Sun Sep 06 2026

Logo

નેપાળ જળપ્રલયઃ ગુજરાતના 18 વ્યક્તિ સંપર્ક વિહોણા, એનઆરઆઈનો પણ સમાવેશ

Gujarat   2026-08-27 21:07:37
Author: Pooja Shah
નેપાળ જળપ્રલયઃ ગુજરાતના 18 વ્યક્તિ સંપર્ક વિહોણા, એનઆરઆઈનો પણ સમાવેશ

અમદાવાદઃ નેપાળમાં આવેલા વિનાશક પુરમાં સેંકડો ભારતીય ગૂમ હોવાની ખબરો આવી રહી છે, જેના કારમે પરિવારો ચિંતામાં મૂકાઈ ગયા છે. આ પૂરને કારણે કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયેલા 18 ગુજરાતી પણ ગૂમ છે, તેવી માહિતી રાજ્ય સરકારે આપી હતી. આ ગૂમ થયેલા ગુજરાતીઓમાં મૂળ ગુજરાતના પણ હાલમાં વિદેશમાં વસતા લોકોનો પણ સમાવેશ થાય છે. 

સંપર્કવિહોણા ગુજરાતીઓમાં  9 અમેરિકન, 2 ન્યૂઝીલેન્ડ, 2 કેનેડાના અને 1 ઓસ્ટ્રેલિયાના સિટીઝન છે. અહેવાલો દ્વારા મળતી વિગતો અનુસાર ન્યૂઝિલેન્ડમાં રહેતું મૂળ વડોદરાના દંપતી કિન્નરી પટેલ, મિહિર પટેલ સાથે પરિવારજનો સંપર્ક કરી શકતા નથી. તેઓ મુંબઈની ટ્રાવેલ એજન્સી મારફતે નેપાળ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. 

ઓસ્ટ્રેલિયામાં રહેતા અમદાવાદના ભાવિન રાવલ પણ ગૂમ છે. તેઓ મિત્ર સાથે ફરવા ગયા હતા. મળતી માહિતી અનુસાર ભાવિન રાવલનો 27મી ઑગસ્ટના રોજ જન્મદિવસ છે. પરિવારજનો ચિંતામાં છે અને સતત સંપર્કની કોશિશ કરી રહ્યા છે. તેમના પત્ની હાલ ઓસ્ટ્રેલિયામાં છે. મૂળ આણંદના અને હાલમાં અમેરિકા રહેતા બિમલ પટેલ અને પત્ની જૈમિના પટેલનો પણ સંપર્ક થઈ શકતો નથી.

પરિવારે મીડિયા સાથે વાત કરી તે અનુસાર તેઓ ચીનના વિઝા લેવા એમ્બસીમાં ગયા હતા અને અહીં પુર આવ્યું હતું. ત્યારબાદ તેમનો સંપર્ક થઈ શક્યો નથી. મૂળ ગાંધીનગરના અને હાલ અમેરિકામાં રહેતા તેજલ પટેલ અને અમિતા અમીનનો પણ સંપર્ક થઈ રહ્યો નથી. 

જ્યારે ડૉ. જય કોટેચા મૂળ રાજકોટના છે અને હાલ મુંબઈ રહે છે જ્યારે તેમના પત્ની રોમા ઈંટાવાલા વલસાડ રહે છે. તેઓ 30 જેટલા મિત્રો સાથે નેપાળ ગયા હતા. બુધવારથી સંપર્કવિહોણા છે. તેમની ખબર લેવા બે પિતરાઈ ભાઈ કાઠમંડુ ગયા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. 

આ ઉપરાંત અશોકભાઈ કાપડી (અમદાવાદ), દિનેશભાઈ પટેલ(અમરેલી-અમેરિકા), પરેશ પટેલ-જ્યોતિ પટેલ (સુરત-અમેરિકા), મિનાક્ષી રામાણી (સુરત-મુંબઈ), ઉમેશ પટેલ-આકાંક્ષા પટેલ(ખેડા-કેનેડા), ઈશાન પટેલ(ખેડા-અમેરિકા), જીતેન્દ્ર પટેલ(ગાંધીનગર-અમેરિકા) સંપર્ક વિહોણા હોવાની માહિતી મળી છે. 

દરમિયાન પ્રવક્તા પ્રધાન જીતુભાઈ વાઘાણીએ આ અંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી કાર્યાલય સતત નેપાળ સરકાર સાથે સંપર્કમાં છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન  અમિતભાઈ શાહ પણ ફસાયેલા ગુજરાતીઓ અને દેશના અન્ય નાગરિકોની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. આ સાથે મુખ્ય પ્રધાન  ભૂપેન્દ્રભાઈ પટેલ સતત કેન્દ્રીય અમિતભાઈ શાહ અને વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં રહીને માહિતીની આપ-લે કરી રહ્યા છે. 

ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા તમામ જિલ્લાઓમાં હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા છે. (હેલ્પલાઈન નંબર: ૦૭૯-૨૩૨૫૧૯૦૦, ૯૯૭૮૪૦૫૩૦૪, ૧૦૭૦) તેમણે રાજ્યની જનતાને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, આ દુઃખની ઘડીમાં અને કટોકટીના સમયમાં રાજ્ય સરકાર દરેક ગુજરાતી પરિવારની સાથે ઊભી છે. સરકાર દ્વારા તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને અસરગ્રસ્તોને સુરક્ષિત પરત લાવવા માટે કેન્દ્ર સરકાર સાથે મળીને કામગીરી ચાલુ છે.