Tue May 19 2026

Logo

70 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગનો કેસ: ‘ગૉડમૅન’ ખરાતની ધરપકડની ઈડીને પરવાનગી

2026-05-19 17:59:29
Author: Yogesh C. Patel
Article Image

મુંબઈ: નાશિકના ‘ગૉડમૅન’ અશોક ખરાતની 70 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસ સંબંધે ધરપકડ કરવા માટે વિશેષ અદાલતે મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ને પરવાનગી આપી હતી. મહિલા સાથે દુષ્કર્મના કેસમાં ધરપકડ કરાયેલા અશોક ખરાત વિરુદ્ધ મહિલાઓની જાતીય સતામણી અને છેતરપિંડીના ગુના નોંધાયેલા છે. હાલમાં તે અદાલતી કસ્ટડીમાં હતો. મંગળવારે તેને નાશિક જેલમાંથી પ્રોડક્શન વૉરન્ટ પર સ્પેશિયલ પીએમએલએ કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો.

ખરાતની ધરપકડ માટે ઈડી દ્વારા પરવાનગી માગવામાં આવી હતી, જેને કોર્ટે મંજૂરી આપી હતી. જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી ઈડી દ્વારા વિધિસર રીતે ખરાતની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ માટે તેને કસ્ટડીમાં લેવા માટે બુધવારે કોર્ટમાં હાજર કરવામાં આવશે.

ઈડીએ છઠ્ઠી એપ્રિલે પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ) હેઠળ ખરાત વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. નાશિક પોલીસે ખરાત વિરુદ્ધ નોંધેલા અનેક એફઆઈઆરની નોંધ લઈ ઈડીએ કાર્યવાહી હાથ ધરી હતી.
નાશિકની પરિણીત મહિલાએ ત્રણ વર્ષ દરમિયાન વારંવાર દુષ્કર્મ કરવાની ફરિયાદ નોંધાવ્યા પછી નાશિક પોલીસે 18 માર્ચે ખરાતની ધરપકડ કરી હતી. બાદમાં તેની વિરુદ્ધ જાતીય શોષણ અને છેતરપિંડીના એફઆઈઆર નોંધાયા હતા.

ઈડી બેનામી બૅન્ક ખાતાંના માધ્યમથી 70 કરોડ રૂપિયાના ખંડણી અને મની લોન્ડરિંગના મોટા રૅકેટની તપાસ કરી રહી છે. અગાઉ ઈડીએ પ્રોડક્શન વૉરન્ટ માટેની અરજીમાં જણાવ્યું હતું કે આ મોટું કાવતરું છે અને છેવટના લાભાર્થીની ઓળખ જરૂરી છે. નાણાંનું પગેરું મેળવવું જરૂરી છે, જેનો રેલો સીમાપાર હોઈ શકે છે.

ખરાતે અહિલ્યાનગર જિલ્લામાંની સમતા નાગરી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં એક જ દિવસમાં 60 ખાતાં કથિત રીતે ખોલાવ્યાં હતાં. જેમના દસ્તાવેજોને આધારે આ ખાતાં ખોલાવ્યાં હતાં, જેમની સંમતિ લીધી નહોતી અને આ ખાતાંના માધ્યમથી 70 કરોડ રૂપિયાથી વધુના વ્યવહાર કર્યા હતા. (પીટીઆઈ)