નવી દિલ્હીઃ ઉત્તર અને મધ્ય ભારતના 10 રાજ્યોમાં આ અઠવાડિયે તીવ્ર ગરમી ચાલુ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઘણા વિસ્તારોમાં તાપમાન 45°C ની આસપાસ અને તેનાથી વધુ પહોંચી ગયું છે. 24 મે સુધી તમામ રાજ્યોમાં હીટવેવની અસર રહેશે. રાતો પણ ગરમ રહેશે. સોમવારે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્રમાં પારો 46°Cથી પણ વધુ રહ્યો. દેશમાં સૌથી ગરમ ઉત્તર પ્રદેશનું બાંદા રહ્યું, અહીં તાપમાન 47.6°C રહ્યું. ઉત્તર પ્રદેશમાં ગરમીની સૌથી વધુ અસર જોવા મળી શકે છે. પશ્ચિમ યુપી (ઉત્તર પ્રદેશ) માં 19 થી 24 મે દરમિયાન ગંભીર લૂ (હીટવેવ) ની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જ્યારે પૂર્વ ઉત્તર પ્રદેશમાં પણ 19મે થી 24 મે સુધી ગંભીર હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે.
પંજાબના બઠિન્ડામાં 47°C, મહારાષ્ટ્રના વર્ધામાં 46.5°C, હરિયાણાના સિરસામાં 46.2°C, રાજસ્થાનના ચિત્તોડગઢ-પિલાણીમાં 46.2°C તાપમાન રહ્યું. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર, પૂર્વોત્તર અને દક્ષિણી વિસ્તારોને બાદ કરતાં લગભગ અડધા દેશમાં હીટવેવની અસર રહેશે. સરેરાશ તાપમાન 45°C સુધી રહી શકે છે.
મધ્ય ભારત પણ ભારે ગરમીની લપેટમાં છે. મધ્ય પ્રદેશમાં પણ 24 મે સુધી લૂ ચાલવાનું અનુમાન છે. વિદર્ભમાં 23 મે સુધી હીટવેવની અસર રહેશે, છત્તીસગઢમાં 20 થી ૨4 મે સુધી લૂ ની સંભાવના છે. મરાઠાવાડામાં 18 અને 19 મેના રોજ ગરમ પવનોની અસર રહેશે, જ્યારે મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે.
આગામી બે દિવસના હવામાનની સ્થિતિ
20 મે:
રાજસ્થાનના 19 જિલ્લામાં, યુપીના 33 જિલ્લામાં અને પંજાબના 10 જિલ્લામાં હીટવેવનું એલર્ટ.
ઝારખંડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ.
જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં વરસાદ સાથે કરા પડી શકે છે.
21 મે:
રાજસ્થાનમાં ગંભીર હીટવેવનું એલર્ટ છે. રાતો પણ ગરમ રહેશે. છત્તીસગઢ, હરિયાણા, દિલ્હી, મધ્ય પ્રદેશ, પંજાબ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ હીટવેવ ચાલશે.
આસામ, મેઘાલય, કેરળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કર્ણાટક અને તમિલનાડુમાં ભારે વરસાદનું અનુમાન છે.
મધ્ય પ્રદેશ: MPના 22 શહેરોમાં પારો 44 ડિગ્રીને પાર, ખજુરાહોમાં તાપમાન રેકોર્ડ 46.8°C
મધ્ય પ્રદેશમાં આકરી ગરમી યથાવત છે. સોમવારે ખજુરાહોમાં મહત્તમ તાપમાન 46.8°C પહોંચ્યું, નૌગાંવમાં 46°C રહ્યું. આ પહેલા 29 એપ્રિલ 1993ના રોજ ખજુરાહોમાં તાપમાન 46.9°C રહ્યું હતું. રાજ્યના 22 શહેરો એવા રહ્યા, જ્યાં સિઝનમાં પહેલીવાર મહત્તમ તાપમાન 44°C રહ્યું.
ઉત્તર પ્રદેશમાં ભીષણ ગરમી અને હીટવેવનો પ્રકોપ ચાલુ છે. પારો 47°C પાર કરી ગયો છે. બાંદા સતત બીજા દિવસે દેશમાં સૌથી ગરમ શહેર રહ્યું, અહીં મહત્તમ તાપમાન 47.6°C નોંધાયું. હવામાન વિભાગે આજે પ્રયાગરાજ, કાનપુર, વારાણસી સહિત 39 જિલ્લાઓમાં લૂનું એલર્ટ જાહેર કર્યું છે.
રાજસ્થાનમાં હવે દિવસની સાથે રાત્રે પણ તીવ્ર ગરમી અને ગરમ પવનની અસર છે. રાજ્યમાં આજથી 5 જિલ્લામાં તીવ્ર ગરમી અને હીટવેવનું ઓરેન્જ અને 5 જિલ્લામાં યલો એલર્ટ છે. સોમવારે 9 શહેરોમાં મહત્તમ તાપમાન 45°C થી 47°C ની વચ્ચે રહ્યું.
બિહારના 3 જિલ્લામાં સોમવારે તાપમાન 45°C ની આસપાસ પહોંચ્યું. 44.6°C સાથે ગયાજી સૌથી ગરમ જિલ્લો રહ્યો. રોહતાસનું તાપમાન 44.5°C, જ્યારે બક્સરનું તાપમાન 44.4°C રહ્યું. હવામાન વિભાગે આજે રોહતાસ, કૈમુર અને બક્સર માટે હીટવેવનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.
હરિયાણાના મહત્તમ તાપમાનમાં 1.9°Cનો વધારો થયો છે. આ સાથે રાજ્યનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.9°C વધી ગયું છે. સોમવારે સૌથી વધુ તાપમાન સિરસામાં નોંધાયું હતું, જે 46.2°C હતું. આજે રાજ્યના 16 જિલ્લામાં હીટવેવનું એલર્ટ છે.