અમદાવાદઃ દેશ અને વિદેશમાં ચામસાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે આ વર્ષે સંભવિત અલ નીનોની અસરની આગાહીએ સરકારની ઊંઘ હરામ કરી હતી, જેની અન્ય રાજ્યની તુલનામાં ગુજરાતમાં વધુ અસર જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ અટકી ગયો છે, કેટલાક જિલ્લાઓમાં બિલકુલ દુષ્કાળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં વરસાદ યથાવત રહે છે. શ્રાવણ પછી ચોમાસુ સીઝન વિદાય લેતી હોય છે. પણ આ વર્ષે એવું થયું નથી. પૂરતો વરસાદ થયો નથી અને બફારાનો કાર્યકાળ લંબાતો રહ્યો છે. હવે સ્થિતિ એવી છે કે, ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે પરંતુ વરસાદ હજુ પણ ખેંચાઈ રહ્યો છે. આ પાછળનું કારણ શું? રાજ્યના હવામાન અંગે હવામાન નિષ્ણાતે મહત્વની વાતો કરી હતી.
સિસ્ટમ ગુજરાતમાં આવી નહીં
છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી રાજ્યના વાતાવરણમાં પણ ખાસ કોઈ પ્રકારનો પલટો જોવા મળ્યો નથી. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસાવી શકે એવા કોઈ વાદળા કોઈ જ શહેર કે ગ્રામ્ય પંથક પર આવ્યા નથી. કોઈ મોટું પરિવર્તન જોવા મળી રહ્યું નથી. સ્થિતિ એવી છે કે કેટલાક વિસ્તારોમાં પાણીની તંગીની પણ શરૂઆત થઈ ગઈ છે. આવી સ્થિતિ વચ્ચે હવે વરસાદ પડે એ ઘણું અગત્યનું મનાય રહ્યું છે. આ વર્ષે બંગાળની ખાડીમાં ઘણી સિસ્ટમ બની છે પરંતુ ગુજરાત તરફ એ આવી નથી. આ કારણે પણ વરસાદ ગુજરાત પર જોઈએ એટલો પડ્યો નથી. આ સમગ્ર વિષય પર હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, વરસાદ ખેંચાતા માત્ર ખેતી ક્ષેત્રને જ નહીં અન્ય પણ બીજા વ્યવસાયને અસર થઈ છે. ખેતી અટકે તો બીજા બધા કામ અટકે છે. સૌથી વધારે મુશ્કેલી અત્યારે ખેડૂતોને પડી રહી છે.
ગુજરાતમાં કેટલા ટકા વરસાદ?
ગુજરાતમાં માત્ર 58 ટકા વરસાદ વરસ્યો છે. આ આખા ગુજરાતની એવરેજ છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ થયો હતો. આ કારણે એવરેજ ઊંચી આવી છે. હજુ ઘણા વિસ્તારો એવા છે જ્યાં માત્ર 2થી 5 ટકા જ વરસાદ થયો છે. દ્વારકા જેવા વિસ્તારમાં તો રીતસરનો દુષ્કાળ છે. પિયતની જોગવાઈ હોય તો ખેડૂત થોડું વાવેતર કરી દે. એ અપવાદ છે. બાકી કુદરતી રીતે જે વાવેતર કરી શકાય એવો વરસાદ દ્વારકા કે જામનગરમાં થયો નથી. જૂનાગઢ જિલ્લામાં આમ સારૂ પણ ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસું નબળું છે. આવું જ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છમાં છે. અહીંયા દુષ્કાળની સ્થિતિ જોવા મળી રહી છે. 5 ઓગસ્ટ સુધી વરસાદનો રાઉન્ડ હતો.વીસ દિવસ બાદ કોઈ જ પ્રકારનો વરસાદ નથી. સતત વીસ દિવસ સુધી વરસાદ ન પડે તો પાક અવશ્ય સુકાઈ જાય. પિયત પાકને આપતા ખેડૂતો છે પણ આ પિયતની વ્યવસ્થા વરસાદ જેવી ન થાય. પાણી ખૂટવાનું ચાલુ થઈ ગયું છે. આગામી સ્થિતિ ગંભીર છે. રાજ્યમાં સારી યોજના એ છે કે, મુખ્યમંત્રી સહાય યોજનામાંથી ખેડૂતોને પેકેજ મળે છે પણ સતત ચાર મહિના સુધી વરસાદ ન પડે તો આ શક્ય છે. આ યોજનાનો લાભ જ્યાં વરસાદ નથી ત્યાં શક્ય છે. સરકારે આ પેકેજ ખેડૂતોને આપવું જોઈએ.
વરસાદ થશે પણ ક્યારે થશે એ નક્કી નથી!
વરસાદ પડશે પણ એનો સમય નક્કી નથી. એક વરસાદી સિસ્ટમ એક ઊભી થઈ છે જે બંગાળની ખાડીમાં છે પણ એ ગુજરાતને સીધી રીતે અસર કરી શકે એમ નથી. 26 ઓગસ્ટ પછી આગાહી શરૂ થાય છે. આ આગાહીમાં સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાત સુધી વરસાદ થશે. પણ આ એક સામાન્ય પ્રકારનો વરસાદ હશે. કોઈ ભારેથી અતિભારે કહી શકાય એવો કોઈ વરસાદ નહીં હોય. આ સામાન્ય વરસાદ છે. આ છેલ્લા રાઉન્ડમાં દરેક ખેડૂતોને ફાયદો થાય એવી શક્યતાઓ ઓછી અત્યારે છે. સારા વરસાદની શક્યતા ઓછી છે એવું જુદા જુદા મોડલ પરથી જે તારણ કાઢ્યું છે એના પરથી કહી શકાય છે. આગળ જતા વરસાદ પડે, પાણી લાયક વરસાદ પડે એ વાત અલગ છે. જે રીતે સિસ્ટમ બદલી રહી છે એ ધ્યાને લેતા ખેડૂતો માટે જરૂરી છે એવો વરસાદ આવનારા ટૂંકા સમયમાં તો નથી. આવનારી સિસ્ટમ એક સાયક્લોનિક સરક્યુલેશન છે. આ સિસ્ટમ ગુજરાતમાં આવતા નબળી પડશે અને હળવો વરસાદ પડશે. આમા કોઈ ખાસ પ્રેશર નથી.
સમજો અલનીનોની અસર?
આ વર્ષ અલનીનોનું વર્ષ છે. જ્યારે અલનીનોનું વર્ષ હોય ત્યારે દક્ષિણ એશિયાઈ દેશ, આફ્રિકાના દેશ અને બીજા જાપાન સહિતના દેશને નબળા ચોમાસાનો સામનો કરવો જ પડે છે. અલનીનો ઈફેક્ટ કરે જ છે. દર ત્રણથી પાંચ વર્ષે અલનીનો સક્રિય થાય છે. આ વખતે સામાન્ય રહ્યો નથી. આ વખતે સુપર મેગા અલનીનો રહ્યો છે. પ્રશાંત મહાસાગરનું તાપમાન એકાએક વધ્યું છે. માત્ર ગુજરાત જ નહીં આખા દેશની વેધર સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. ભારતના બીજા રાજ્યમાં પણ ખેડૂતોની સ્થિતિ સારી નથી. એને પણ વરસાદની ઘટ વર્તાય છે. ભારતના પાડોશી દેશમાં પણ વરસાદ ઓછો છે. મોનસુન ટ્રફ છે એટલો આ વખતે પોઝિટિવ રહ્યો નથી. ઉત્તર અરબ સાગરના ભાગ પરથી આવતા ગરમ પવનો વરસાદી સિસ્ટમને નબળી પાડી દે છે. અથવા દિશા બદલાવીને દૂર જતી રહે છે. આ કારણે ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે. એટલે ગુજરાતમાં એની અસર થઈ હોવાનું નકારી શકાય નહીં. હિન્દ મહાસાગરનું તાપમાન આ વખતે પોઝિટિવ છે. જે વરસાદ અત્યાર સુધી થયો આ એની જ અસર છે. સપ્ટેમ્બર અને ઑક્ટોબરના અંત સુધી વરસાદ પડે એવું બને. પણ જન્માષ્ટમીનો તહેવાર આવે છે તો ખેડૂતોની આઠમ વરસાદના અભાવે સુધરવાની નથી.