ગૂજરાત વિદ્યાપીઠના 72મા દીક્ષાંત સમારોહમાં 900 વિદ્યાર્થીઓને પદવી એનાયત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સ્થિત ઐતિહાસિક ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયેલા તેના 72મા દીક્ષાંત સમારોહમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ સમારોહમાં આશરે 900 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. ગૃહ પ્રધાને તમામ સ્નાતકોને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી અને પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપયોગ સમાજ અને રાષ્ટ્રની સેવા માટે કરવા ભારપૂર્વક આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધિત કરતા અમિત શાહે પોતાના જૂના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "મારી સામે બેઠેલા 900 વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ મૂલ્યવાન અને મહત્વનો છે, પરંતુ મારા માટે આ તેનાથી પણ મોટો દિવસ છે. કારણ કે હું એક ઉત્સાહી વાચક રહ્યો છું અને મેં ગૂજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરીમાં બેસીને જ વ્યાપક અભ્યાસ કર્યો છે." તેમણે ઉમેર્યું કે વિદ્યાર્થીઓ હવે સામાજિક જીવનમાં ડગ માંડી રહ્યા છે, ત્યારે જીવનના ચઢાવ-ઉતાર વચ્ચે આચાર્ય દ્વારા સમજાવવામાં આવેલા 'તૈત્તિરીય ઉપનિષદ' ના સરળ બોધપાઠને હંમેશા યાદ રાખવો જોઈએ.

મહાત્મા ગાંધીના વિચારો અને શિક્ષણ વ્યવસ્થા વિશે વાત કરતા શાહે જણાવ્યું કે, વિદ્યાપીઠમાં બુનિયાદી શિક્ષણ જોવા મળે છે. આજે ભલે તેને 'નઈ તાલીમ' કહેવામાં આવે, પરંતુ ગાંધીજીએ જાતે તેને બુનિયાદી શિક્ષણ નામ આપ્યું હતું. ગાંધીજીએ પોતાના સિદ્ધાંતોને આઝાદીના દ્રષ્ટિકોણ સાથે જોડીને સ્વરાજના વિચારને વાસ્તવિકતામાં બદલવા અસંખ્ય પ્રયોગો કર્યા હતા. દાંડી કૂચ, અસહકારની ચળવળ, 'હિંદ છોડો' આંદોલન કે પછી અહિંસાનું પાલન હોય, તેમણે પોતાના વિઝનને સાકાર કરવા આજીવન અથાક પ્રયત્નો કર્યા હતા.

ગાંધીજીના વિચારો અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મેં મારા જીવનમાં ઘણા બધા મહાપુરુષોને વાંચ્યા છે. તેમની વાતો, વિચારો અને લખાણના તત્ત્વને સમજ્યો પણ છે. પરંતુ આ બધું વાંચ્યા પછી આજે હું તમને એક વાત કહેવા માંગુ છું. ગાંધીજીનો સંદેશ એ સમયે પણ એટલો જ પ્રાસંગિક હતો, આજે પણ એટલો જ પ્રાસંગિક છે અને 100 વર્ષ પછી પણ એટલો જ પ્રાસંગિક રહેશે. આ ક્યારેય સમયથી બંધાતો નથી, માત્ર દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના કલ્યાણનો માર્ગ એ જ છે. ભારતીય જીવન પદ્ધતિ, ભારતીય જીવન મૂલ્યો અને ભારતીય જ્ઞાન પરંપરા જ ગાંધીજીનો સંદેશ છે. તેમાં બહારથી કંઈ જ નથી અને તેથી તે શાશ્વત છે. તે ક્યારેય અપ્રાસંગિક નહીં થાય, તેમ અમિત શાહે જણાવ્યું હતું.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, મૂળભૂત સિદ્ધાંતોમાં કોઈ જ ફેરફાર કર્યા વિના, નવી શિક્ષણ નીતિમાં વૈશ્વિક આધુનિકતાના શ્રેષ્ઠ તત્વોને આવરી લેવામાં આવ્યા છે. માતૃભાષા કૌશલ્ય, બહુ-વિષયક અભ્યાસ, ભારતીય જ્ઞાન પરંપરા અને સમગ્ર વ્યક્તિત્વનો વિકાસ—આ પાંચ સ્તંભો પર જ આપણી નવી શિક્ષણ નીતિ બનેલી છે, તેમ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બાપુનો વિચાર હતો કે સ્વાધીનતા ત્યાં સુધી અધૂરી રહેશે જ્યાં સુધી આપણી ભાષા, આપણી સંસ્કૃતિ, આપણો શ્રમ અને આપણો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય ન હોય, આપણો પોતાનો ન હોય. જો સ્વભાષા ન હોય તો સ્વરાજ ક્યારેય મળી જ ન શકે. જો આપણે આપણા ધર્મ અને આપણી સંસ્કૃતિ સાથે બંધાયેલા ન હોઈએ તો સ્વતંત્રતાનો કોઈ અર્થ જ નથી.

અંતમાં તેમણે મહાત્મા ગાંધીના 'સાત સામાજિક પાપો' ના ખ્યાલનો વિશેષ ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે જો સમાજના તમામ વિદ્યાર્થીઓ આ સાત સામાજિક પાપોને સમજી લે, તો સમાજની 90 ટકા બુરાઈઓ દૂર થઈ જાય. તેમણે જણાવ્યું કે, ગાંધીજી ધર્માંતરણને એક પ્રકારનું પાપ માનતા હતા અને દરેક વ્યક્તિએ પોતાના સ્વધર્મનું પાલન કરીને જીવન જીવવું જોઈએ તેવી દ્રઢ હિમાયત કરતા હતા. તેમણે કહ્યું હતું કે 2047માં દેશ દરેક ક્ષેત્રમાં સર્વપ્રથમ તેવો સંકલ્પ લઈને આજે દેશ આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે આપણે સર્વપ્રથમ એન શક્તિશાળી હશું પણ બધાની ચિંતા કરીશું, શક્તિનો વિવેકથી ઉપયોગ કરીશું, આપણી સમૃદ્ધિ દેશના દરેક નાગરિક અને વિશ્વના પીડિત માટેની હશે તેવી આશા વ્યક્ત કરી હતી.