Mon Aug 31 2026

Logo

અમેરિકા અને કેનેડાની કંપનીઓને મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ ગુજરાત માટે આપ્યું ખાસ આમંત્રણ,

2026-08-27 22:52:18
Author: Mumbai Samachar Team
અમેરિકા અને કેનેડાની કંપનીઓને મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ ગુજરાત માટે આપ્યું ખાસ આમંત્રણ,

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાનો સફળ પ્રવાસ કરીને અમદવાદ પરત ફર્યા છે.  એરપોર્ટ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ એરપોર્ટ પર જણાવ્યું હતું કે, ગુજરાતમાં વધુમાં વધુ વૈશ્વિક મૂડીરોકાણ આવે એવો અમારો પ્રયત્ન રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક સંબંધો અને તેમના પરનો વિશ્વાસ અમને આ પ્રવાસમાં જોવા મળ્યો છે. વડાપ્રધાન પરના સંપૂર્ણ વિશ્વાસના કારણે લોકોએ આજે દરેક સેક્ટરમાં મૂડી રોકાણને પ્રાધાન્ય આપ્યું છે. દરેક સેક્ટરમાં લોકો મૂડી રોકાણ કરવા ઈચ્છે છે. 

વાયબ્રન્ટ ગુજરાત માટે અપાયું આમંત્રણ

ભારતમાં આવતું રોકાણ પછી આપણા રાજ્ય ગુજરાતમાં આવે એ માટે મારા આ પ્રયાસો હતા. સેમિકન્ડક્ટર, એઆઈ, ડેટાસેન્ટર, ઉત્પાદન વગેરે માટે, ગિફ્ટ સિટી માટે આર્થિક ક્ષેત્રે કામ કરતી મોટામાં મોટી કંપનીઓ સાથેની બેઠક ઘણી સારી રીતે પૂર્ણ થઈ છે અને સારી રહી છે. વિશ્વના લોકો ગુજરાતમાં રોકાણ માટે ઉત્સુક છે. ગુજરાતમાં ખૂબ સારૂ મૂડી રોકાણ આવશે. વૈશ્વિક રોકાણકારો અને ઈન્વેસ્ટર્સને આગામી 10 અને 12 જાન્યુઆરી 2027ના રોજ વડાપ્રધાનની પ્રેરણાથી યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં કોલાબ્રેશન તથા પાર્ટનરશીપ માટે આમંત્રણ આપવામાં પણ આવ્યું છે. પ્રતિનિધિ મંડળે સાન ફ્રાન્સિસ્કો,વોશિંગ્ટન ડી.સી. અને ન્યુયોર્કમાં રોકાણકારો, ટેક્નોલોજી અગ્રણીઓ અને યુવા ઉદ્યોગસાહસિકો તથા ઈનોવેટર્સ તેમજ ગુજરાતી ડાયસ્પોરા સાથે મુલાકાતો કરી
હતી. 

મુખ્યમંત્રીની ટીમ પરત અમદાવાદ આવી

મુખ્ય સચિવ એમ.ઇ. દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન,ઉદ્યોગ અને ખાણ વિભાગનાં અધિક મુખ્ય સચિવ મમતા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર તેમજ મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે ઉપરાંત રાજ્યના ઉદ્યોગ વેપાર જગતનું પ્રતિનિધિ મંડળ પણ મુખ્યમંત્રીની સાથે આ વિદેશ પ્રવાસમાં મુખ્યમંત્રીની સાથે રહ્યા હતા. મુખ્યમંત્રી તથા મુખ્ય સચિવ સતિના ઉચ્ચ અધિકારીઓ સાથેનું આ પ્રતિનિધિ મંડળ વિદેશ પ્રવાસ સફળતા પૂર્વક પુરો કરીને ગુજરાત પરત આવ્યું છે.

વધુ જુઓ...