મુંબઈઃ ફિલ્મ શુટિંગ વખતે ઘણીવાર એવી કોમેડી થાય છે કે, તે ફિલ્મ કરતા ફિલ્મના સેટ પરની મસ્તી કાયમ યાદ રહી જાય. પણ ઘણીવાર એવું પણ બને છે કે, ફિલ્મના સેટ પર થયેલા ડખાના કારણે બે વ્યક્તિઓ વચ્ચે કાયમી ખટાશ પેશી જાય. ક્યારેક ડાયરેક્ટર એક્ટરને હાંકી કાઢે અથવા પડતા મૂકે અથવા સ્ક્રિન ટાઈમ ઘટાડી દે. ક્યારેક એક્ટર કે એક્ટ્રેસ ખુદ પોતાની રીતે જે તે પ્રોજેક્ટને છોડી દે છે. આવું જ એકવાર અમિતાભ બચ્ચન સાથે થયું હતું.
આખો મામલો આવો હતો
અમિતાભે એક ફિલ્મના શુટ દરમિયાન ડાયરેક્ટરને જ હાંકી કાઢ્યા. બિગ બીએ આવું ગુસ્સામાં આવીને કર્યું એવું તો બિલકુલ નથી.હકીકત એવી છે કે, એક ડાયલોગને લઈ સીન પર જ્યારે અમિતાભ બચ્ચનનો શોટ હતો એ સમયે ડાયરેક્ટરને વારંવાર હસવું આવતું હતું. શોટ બગડે નહીં અને વધારે મોડું ન થાય એ માટે બિગ બીએ ડાયરેક્ટરને જ કહી દીધુ કે બાહર જતા રહો.
જે ફિલ્મની આપણે વાત કરી રહ્યા છીએ એ ફિલ્મનું નામ છે 'નમક હલાલ'. આ ફિલ્મ પણ ક્લાસિક કોમેડી રહી હતી. ફિલ્મના ગીત આજે પણ એક આખી પેઢી માટે ફેવરીટ રહ્યા છે. હવે જે ડાયલોગ્સને લઈને વારંવાર ડાયરેક્ટરને હસવું આવતું એ ડાયલોગ હતો 'આઈકેન ટોક ઈંગ્લીશ, આઈ કોન વૉક ઈંગ્લીશ. બિકોઝ ઈંગ્લીશ ઈજ એ ફની લેંગ્વેજ'. પોતાના અંલજ અંદાજથી જ્યારે આ ડાયલોગ અમિતાભ બચ્ચન બોલી રહ્યા હતા એ એટલું નેચરલ હતું કે, ડાયરેક્ટર પ્રકાશ મેહરા પોતાનું હસવું કંટ્રોલ કરી શકતા ન હતા.
સારા શોટ માટે સેટ છોડ્યો
બિગ બીને પણ ખબર હતી કે, શોટ સારો આપવાનો છે. ફરીવાર હસવું આવશે તો ફોક્સ નહીં કરી શકાય. એટલા માટે તેઓ સેટ પર શાંતિ ઈચ્છતા હતા અને સારા શોટ માટે તેણે ડાયરેક્ટરને સેટ પરથી જતા રહેવા માટે કહી દીધું. પ્રકાશ મેહરાએ પણ કોઈ જ પ્રકારનું માઠું લગાવ્યા વિના અને બિગ બી સાથે દલીલ કર્યા વિના વાત માની લીધી, સેટ છોડીને ચાલ્યા ગયા.
પછી આખો સીન સામે આવ્યો એ સમયે પ્રકાશે અમિતાભના પણ વખાણ કર્યા હતા. વાત એવી પણ છે કે, ફિલ્મ માટે કોઈ લીડ એક્ટ્રેસ મળતી ન હતી. બિગ બીએ એ દરમિયાન રેખા સાથે કામ કરવાનું બંધ કરી દીધું હતું. રાખી એ સમયે કોઈ રોમેન્ટિક રોલ કરતા મેચ્યોર રોલ કરવાનું વધારે પસંદ કરતી હતી. પરવીન બાબી એ સમયે બીમાર હતા અને નીતુ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ ન હતા. બિગ બી ન તો મૌસમી સાથે કામ કરવા માગતા હતા ન તો શબાના સાથે. પછી બિગ બી એ જ પ્રકાશ મેહરાને સ્મિતા પાટીલનું સજેશન આપ્યું. કો એક્ટર તરીકે શશી અને અમિતાભની આ છેલ્લી ફિલ્મ હતી. આ પછી શશીએ એક ડાયરેક્ટર તરીકે ફિલ્મ બનાવી અને એ ફિલ્મ હતી 'અજુબા'