Tue May 19 2026

Logo

હવે ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા અલગ થશે, જાણો અભિનેત્રીનો જવાબ?

2026-05-19 17:26:29
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રી યા રમતગમત જગતમાં છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં મૌની રોય પણ અલગ થઈ છે, ત્યારે વધુ એક અભિનેત્રીના નામ જોડાતું સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જાગી છે. ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી જોડી ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાને લઈને છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર છૂટાછેડાની અફવા ફેલાઈ હતી. કપલના લગ્નને 9 વર્ષ પૂરા થયા છે પણ અફવામાં વાત એવી હતી કે, બન્નેના સંબંધમાં તિરાડ પડી ગઈ છે અને બન્ને એકબીજાથી અલગ રહેવા લાગ્યા છે. આ ખબરથી ફેન્સ હકીકત જાણવા માટે આતુર હતા. સોશિયલ મીડિયા પર મચી ગયેલા હોબાળાની ચોખવટ કરતા ભારતી સિંહે હકીકત જણાવી હતી. ભારતી સિંહે કહ્યું હતું કે, આ ખબર બિલકુલ ખોટી છે અને બકવાસ છે. 

હળવા અંદાજમાં આપ્યો મસ્ત જવાબ
ભારતીએ ભાર દઈને કહ્યું હતું કે, અમે બન્ને ક્યારેય અલગ ન થઈ શકીએ, કદાચ મૃત્યુ બાદ પણ નહીં. કેટલાક પોર્ટલ અમારી વાતને ટ્વિસ્ટ કરીને મૂકે છે, જે વાસ્તવિકતાથી ઘણી દૂર છે. પોતાના હળવા અંદાજમાં ભારતીએ કહ્યું કે, ઘરમાં લીંબુ સારા નથી આવતા સંબંધોમાં ખટાશ ક્યાંથી આવશે? વર્ષ 2017માં બન્નેએ લગ્ન કર્યા હતા. ભારતી અનેકવાર ઈન્ટરવ્યૂમાં કહી ચૂકી છે કે, હર્ષ માત્ર એકસારો પતિ નહીં પણ ઘણો સારો મિત્ર છે. બન્નેએ સાથે મળીને H3 પ્રોડક્શન નામની કંપની શરૂ કરી હતી. આ પહેલા પણ ઘણાય શૉમાં સાથે કામ કર્યું હતું. યુટ્યુબ પર ભારતીટીવી નામની એમની ચેનલ ઘણી જાણીતી છે. હાલમાં તે બે સંતાનોની માતા છે. વર્ષ 2022માં પ્રથમ સંતાન લક્ષ્યનો જન્મ થયો એ પછી બીજા સંતાન યશવીરથી પરિવારમાં ફરીવાર ખુશીઓ આવી. 

યુટ્યુબ પર સારો પ્રતિસાદ
સોશિયલ મીડિયા પર ભારતીએ કરેલી ચોખવટ બાદ ઘણી અફવાઓ શમી ગઈ છે. ખોટી વાતો ફેલાતી અટકી ગઈ છે. ભારતીએ સ્પષ્ટતા કરી કે, અમારા સંબંધો પહેલા હતા એવા જ છે અને સૌથી સુંદર છે. તે અવારનવાર પોતાના પરિવાર સાથેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે. ભારતી ટીવી યુટ્યુબ ટીવી પર તે ઘણા જાણીતા સેલેબ્સના ઈન્ટરવ્યૂ કરે છે, આ ઈન્ટરવ્યૂની ખાસ વાત એ છે કે, ફિલ્મના સેટ પરની વાતોથી લઈને કેટલાક ચોંકાવનારા ફેક્ટ પર તે ચર્ચા કરે છે. આ ઉપરાંત ઘણાય એવા કિસ્સાઓ એવા પણ શેર કરે છે જેમાં તે પોતે કોઈ શૉ કે એપિસોડની સાક્ષી બની હોય. આવી વાતો ફેન્સને પસંદ પડી રહી છે આ કારણે એમની ચેનલના દરેક એપિસોડ પર જોરદાર પ્રતિસાદ મળી રહ્યા છે.