Sun Oct 04 2026

Logo

મોજની ખોજઃ ડુંગળી જન્મે જમીનમાં ને ભાવ આસમાને!

Maharashtra   2026-09-22 08:43:00
Author: Subhash Thaker
મોજની ખોજઃ ડુંગળી જન્મે જમીનમાં ને ભાવ આસમાને!

સુભાષ ઠાકર

‘ટે..ટે..ટે..ટે..પે..પે..પં.’
‘જી હા, દેવીઓ-દેવતાઓ, સજ્જનો-સન્નારીઓ. ભાઈઓ-ભાભીઓ, બહેનો-બનેવીઓ.. કોન બનેગા રોડપતિ. મેં હું ચંબુ બચ્ચન આપ સૌનું દિલથી સ્વાગત કરું છું ને શરૂ કરું છું. ‘ફાસ્ટેટ ફિંગર ફર્સ્ટ’ ગેમની શરૂઆત.

એક મિનિટ મિલેગી. યે બતાઓ, ભારતમેં કૌભાન્ડોની દુનિયા કબસે શરૂ થઇ? 
ઓપ્શન હૈ (એ) 2011 (બી) 2017 (સી) 2009 (ડી) 2010.. સહી જવાબ છે 2010...
ને સૌથી ઝડપી જવાબ દેનેવાલી ગુજરાતની પ્રખ્યાત ભિખારણ આશા માલપાણી. તાલિયા.
આવો, બેસો, આશાજી.’ 
‘એક બાત બોલું સર, મેરા હિન્દી બોલનેમેં થોડા લોચા હૈ તો સંભાલ લેના’ આશા બોલી.
‘ઓકે, આશાજી, યે બતાઓ કી ભિખારણ હોવા છતાં અટક માલપાણી?’

‘સર, ઇસમેં ઐસા હૈ કી મારા સસરાએ રાત-દિન એક કરકે, લોહી-પસીના પાડ પાડકર ખૂબ માલ કમાયા પણ ઉસકા દીકરા (મારા પતિએ) શૅર બજારમાં ડૂબી-ડુબાડીને પૂરી કમાણી પર પાણી ફેરવા દિયા એટલે માલપાણી.’

‘સમજ ગયા. અચ્છા, સાથે કોણ આવ્યું છે?’ 
‘જી, મારી દીકરી મોંઘી.’
‘મોંઘી?’
‘હા સર. એનુ મૂળ નામ અપેક્ષા હતું. એની હાઈટ-બોડી વધતા નહોતા. પછી અમારા ગુરુ  નિત્યાનંદે એનું નામ ‘મોંઘવારી’ કર્યું કે તુર્તજ હાઈટ-બોડી વધવા લાગી. લાડમાં અમે ‘મોંઘી’ કહીએ છીએ.’

‘ઓકે. તમારા કમ્પુટર સ્ક્રીન પર પહેલો પ્રશ્ન. ‘આ દેશમાં સૌથી છેલ્લું કૌભાન્ડ કરવાવાળાનું નામ બતાઓ?
(એ) વિજય માલિયા (બી) નીરવ મોદી (સી) લાલુ યાદવ (ડી) મેહુલ ચોકસી..

‘સર. થોડુ કન્ફયુઝન હૈ...કોઈ એકકા નામ બોલેગી તો દુસરેકો ખોટા લગેગા. ફિર ભી મારા હિસાબે વિજય માલિયા. ઉસકે બાદ કોઈ નામ બજારમાં આયા નહીં.’

‘વિજય માલિયા, ફાઈનલ જવાબ? લોક કરી દઉ?’
‘શું સર, તમે પણ મજાક કરો છો, અરે જેને સરકાર કે કોર્ટ લોક નથી કરી શકતી એને તમે શું લોક કરવાના?
(આજુબાજુ જોઈ) તમે પણ વિજય માલિયા કા નામ ધીરેથી બોલો, નઈતર ત્રણમાંથી એક પણ લાઇફ લાઈન બચેગી નઈ.’
‘આશાજી યે સહી જવાબ, વેલડન, આશાજી તમારી એક વીડિયો ક્લિપ દર્શકોને બતાવવી છે. ક્લિપ પ્લીઝ.’ 

‘હું આશા માલપાણી. પહેલેથી જ રોડપતિ. મારું કામ હવેલી, મંદિર કે દેરાસર પાસે ભીખ માગવાનું. અમે જેની પાસે માગીએ એ અંદર જઈ માગે, આમ તો તવંગરની તિજોરી હોય કે ભિખારીનું ભિક્ષાપાત્ર, બન્ને એક જ છે.

એક દિવસ એવું બન્યું કે ભીખમાં એક અન્નદાતા એટલા ઓછા દાળ-ભાત આપી ગયા કે મારું અથવા મોંઘીનું પેટ ન ભરાય. બન્ને વચ્ચે તું ખા તું ખાનો મીઠો ઝઘડો ચાલ્યો એમાં કમોસમી વરસાદ વરસ્યો ને ડબો ધરી દીધો. બંનેની દાળ તૈયાર. અમારો પણ ઈશ્વર છે, સમજ્યા? અઠવાડિયામાં માંડ સો સવાસો ભીખમાં મળે એમાંથી સરકારને હપ્તો ચૂકવવાનો. પણ સર હમણાં એકવાર એણે ડુંગળીની ડિમાંડ કરી. ડુંગળીની હાલત તો આપ જાણો છો.

હમણા તો એક દુકાન પર ભાવનું બોર્ડ મારેલુ ડુંગળીને અડવાના 40 રૂપિયા, સુંઘવાના 60, ખરીદવાના 80. મેં પૂછ્યું ડુંગળી તો દેખાતી નથી તો કહે ‘જોવાના 20 થશે.’

ઘણા તો ડુંગળી ખાવા જ જન્મ્યા હોય એમ ભાવ આસમાને જવાની બૂમાબૂમ કરે છે. કેમ જાણે પોતે આસમાને જવાના જ ન હોય. આ મારું બેટુ કેવું, ડુંગળી જન્મે છે જમીનમાં ને ભાવ આસમાને..’ વીડિયો ક્લિપ પૂરી ને અચાનક આશાની આંખમાં આંસુ દેખાયા. ‘શું થયું આશાજી?’ બચ્ચને આંસુ લૂછતાં પૂછ્યું.

‘સર, બન્યું એવું કે એકવાર મારા ત્યાં ઇન્ક્મ ટેક્ષની રેડ પડી ને ઘરમાંથી સોના ચાંદીના બદલે પાંચ ડુંગળી પકડાઈ ને એ ભડક્યા ‘શરમ નથી આવતી ભિખારી થઇને આટલી મોંઘી ડુંગળી રાખો છો? ડુંગળીની વાત ઇન્કમ ટેક્ષ ઓફિસમાં પહોંચાડી દઈશ, પછી ખાજો જેલની હવા.’ મને થયું ચાલો બે ટંકનો રોટલાની વ્યવસ્થા થઇ ગઈ. મેં પૂછ્યું ‘સાહેબ, મારા ઘરે ડુંગળી છે એ ખબર કેમ પડી?’

તો બોલ્યા ‘વાસ પારખવામાં અમે અને કૂતરા સરખા. અમને તારા ઘર પાસે વાસ આવી એટલે.. મેં બે હાથ જોડી આજીજી કરી કે ‘સાહેબ, આ છ ડુંગળી છે, બેમાંથી એના પતાકામાંથી બે જોડ બે દીકરીઓની કાનની ઇયર-રીંગ કરાવી આપવી છે ને એક ડુંગળીના ઉપરના પડની મુછોવાળી ગાંઠની એક નાકની ચૂક મારા માટે.’

‘પણ બાકીની ત્રણ ડુંગળી?’
‘અરે સાહેબ, એક તમે લઇ જાઓ. ઘરે મહેમાન આવે તો બતાડવા કે સુંઘાડવા કામ લાગે. બીજા લોકોને જેલસી પણ થશે. બાકીની બે ડુંગળીનો ગણપતિને પ્રસાદ...’

‘ડુંગળીનો પ્રસાદ? ગણપતિને?’ સાહેબ ચમક્યા.
‘અરે સાહેબ, એમ ચમકવાનું નઈ આ તો આટલાં વર્ષોથી ગણપતિ લાડુ ખાઈ અબકી ગયા હોય તો ફોર એ ચેન્જ.
મારો વટ પડે.’
‘પણ ગણપતિ જૈન નીકળ્યા તો?’ સાહેબે પૂછ્યું

‘જુઓ સાહેબ, કાલ ઊઠીને તમે એમ કહેશો કે મહાવીર હિંદુ નીકળ્યા તો? શંકર, રામ કે હનુમાન મુસ્લિમ નીકળ્યા તો? મારા સાહેબ, પરમાત્માના ભાગલા આપણે પાડ્યા છે. મંદિર, મસ્જિદ, દેરાસરમાં વેર હશે, પણ અંદરના પરમાત્મામાં નઈ. અરે મારા સાહેબ, કોઈ રામ કહે તો કોઈ મહાવીર, કોઈ અલ્લાહ..નામ અલગ અલગ ભલે હોય પણ જેને બોલાવો એ એક જ છે.’

એટલામાં ‘ઢમ’ કરતું ભોપુ વાગ્યું.
‘ઓહ..સમય સમાપ્તની ઘોષણા. આશાજી, આપને બહોત અચ્છા સમજાયા ‘કોન બનેગા રોડપતિ’ ખેલ અહીં
પૂરો કરવો પડશે’ બોલી ચંબુ બચ્ચને દર્શકોને ‘તમારું જીવન મંગળમય હો... ગુડબાય, ગુડ નાઈટ’ કહી રજા લીધી. શું કહો છો?