Mon Oct 05 2026

Logo

લાલબાગચા રાજાના દરબારે પહોંચ્યો 'હિટમેન'! બાપ્પાના ચરણોમાં એવું શું મૂક્યું કે વીડિયો થયો વાઈરલ...

2026-09-21 20:40:13
Author: Darshana Visaria
લાલબાગચા રાજાના દરબારે પહોંચ્યો 'હિટમેન'! બાપ્પાના ચરણોમાં એવું શું મૂક્યું કે વીડિયો થયો વાઈરલ...

હાલમાં મુંબઈ સહિત દેશભરમાં ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે અને એમાં પણ લાલબાગચા રાજાની તો વાત જ અલગ છે. દરરોજ અનેક સેલિબ્રિટી, રાજકારણીઓ બાપ્પાના ચરણે માથુ નમાવીને આશિર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. રવિવારે મોડી સાંજે ભારતીય ક્રિકેટ ટીમના સુકાની અને ક્રિકેટપ્રેમીઓના લાડીલા 'હિટમેન' રોહિત શર્મા ગણેશોત્સવ નિમિત્તે પોતાની પત્ની રિતિકા સજદેહ સાથે લાલબાગચા રાજા'ના દર્શને પહોંચ્યો હતો. 

ભારતીય કેપ્ટન પહેલીવાર લાલબાગચા રાજાના દરબારમાં આશીર્વાદ લેવા પહોંચ્યા હોવાથી પંડાલ પરિસરમાં ઉપસ્થિત હજારો ચાહકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો હતો. જોકે, આ ભક્તિમય દર્શન દરમિયાન બનેલી એક અનોખી ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતાં જ તે જોતજોતામાં વાયરલ થયો છે અને નેટીઝન્સમાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે. 

સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે રોહિત શર્મા અત્યંત શ્રદ્ધાપૂર્વક બાપ્પા સમક્ષ નતમસ્તક થઈને પ્રાર્થના કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે અચાનક પોતાના ખિસ્સામાંથી કોઈ વસ્તુ બહાર કાઢી અને બાપ્પાના ચરણસ્પર્શ કરાવીને એ વસ્તુ સીધી દાનપેટીમાં અર્પણ કરી દીધી હતી.

સોશિયલ મીડિયા પર ફેન્સ અને ગણેશભક્તો વચ્ચે રોહિતે આખરે દાનપેટીમાં શું નાખ્યું એ બાબતે રહસ્ય ઘેરાયું છે. કેટલાક ચાહકોનું માનવું છે કે તે મોટી રોકડ રકમ કે સોના-ચાંદીની ભેટ હોઈ શકે છે, જ્યારે કેટલાક લોકો અંદાજ લગાવી રહ્યા છે કે તે મનોકામના પૂર્ણ કરવા માટે લખાયેલી કોઈ ખાસ વિશ નોટ હતી.

ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા બાદ હવે રોહિત શર્મા ટૂંક સમયમાં ફરી મેદાન પર ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવતા જોવા મળશે. આગામી 27મી સપ્ટેમ્બરથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે શરૂ થઈ રહેલી વનડે સિરીઝમાં રોહિત શર્મા ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. ચાહકોને આશા છે કે લાલબાગચા રાજાના આશીર્વાદ સાથે હિટમેનનું બેટ આગામી શ્રેણીમાં ફરી જોરદાર રનનો વરસાદ કરશે.