Mon Oct 05 2026

Logo

માધુરી દીક્ષિતના 32 વર્ષ જૂના આ આઇકોનિક ગીત પાછળની રસપ્રદ સ્ટોરી નહીં જાણતા હો...

2026-08-27 20:29:05
Author: Mumbai Samachar Team
માધુરી દીક્ષિતના 32 વર્ષ જૂના આ આઇકોનિક ગીત પાછળની રસપ્રદ સ્ટોરી નહીં જાણતા હો...

મુંબઈ: બોલીવુડની સુપરહિટ પારિવારિક ફિલ્મ 'હમ આપકે હૈ કૌન' (1994)નું ગીત 'દીદી તેરા દેવર દીવાના' આજે 32 વર્ષ પછી પણ શ્રીમંત અને કૌટુંબિક પ્રસંગોમાં એટલું જ લોકપ્રિય છે. પરંતુ આ આઇકોનિક ગીતને પડદા પર ઉતારવા પાછળ એક લાંબી મહેનત અને રસપ્રદ કિસ્સાઓ જોડાયેલા છે.

એક સીમંત વિધિ કે બેબીશાવર જેમાં પરિવારની હાજરી અને વચ્ચે મસ્તી અને મજાકથી ભરેલું આ ગીત 32 વર્ષ પહેલા એક પારિવારિક ફિલ્મમાં આ ગીત આવ્યું હતું, જેમાં બોલીવુડની ધકધક ગર્લ માધુરી દીક્ષિતનો એવો અંદાજ હતો, જેણે ગીતને અલગ જ ઓળખ આપી દીધી હતી. લતા મંગેશકર અને એસ.પી. બાલાસુબ્રમણ્યમના અવાજમાં સજાવેલું એ ગીત 'દીદી તેરા દેવર દીવાના', જે આજે પણ સાંભળતા જ જૂના દિવસો યાદ અપાવે છે. 

વર્ષ 1994માં રિલીઝ થયેલી 'હમ આપકે હે કોન'નું આ ગીત તે સમયમાં ઘરે ઘરે ગુંજતું હતું, તેમાંય વળી 'દીદી તેરા દેવર દીવાના'ની વાત જ કંઈક અલગ હતી. ગીતની ધૂન તૈયાર કરતા સમયે સંગીતકાર રામલક્ષ્મણ અને નિર્દેશક સૂરજ બડજાત્યાએ ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાનની કવ્વાલી 'સારે નબીયોં દા નબી..'થી પ્રેરણા લીધી હતી. 

ત્યાર બાદ ગીતકાર દેવ કોહલીએ આ ધૂન અને માહોલને ધ્યાનમાં રાખતા આ ફિલ્મને પારિવારિક અને મજેદાર માહોલના હિસાબથી ઢાળ્યો અને તેની મસ્તી અને મજાકવાળા ગીતનું રૂપ આપ્યું હતું. પરિણામે એવું ગીત બન્યું, જે ફિલ્મના સૌથી ચર્ચિત ભાગોમાં સામેલ થઈ ગયું હતું. 

16 દિવસ પ્રેક્ટિસ, 9 દિવસ સુધી શૂટિંગ ચાલ્યું 

આ ગીતને પડદા પર ઉતારવાનું કામ પણ ઘણું મુશ્કેલ હતું. આ ગીત માટે લગભગ 16 દિવસ સુધી રિહર્સલ ચાલ્યું હતું, જયારે ગીતના શૂટિંગમાં લગભગ 9 દિવસ લાગ્યા હતા. મોટો પરિવાર, અનેક કલાકારો અને ડાન્સર્સ વચ્ચે ફિલ્માવવામાં આવેલું આ ગીત પોતાની ભવ્યતા અને મસ્તી માટે પણ યાદ કરવામાં આવે છે. 

ગીતમાં વધુ એક કિસ્સો સલમાન ખાનના લુકથી જોડાયેલો છે. એક ભાગમાં સલમાન ખાનને નાઇટી પહેરીને આવે છે અને તેનો એ અભિનય ઘણો ચર્ચામાં રહ્યો હતો. આ વિચાર સૂરજ બડજાત્યાનો હતો, જયારે સલમાનનો મેકઅપ માધુરી દીક્ષિતે પોતે કર્યો હતો. 

માધુરીનો લહેંગો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો 

'દીદી તેરા દેવર દીવાના' ગીતમાં માધુરી દીક્ષિતના પર્પલ લહેંગાના લુકને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. આજે પણ લોકો તેના લુકને કોપી કરવાની કોશિશ કરે છે. પરંતુ આ ગીતની સૌથી મોટી તાકાત એ જ છે કે 32 વર્ષ બાદ પણ આ ગીત ફક્ત જૂનું ફિલ્મી ગીત બનીને રહી ગયું નથી. બેબી શાવરની વિધિ હોય કે પરિવારની કોઈ ખુશી 'દીદી તેરા દેવર દીવાના' વાગતા જ માહોલમાં તે જૂની મસ્તી પરત ફરે છે.