Tue Sep 01 2026

Logo

બોલો, પહેલી ઓક્ટોબરથી ફ્લાઈટ પકડવા મુંબઈ નહીં, નવી મુંબઈ જવું પડી શકે! 30 ટકા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ NMIA ખસેડાશે

2026-08-27 19:39:32
Author: Mumbai Samachar Team
બોલો, પહેલી ઓક્ટોબરથી ફ્લાઈટ પકડવા મુંબઈ નહીં, નવી મુંબઈ જવું પડી શકે! 30 ટકા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ NMIA ખસેડાશે

મુંબઈ: જો તમે ઓક્ટોબર પછી મુંબઈથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પકડવાના હોવ તો તમારી મુસાફરીનું પ્લાનિંગ અત્યારથી જ ચેક કરી લો, કારણ કે પહેલી ઓક્ટોબર, 2026થી મુંબઈ એરપોર્ટની ઘણી ફ્લાઈટ્સનું ઓપરેશન નવી મુંબઈ એરપોર્ટ પર ખસેડાશે. આ ફેરફાર બાદ કેટલાક મુસાફરોને ફ્લાઈટ્સ પકડવા માટે મુંબઈ એરપોર્ટને બદલે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) પહોંચવું પડશે.

મુંબઈ એરપોર્ટના ટર્મિનલ 1ના પુનર્વિકાસને ધ્યાનમાં રાખીને એર ટ્રાફિકનું રિયલાઇન્મેન્ટ કરવામાં આવી રહ્યું છે. આ યોજના હેઠળ મુંબઈ એરપોર્ટ પરથી સંચાલિત થતી લગભગ 30 ટકા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને 1 ઓક્ટોબરથી નવી મુંબઈ એરપોર્ટ પર ખસેડવાની તૈયારી છે.

ટિકિટ મુંબઈની, પણ ફ્લાઈટ નવી મુંબઈથી!

હાલ મુંબઈ એરપોર્ટના ટર્મિનલ એક અને ટર્મિનલ 2 મળીને દરરોજ લગભગ 950 ફ્લાઈટ મૂવમેન્ટ્સનું સંચાલન કરે છે. લગભગ 80 વર્ષ જૂનું ટર્મિનલ 1 દર વર્ષે આશરે 1.5 કરોડ મુસાફરોને સેવા આપે છે. જ્યારે ટર્મિનલ 2ની વાર્ષિક ક્ષમતા લગભગ 4 કરોડ મુસાફરોની છે.

હવે ટર્મિનલ 1ના પુનર્વિકાસને કારણે એર ટ્રાફિકનો મોટો હિસ્સો અન્યત્ર ખસેડવામાં આવશે. 1 ઓક્ટોબરથી મુંબઈ એરપોર્ટના કુલ એર ટ્રાફિક મૂવમેન્ટ્સમાંથી લગભગ એક તૃતીયાંશ ટ્રાફિકને નવી મુંબઈ તરફ વાળવાની યોજના છે. એટલે કે મુસાફરોએ માત્ર ફ્લાઈટનો સમય જ નહીં, પરંતુ ફ્લાઈટ કયા એરપોર્ટ પરથી ઉપડશે તે પણ ખાસ તપાસવું પડશે.

25 ઓક્ટોબરથી ટર્મિનલ 1ની ફ્લાઇટ્સ ટર્મિનલ 2 પર

ફેરફારનો બીજો તબક્કો 25 ઓક્ટોબરથી શરૂ થશે. આ તારીખથી ટર્મિનલ 1 પરથી સંચાલિત થતી લગભગ એક તૃતીયાંશ ફ્લાઈટ્સને મુંબઈ એરપોર્ટના ટર્મિનલ 2 પર ખસેડવામાં આવશે. આથી ઓક્ટોબર બાદ મુસાફરો માટે ત્રણ અલગ સ્થિતિ બની શકે છે જેમાં  કેટલીક ફ્લાઈટ્સ નવી મુંબઈ એરપોર્ટથી, કેટલીક મુંબઈ એરપોર્ટના ટર્મિનલ 2થી અને બાકીની ફ્લાઈટ્સ અગાઉની વ્યવસ્થા મુજબ સંચાલિત થઈ શકે છે.
 
મુંબઈ એરપોર્ટના લગભગ 80 વર્ષ જૂના ટર્મિનલ એકના પુનર્વિકાસ માટે તબક્કાવાર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પહેલી જાન્યુઆરી, 2027થી ટર્મિનલ 1Bના ઉત્તર ભાગને તોડી પાડવાની કામગીરી શરૂ થવાની છે. આ કામને કારણે એર ટ્રાફિકને અગાઉથી ડાઇવર્ટ કરાઈ  આવી રહ્યો છે, જેથી પુનર્વિકાસ દરમિયાન ફ્લાઇટ ઓપરેશનને શક્ય તેટલું સરળતાથી ચાલુ રાખી શકાય.
 
અત્રે ઉલ્લેખનીય છે કે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનું સંચાલન 15 જુલાઈ, 2026થી શરૂ થઈ ગયું છે. NMIA પરથી પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ તરીકે એર ઈન્ડિયા એક્સપ્રેસની IX-207 ફ્લાઈટે અબુધાબી માટે ઉડાન ભરી હતી. હવે ઓક્ટોબરથી મુંબઈ એરપોર્ટની વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ નવી મુંબઈ તરફ ખસેડવામાં આવશે, જેના કારણે NMIA મુંબઈના એવિએશન નેટવર્કમાં વધુ મહત્વની ભૂમિકા ભજવશે.

મુસાફરો મહત્વની સલાહ

જો તમે 1 ઓક્ટોબર પછી મુસાફરી કરવાના હોવ તો છેલ્લી ઘડીએ એરપોર્ટ પહોંચવાની ભૂલ ન કરતા. ટિકિટ બુક કરાવ્યા બાદ પણ તમારી ફ્લાઈટનું ડિપાર્ચર એરપોર્ટ અને ટર્મિનલ બદલાઈ શકે છે. 

મુસાફરોએ મુસાફરી પહેલાં પોતાની એરલાઇન પાસેથી ચોક્કસ માહિતી મેળવી લેવી આવશ્યક રહેશે. ખાસ કરીને જો ફ્લાઇટ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ખસેડવામાં આવી હોય તો મુંબઈથી નવી મુંબઈ સુધી પહોંચવા માટે વધારાનો સમય રાખવો જરૂરી રહેશે.

એટલે કે 1 ઓક્ટોબર પછી “માત્ર મુંબઈથી ફ્લાઇટ છે” એટલું જાણવું પૂરતું નહીં રહે, ફ્લાઈટ મુંબઈ એરપોર્ટથી છે કે નવી મુંબઈ એરપોર્ટથી તેમ જ ટી વનથી છે કે ટી ટૂથી છે તે પણ ચેક કરવું પડશે.