાયેલો હતો. ખાસ કરીને ઇજિપ્તમાં અમિતાભ બચ્ચનની લોકપ્રિયતા એટલી હદે હતી કે ત્યાંની સરકારને પોતાની લોકલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખતરામાં હોવાનો ડર સતાવવા લાગ્યો હતો. 1980ના દાયકામાં મિડલ ઈસ્ટ અને ઇજિપ્તમાં અમિતાભ બચ્ચનના નામનો ડંકો વાગ્યો હતો અને તેમની ફિલ્મો જોવા માટે ત્યાં એવો ક્રેઝ હતો કે ઇજિપ્તની સ્થાનિક ફિલ્મોને થિયેટર્સ મળવામાં ફાંફા પડી રહ્યા હતા.
ઈજિપ્તની ફિલ્મો બોક્સ ઓફિસ પર ધબડકો વળતી હતી અને અમિતાભની ફિલ્મો અધધ કમાણી કરતી હતી. પરિણામે ત્યાંની કલ્ચરલ મિનિસ્ટ્રીએ (સાંસ્કૃતિક મંત્રાલય) પોતાની લોકલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવાના બહાને એક ખાસ કાયદો પસાર કરીને ભારતીય ફિલ્મો પર સત્તાવાર પ્રતિબંધ (બેન) મૂકી દીધો.
ઈજિપ્તની સરકારે સ્થાનિક ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ તો મૂકી દીધો, પણ જનતાના દિલમાંથી અમિતાભને ન કાઢી શકી. પરિણામે, બિગ બીની ફિલ્મો ઇજિપ્તમાં ગેરકાયદેસર એટલે કે પાઈરેટેડ રીતે ઘુસાડવામાં આવતી અને દૂર-દરાજના નાના થિયેટરોમાં ચોરીછુપીથી બતાવવામાં આવતી હતી.
જે લોકો પાસે વીસીઆર કે ટેપ રેકોર્ડર નહોતા, તેઓ દર ગુરુવારે રાત્રે સ્થાનિક કેફેમાં ભેગા થઈને અમિતાભના ગીતો અને ડાયલોગ્સ સાંભળતા હતા. ઈજિપ્તમાં એ સમયે બિગ બીનો ક્રેઝ એવો હતો કે 1985માં આવેલી અમિતાભની સુપરહિટ ફિલ્મ 'ગિરફ્તાર'નો એક આખો સીન કોપી કરીને ઇજિપ્તની એક લોકલ ફિલ્મમાં બેઠો મૂકવામાં આવ્યો હતો.
એક બીજા ખૂબ જ ચર્ચિત કિસ્સા અનુસાર 1991માં જ્યારે અમિતાભ બચ્ચન ઇજિપ્તના કાહિરા ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચ્યા, ત્યારે કૈરો એરપોર્ટ પર ફેન્સની એટલી અભૂતપૂર્વ ભીડ ઉમટી પડી કે સુરક્ષા વ્યવસ્થા પડી ભાંગી. ભીડ કસ્ટમ્સ હોલ સુધી ઘૂસી ગઈ હતી. ખુદ અમિતાભે આ ઘટનાને 'નેશનલ ક્રાઇસિસ' (રાષ્ટ્રીય કટોકટી) ગણાવી હતી. પરિસ્થિતિ એટલી આઉટઓફ કન્ટ્રોલ હતી કે ઈમિગ્રેશન અને કસ્ટમ્સ અધિકારીઓએ અમિતાભના ડોક્યુમેન્ટ્સ ચેક કરવા માટે હોટેલના રૂમ પર જવું પડ્યું હતું.
મજાની વાત તો એ હતી કે ઈજિપ્ત દાયકાઓ સુધી અમિતાભની ફિલ્મો પર રોક લગાવવા માટેના બહાનાઓ અને નુસખા શોધતું રહ્યું, એ જ દેશે વર્ષ 2001માં અમિતાભ બચ્ચનને 'એક્ટર ઓફ ધ સેન્ચુરી' એવોર્ડથી સન્માનિત કર્યા હતા. આ સાબિત કરે છે કે બિગ બી કોઈ ડિપ્લોમેટ વગર પણ વિદેશમાં ભારતની 'સોફ્ટ પાવર' ફેલાવવાનું સૌથી મોટું માધ્યમ હતા.
વાત કરીએ બિગ બીના વર્કફ્રન્ટની તો આજે 83 વર્ષની વયે પણ તેઓ એટલા જ એક્ટિવ છે અને સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે જોડાયેલા રહે છે. ટૂંક સમયમાં જ તેઓ મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કલ્કિ ટુ'માં દમદાર અવતારમાં જોવા મળશે.