મુંબઈ: મુંબઈમાં ગણેશોત્સવની ધામધૂમ વચ્ચે બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન (Shah Rukh Khan) પરિવાર સાથે મુંબઈના સુપ્રસિદ્ધ 'લાલબાગચા રાજા' (Lalbaugcha Raja)ના ચરણે આશીર્વાદ લેવા પહોંચ્યો હતો. શાહરૂખ ખાન સાથે તેમની પત્ની ગૌરી ખાન અને પુત્રી સુહાના ખાન પણ બાપ્પાના દર્શન કરવા ઉપસ્થિત રહ્યા હતા. કિંગખાનની આ મુલાકાતના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ બોલીવુડના બાદશાહ એટલે કે કિંગ ખાનના આગમનની જાણ થતાં જ પંડાલ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી હતી અને તેમને જોવા માટે હજારો ચાહકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. આ સમયે કિંગખાન તેની મેનેજર પૂજા દદલાની અને નાનો દીકરો આબરામ ખાન પણ જોવા મળ્યો હતો.
વાઈરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે શાહરૂખ ખાન ખૂબ જ શાંત અને સાદગીપૂર્ણ અંદાજમાં લાલબાગચા રાજાના મંડપમાં પ્રવેશ્યા હતા. તેમણે બાપ્પાના ચરણોમાં નતમસ્તક થઈને માથું ટેકવ્યું હતું અને લાંબા સમય સુધી હાથ જોડીને પરિવારની સુખાકારી અને દેશ માટે પ્રાર્થના કરી હતી.
એસઆરકેની પત્ની ગૌરી ખાન અને પુત્રી સુહાના ખાને પણ અત્યંત ભક્તિભાવપૂર્વક ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા હતા. સુહાના અને ગૌરી પરંપરાગત ભારતીય પરિધાનમાં જોવા મળ્યા હતા, જેણે સૌનું ખેંચ્યું હતું.
સેલિબ્રિટીઝની સુરક્ષા અને સામાન્ય દર્શનાર્થીઓને અગવડ ન પડે તે હેતુથી મુંબઈ પોલીસ અને લાલબાગચા રાજા મંડળના સુરક્ષાકર્મીઓએ ખાસ કોર્ડન ગોઠવીને શાહરૂખ પરિવારને મુખદર્શન કરાવ્યું હતું. મંડળના પદાધિકારીઓ દ્વારા શાહરૂખ ખાન અને તેમના પરિવારનું શાલ અને બાપ્પાના પ્રસાદ સાથે પરંપરાગત સન્માન કરવામાં આવ્યું હતું.
શાહરૂખ ખાન દર વર્ષે પોતાના ઘરે મન્નતમાં પણ ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે અને વિસર્જન સુધી ભક્તિભાવથી પૂજા-અર્ચના કરે છે. લાલબાગચા રાજાના દરબારમાંથી સામે આવેલી તેમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોતજોતામાં વાયરલ થઈ ગયા છે, જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે અને કિંગ ખાનની સાદગીની પ્રશંસા કરી રહ્યા છે.