મુંબઈઃ બાબા નીબ કરોલીના જીવન પર આધારિત આધ્યાત્મિક ફિલ્મ ‘હનુમાન અંશ’ હાલમાં બોક્સ ઓફિસ પર એવો જાદુ ચલાવી રહી છે કે બોલિવુડની મોટી-મોટી ફિલ્મો પણ તેની સામે પાણી ભરતી જોવા મળી રહી છે. સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મોમાં ટોચ પર રહેલી આમિર ખાનની 'દંગલ' હોય કે પછી અક્ષય કુમારની નવી ફિલ્મ, બધા જ આ ભક્તિમય ફિલ્મ સામે ઝુકી ગઈ છે. આ ફિલ્મ અત્યારે બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી રહી છે.
માત્ર 2 કરોડમાં બનેલી ફિલ્મની 347 કરોડની સફર
આ ફિલ્મની સફળતાની કહાની કોઈ ચમત્કારથી કમ નથી. માત્ર 355 સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી આ ફિલ્મને શરૂઆતમાં ધીમો પ્રતિસાદ મળ્યો હતો અને 8મા દિવસે તો તેને ફ્લોપ પણ જાહેર કરી દેવાઈ હતી. પરંતુ મેકર્સે ધીરજ રાખી અને 17મા દિવસે ફિલ્મે જોરદાર કમબેક કર્યું. માત્ર 2 કરોડના સામાન્ય બજેટમાં બનેલી આ ફિલ્મ હવે 200 કરોડનો આંકડો ક્યારનીય પાર કરી ચૂકી છે.

આશ્ચર્યની વાત એ છે કે, 45મા દિવસે ‘હનુમાન અંશ’એ ‘દંગલ’ ને પણ પાછળ છોડી દીધી છે. દંગલે ચીનના કલેક્શન સાથે 45માં દિવસે 10.48 કરોડની કમાણી કરી હતી, જ્યારે ‘હનુમાન અંશ’એ 45મા દિવસે માત્ર ભારતમાં જ 13.75 કરોડ રૂપિયા છાપી દીધા છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં ભારતમાં 271.88 કરોડ અને વિદેશોમાં 26 કરોડની કમાણી કરી છે. ફિલ્મનું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન લગભગ 347.05 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
‘હૈવાન’ અને ‘મિર્ઝાપુર’ ની હાલત કફોડી
બીજી તરફ, પ્રિયદર્શન દ્વારા નિર્દેશિત અને અક્ષય કુમાર તથા સૈફ અલી ખાન સ્ટારર થ્રિલર ફિલ્મ ‘હૈવાન’ બોક્સ ઓફિસ પર કઈ ખાસ કમાણી કરી શકી નથી. મોટા સ્ટાર્સ હોવા છતાં રવિવારે આ ફિલ્મે માંડ 1.10 કરોડ રૂપિયાની જ કમાણી કરી છે. આ સાથે પ્રખ્યાત વેબ સિરીઝ પરથી બનેલી ક્રાઈમ-એક્શન ડ્રામા ‘મિર્ઝાપુર: ધ મૂવી’ એ તેના 17મા દિવસે એટલે કે ત્રીજા રવિવારે 5.00 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. મિર્ઝાપુરે અત્યાર સુધીમાં દુનિયાભરમાં 308.84 કરોડનું શાનદાર કલેક્શન કર્યું છે, પરંતુ કમાણીની દૈનિક રફ્તારમાં તે પણ 'હનુમાન અંશ' ના જાદુ સામે ફિક્કી પડી રહી છે.