બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ રેલવેની મોટી કાર્યવાહી; 9 વર્ષ જૂના કેસનો આવ્યો અંત, 5 દિવસ ચાલશે આ ઝુંબેશ
મુંબઈઃ મુંબઈમાં પશ્ચિમ રેલવે દ્વારા એક મોટી કાર્યવાહી અંતર્ગત બાંદ્રા (પૂર્વ)ના ગરીબ નગર વિસ્તારમાં આશરે 500 ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. બોમ્બે હાઈ કોર્ટના આદેશ બાદ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે મુંબઈ પોલીસ, RPF અને GRPના 400થી વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
મુંબઈના પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા (પૂર્વ)ના ગરીબ નગરમાં રેલવેની જમીન પરથી દબાણ હટાવવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે આ અભિયાન નાગરિક પ્રશાસન, પોલીસ અધિકારીઓ અને રેલવે સુરક્ષા એજન્સીઓના સંકલનથી ચલાવવામાં આવ્યું હતું.
ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની આ કાર્યવાહી બોમ્બે હાઈ કોર્ટના આદેશ પર શરૂ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે ભારે પોલીસ કાફલો તહેનાત કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ અંદાજે 500 ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું.
2017થી આ સંવેદનશીલ મામલો પડતર હતો
રેલવે પ્રશાસને દબાણ હટાવવાની કાર્યવાહી અંગે ત્યાંના લોકોને પહેલાથી જ સત્તાવાર નોટિસ આપી દીધી હતી. જણાવી દઈએ કે રેલવેની જમીન પર ગેરકાયદે કબજાનો આ સંવેદનશીલ મામલો કાનૂની પ્રક્રિયાઓને કારણે વર્ષ 2017થી કોર્ટમાં પડતર હતો, જેના પર હવે ચુકાદો આવ્યો છે. બોમ્બે હાઈ કોર્ટે પોતાના આદેશમાં ખાસ કરીને સ્પષ્ટ કર્યું હતું કે આ કાર્યવાહી દરમિયાન કોઈ પણ માન્ય કે કાનૂની માળખાને (બાંધકામને) નુકસાન પહોંચવું જોઈએ નહીં.
નવ વર્ષ સુધી કેસની તપાસ કરવામાં આવી
જણાવી દઈએ કે રેલવે પ્રશાસન દ્વારા આ કાર્યવાહી અચાનક લેવામાં આવી નથી. સાર્વજનિક પરિસર અધિનિયમ હેઠળ કાર્યવાહી 2017 પહેલા શરૂ કરવામાં આવી હતી અને બેદખલીના (ખાલી કરવાના) આદેશો પસાર કરવામાં આવ્યા હતા. આશરે 9 વર્ષ સુધી આ મામલાની ગહન ન્યાયિક તપાસ કરવામાં આવી હતી, જેમાં બોમ્બે હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટની કાર્યવાહી પણ સામેલ છે.
બોમ્બે હાઈ કોર્ટે 29 એપ્રિલ 2026ના પોતાના નવા આદેશમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો હતો. અદાલતે પણ માન્ય કે કાનૂની બાંધકામોને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના દબાણ હટાવવાની મંજૂરી આપી છે.
અતિક્રમણો વિરુદ્ધની ઝુંબેશ 5 દિવસ ચાલશે
ગેરકાયદે બાંધકામોને હટાવવાની ઝુંબેશ 5 દિવસ ચાલશે. અહેવાલ અનુસાર, પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે સમગ્ર કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે નાગરિક વહીવટ, મુંબઈ પોલીસ, રેલવે સુરક્ષા દળ (આરપીએફ) અને સરકારી રેલવે પોલીસ (જીઆરપી) સાથે સંકલનમાં અતિક્રમણ વિરોધી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અભિયાન માટે ગરીબ નગર અને તેની આસપાસ લગભગ 400 કર્મચારીને તૈનાત કરવામાં આવ્યા હતા. ભીડ એકઠી થવાની અથવા અશાંતિ થવાની આશંકા વચ્ચે વ્યૂહાત્મક સ્થળોએ એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ ટીમો અને બેરિકેડિંગ યુનિટ સહિતની કટોકટી પ્રતિભાવ પ્રણાલીઓ પણ તૈનાત કરવામાં આવી હતી.
રેલવેની પાંચમી-છઠ્ઠી લાઈનનો માર્ગ મોકળો

બોમ્બે હાઈ કોર્ટના 29 એપ્રિલના આદેશને અનુસરીને આ તોડકામ શરુ કરવામાં આવ્યું છે. જોકે, કોર્ટે ઓગસ્ટ 2021માં હાથ ધરાયેલા સર્વેક્ષણો હેઠળ પુનર્વસન માટે લાયક જાહેર કરાયેલા ઝૂંપડપટ્ટીવાસીઓના અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો.
આ કામગીરી પછી પશ્ચિમ રેલવેના સાંતાક્રુઝ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે પાંચમી અને છઠ્ઠી રેલવે લાઇનના વિસ્તરણના માર્ગ મોકળો થશે. બાંદ્રા સ્ટેશન નજીકની 5,200 વર્ગ મીટર જમીન પરથી અતિક્રમણ હટાવવામાં આવશે, પરંતુ હાઈ કોર્ટના આદેશ પછી કાર્યવાહી કરી છે. બાંદ્રા રેલવે સ્ટેશન માટે અહીં ઈન્ટિગ્રેટેડ રેલ ટર્મિનસ બનાવવામાં આવશે, જ્યારે ક્ષમતામાં પણ વધારો કરવામાં આવશે, જેનો સીધો ફાયદો પ્રવાસીઓને થશે, એમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
ગરીબનગરના રહેવાસીઓએ અગાઉ આરોપ લગાવ્યો હતો કે 18 માર્ચે બોમ્બે હાઈ કોર્ટે અરજીઓમાં ઉલ્લેખિત અમુક બાંધકામોના તોડી પાડવા પર પ્રતિબંધ મૂકવાના વચગાળાના આદેશ છતાં પાત્ર પ્રોજેક્ટ અસરગ્રસ્ત વ્યક્તિઓ (PAPs)ના કેટલાક ઘરો પણ તોડી પાડવામાં આવ્યા છે.
કોર્ટના જણાવ્યાનુસાર 100 ઝૂંપડીને તોડી પાડવામાં આવશે નહીં. તમામ સેફ્ટી પ્રોટોકોલ અન્વયે કાર્યવાહી શરુ કરવામાં આવી છે, જ્યારે ઘરની આસપાસ રહેલા જ્વલનશીલ વસ્તુઓને પણ હટાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 20થી 25 ટકા અતિક્રમણોને હટાવવામાં આવ્યા છે.
સુરક્ષા એજન્સી પણ હાઈ એલર્ટ
ગેરકાયદે બાંધકામોને તોડી પાડવા અને હટાવવાની ઝુંબેશ પર રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવી છે. આ કાર્યવાહી પર પ્રતિક્રિયા આપતા ભાજપના નેતાએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા. અતિક્રમણ વિરોધી અભિયાન અંગે તેમણે કહ્યું હતું કે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ, રાહુલ ગાંધી (કોંગ્રેસ), એઆઇએમઆઇએમ અને મુસ્લિમ લીગ, જે બધા 'જમીન જેહાદ', 'વોટ જેહાદ' અને 'લવ જેહાદ'ની વિભાવનાઓને નકારે છે, તેમને પાઠ ભણાવવામાં આવ્યો છે. આગામી થોડા દિવસો સુધી આ કામગીરી ચાલુ રહેશે, તેથી બાંદ્રા પૂર્વમાં સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર છે, અને અધિકારીઓ આ સંવેદનશીલ વિસ્તારમાં કોઈપણ પ્રકારની અરાજકતા ન ફેલાય તે માટે પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.