Mon May 18 2026

Logo

ખાદ્યાન્નના કાર્યક્રમ માટે ફૂડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા ટૂંકાગાળાની રૂ. 50,000 કરોડની લોન વધારશે

2026-05-18 19:44:25
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
ફૂડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા શિડ્યુઅલ બૅન્કો પાસેથી તેના ખાદ્યાન્નના કાર્યક્રમો માટે ત્રણ મહિનાના ટૂંકાગાળાનાં ધિરાણની રૂ. 50,000 કરોડની લોન લેવા સજ્જ છે, જેમાં વધારાના રૂ. 25,000 કરોડ ગ્રીન શૂ વિકલ્પનો સમાવેશ થતો હોવાનું એક સરકારી વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. 
આ ભંડોળ મુખ્યત્વે ખાદ્યાન્નની પ્રાપ્તિ અને વિતરણમાં રોકડ પ્રવાહિતાની વિસંગતતા દૂર કરવા માટે ઊભું કરવામાં આવી રહ્યું હોવાનું અધિકારીએ જણાવતાં ઉમેર્યું હતું કે આ સંબંધમાં જારી કરવામાં આવેલા ટેન્ડર 22મી મેના રોજ ખોલવામાં આવશે. જોકે. ટેન્ડર હેઠળ કુલ ઉધાર કોઈપણ સમયે રૂ. 75,000 કરોડથી વધુ નહીં હોય. 

આ ટૂંકાગાળાની લોન અનસિક્યોર્ડ અથવા તો અસુરક્ષિત ધોરણની રહેશે. તેમ જ કોર્પોરેશનને ખાદ્ય ધિરાણ માટે ઉપલબ્ધ રૂ. 6000 કરોડની ગૅરૅન્ટી આ ઋણ માટે લાગુ નહીં થાય. ટેન્ડરની શરતો અનુસાર  ઑફર 31મી ઑગસ્ટ સુધી માન્ય હોવી જોઈએ, જેમાં લોનનું વિતરણ કોર્પોરેશનની કાર્યકારી જરૂરિયાત અનુસાર હપ્તામાં કરવામાં આવશે. 

નોંધનીય બાબત એ છે કે ફૂડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા એ ખાદ્યાન્નની પ્રાપ્તિ અને વિતરણ માટેની સરકારી અધિકૃત એજન્સી છે. જે ખેડૂતો પાસેથી પ્રાપ્તિ કરીને રેશનકાર્ડ ધારકો અને કલ્યાણ યોજનાઓ હેઠળ ખાદ્યાન્નનું વિતરણ કરે છે. હાલમાં ઘઉંની પ્રાપ્તિ થઈ રહી છે. 

વર્તમાન વર્ષ 2026-27ની માર્કેટિંગ મોસમ (માર્ચ-એપ્રિલ)માં ફૂડ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા અને રાજ્ય સ્તરીય એજન્સીઓએ ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં ટેકાના ભાવથી 2.297 કરોડ ટન ઘઉંની સીધી ખરીદી કરી છે. જેમાં પંજાબમાંથી સૌથી વધુ 1.051 કરોડ ટનની ખરીદી કરી છે. ત્યાર બાદ અનુક્રમે મધ્ય પ્રદેશમાંથી 67.2 લાખ ટન, હરિયાણામાંથી 25.8 લાખ ટન અને રાજસ્થાનમાંથી 17.7 લાખ ટન ઘઉંની ખરીદી કરી છે. જોકે, સરકારે વર્તમાન મોસમ માટે 3.449 કરોડ ટન ઘઉંની પ્રાપ્તિનો લક્ષ્યાંક મુક્યો છે.