Fri Sep 04 2026

Logo

ગણેશોત્સવ માટે સરકાર સજ્જ, હાઈ કોર્ટના નિયમોનું પણ કરાશે કડક પાલનઃ ફડણવીસ

2026-08-27 21:44:05
Author: Mumbai Samachar Team
ગણેશોત્સવ માટે સરકાર સજ્જ, હાઈ કોર્ટના નિયમોનું પણ કરાશે કડક પાલનઃ ફડણવીસ

મુંબઈ: મહારાષ્ટ્રમાં 14 સપ્ટેમ્બરથી શરૂ થનારા દસ દિવસ ધૂમધામથી ઉજવાતા ગણેશોત્સવને શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે ઉજવવા માટે રાજ્ય સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે જણાવ્યું હતું કે બોમ્બે હાઈ કોર્ટ દ્વારા નક્કી કરાયેલા નિયમોનું કડક પાલન કરાવવામાં આવશે. તેમણે પોલીસને ફટાકડા અને લાઉડસ્પીકરના નિયમોના ઉલ્લંઘન પર ખાસ નજર રાખવા તથા નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

સહ્યાદ્રી અતિથિગૃહ ખાતે ગણેશોત્સવ 2026 માટે કાયદો અને વ્યવસ્થાની તૈયારીઓ અંગે યોજાયેલી બેઠકમાં મુખ્ય પ્રધાને ગણેશ મંડળોને ખાસ કરીને મોટી મૂર્તિઓની શોભાયાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની ફરી ચકાસણી કરવા અપીલ કરી હતી. જરૂરી પરવાનગીઓ ઝડપથી મળે અને મંડળોની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ આવે તે માટે અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે. મુખ્ય પ્રધાને કહ્યું કે સરકારનો પ્રયાસ ગણેશોત્સવ પરંપરાગત અને પર્યાવરણને અનુકૂળ રીતે ઉજવવાનો છે.

ગણેશ મૂર્તિઓના આગમન અને વિસર્જન માટે ઉપયોગમાં લેવાતા રસ્તાઓની સ્થિતિ સારી રાખવા તંત્રને ખાસ સૂચના આપવામાં આવી છે. રસ્તાઓ પર ખાડા ન રહે અને રાત્રિના સમયે પૂરતી લાઈટિંગની વ્યવસ્થા હોય તેની ખાતરી કરવા જણાવાયું છે. મુખ્ય પ્રધાને કહ્યું કે મુંબઈમાં મોટા પાયે ઉજવાતો ગણેશોત્સવ સામાજિક એકતા અને જનજાગૃતિની પરંપરાને આગળ ધપાવે છે, જેને જાળવી રાખવાની જવાબદારી સૌની છે.

ગણેશ મંડળો દ્વારા વિતરણ કરવામાં આવતા પ્રસાદની શુદ્ધતા અને સલામતી પર પણ આ વર્ષે સરકારનું ખાસ ધ્યાન છે. મુખ્ય પ્રધાન ફડણવીસે મંડળોને ખાદ્ય અને ઔષધિ પ્રશાસનના નિયમોનું પાલન કરવા અને ભક્તોને શુદ્ધ તથા ભેળસેળમુક્ત પ્રસાદ મળે તેની ખાતરી કરવા જણાવ્યું છે. પ્રસાદની તૈયારી અને વિતરણ માટે કાર્યકર્તાઓએ જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવી જોઈએ તેવી પણ અપીલ કરવામાં આવી છે.

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે ગણેશોત્સવ શાંતિ, શિસ્ત અને સામાજિક સૌહાર્દ સાથે ઉજવાય તે માટે તમામ સરકારી વિભાગો, મહાનગરપાલિકા, પોલીસ અને ગણેશ મંડળોએ સંકલનથી કામ કરવું પડશે. તેમણે જણાવ્યું કે મુંબઈમાં આશરે 1,850 કિલોમીટર રસ્તાઓનું કોંક્રીટીકરણ કરવામાં આવ્યું છે અને ગણેશ મૂર્તિઓના આગમન તથા વિસર્જનના માર્ગો પર ખાડા ન રહે તેની ખાતરી કરવા મહાનગરપાલિકા તંત્રને સૂચના આપવામાં આવી છે.

શિંદેએ જણાવ્યું કે ગણેશ મંડળોને પાંચ વર્ષ માટે પરવાનગી આપવાની દિશામાં પણ પગલાં લેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મંડળોના હોદ્દેદારો અને સ્વયંસેવકોને સતર્ક રહેવા તથા કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસ અથવા વહીવટી તંત્રને જાણ કરવા કહેવામાં આવ્યું છે. મોટી મૂર્તિઓની શોભાયાત્રા દરમિયાન નટ-બોલ્ટ, વેલ્ડિંગ અને અન્ય જોડાણોની સુરક્ષા ચકાસવા પણ સૂચના અપાઈ છે.

મુખ્ય પ્રધાન ફડણવીસે જણાવ્યું કે ગણેશોત્સવને રાજ્ય ઉત્સવનો દરજ્જો મળ્યો હોવાથી તેની પરંપરા, શિસ્ત અને પવિત્રતા જાળવવાની જવાબદારી નાગરિકો, વહીવટી તંત્ર, ગણેશ મંડળો અને વિવિધ સંસ્થાઓની સામૂહિક છે. બાળકો અને ભક્તોને મૂર્તિઓથી સુરક્ષિત અંતરે રાખવા સહિતના સલામતીના નિયમોનું પાલન કરીને સમગ્ર મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે સરકાર અને વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે.