Mon Oct 05 2026

Logo

મુંબઈના પાણીપુરવઠા માટે પિસે-પાંજરાપુર વોટર ટનલને રાજ્ય સરકારની મંજૂરી

2026-09-22 08:44:00
Author: Sapna Desai
મુંબઈના પાણીપુરવઠા માટે પિસે-પાંજરાપુર વોટર ટનલને રાજ્ય સરકારની મંજૂરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હાલના પાણીના સ્રોત, વોટર ટ્રાન્સમિશનલ સિસ્ટમમાં રહેલી મર્યાદા, વધારાના પમ્પિંગ સ્ટેશનનું સૂચિત બાંધકામ,  હાલ અસ્તિત્વમાં રહેલી પાણીની પાઈનલાઈન જૂનના અને જર્જરિત થઈ હોવાથી તેમ જ પાણીની પાઈપલાઈન પાસે જગાના અભાવને પગલે મુંબઈને પાણીપુરવઠાના દૃષ્ટિએ મહત્ત્વના રહેલી પિસેથી પાંજરાપુર દરમ્યાન વોટર ટનલ બનાવના પ્રોજેક્ટને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે.
 
ટનલને કારણે ભવિષ્યમાં મોટા પ્રમાણમાં થનારાં પાણીનાં ગળતરને રોકવામાં તેમ જ મુંબઈને થનારા પાણીપુરવઠા વ્યવસ્થામાં મોટો સુધારો થશે. મુંબઈ મહાનગરપાલિકા તરફથી રાજ્યના અર્બન ડેવલપમેન્ટ વિભાગ પાસે આ બાબેત મંજૂરી માગવામાં આવી હતી, જે મળી જતા હવે પ્રોજેક્ટ આગળ વધવાનો માર્ગ મોકળો થયો છે. સોમવારે અર્બન ડેલવપમેન્ટ વિભાગે સોમવારના જરૂરી સરકારી આદેશ(જીઆર) બહાર પાડ્યો હતો.

હાલમાં ભાતસા ડેમમાંથી પીસે વોટર વર્કસલમાં લાવવામાં આવેલું પાણી પાંજરાપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ખુલ્લી ચેનલ દ્વારા પહોંચાડવામાં આવે છે, જેને કારણે પાણી પુરવઠાને ગળતર સહિત પાણી દૂષિત થવાની સંભાવના હોય છે. તેમ જ પિસેથી પાંજરાપુર દરમ્યાન લગભગ આઠ કિલોમીટર અંતર પર હાલ ૨,૨૩૫ મિ.મી. વ્યાસની ત્રણ અને ચાર હજાર મિ.મી. વ્યાસની એક કુલ ચાર પાઈપલાઈન દ્વારા પાણી લઈ જવામાં આવે છે. આ પાઈપલાઈન અનુક્રમે ૧૯૭૯, ૧૯૮૬, ૧૯૯૬ અને ૨૦૦૭માં શરૂ કરવામાં આવી હતી. આ પાઈપલાઈનનું આયુષ્ય ૪૭,૪૦,૩૦ અને ૧૯ વર્ષ થઈ ગયું છે.  આ પાઈપલાઈન જૂની થઈ ગઈ હોવાથી પાણીની વિતરણ સિસ્ટમ સિમિત થઈ ગઈ છે. તેમજ આ પાણીને આગળ લઈ જવા માટે વધારાના પમ્પિંગ સ્ટેશનના બાંધકામની પણ આવશ્યકતા છે.

ભવિષ્યમાં પાણીની માગણી તેમ જ હાલની પાઈપલાઈનની બાજુમાં જગ્યા ઉપલબ્ધ ન હોવાથી પિસે-પાંજરાપુર દરમ્યાન વોટર ટનલ બનાવવાનો પ્રસ્તાવ પાલિકાએ બનાવ્યો હતો. મુંબઈ મહાનગરપાલિકાના અધિનિયમ અનુસાર વોટર ટનલના આ પ્રસ્તાવને અને પ્લાનને બાંધકામ પહેલા રાજ્ય સરકારની મંજૂરી આવશ્યક કરી હતી, તે આખરે મળી ગઈ છે.

વોટર ટનલના ખોદકામ દરમ્યાન માર્ગમાં બિલ્ડિંગ અને અન્ય બાંધકામને કોઈ પણ પ્રકારનું જોખમ નિર્માણ થાય નહીં તેની તકેદારી લેવાનો નિર્દેશ સરકારે આપ્યો છે. તેમ જ ખોદકામને કારણે ઈમારતના મૂળ બાંધકામને જોખમ નિર્માણ થાય નહીં તેની પણ કાળજી લેવાની રહેશે. ખોદકામના માર્ગમાં જમીનનો અભ્યાસ કર્યા બાદ જ ટનલ બોરિંગ મશીન પસંદ કરવાની શરત પણ મૂકવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે પર્યાવરણ, ભૂજળ સર્વેક્ષણ તેમ જ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા ફેરફાર મંત્રાલય અને અન્ય સંબંધિત ઓથોરિટીની પણ આવશ્યક મંજૂરી લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.