ઓસ્કો : પીએમ મોદીને સવાલ કરનાર નોર્વેની મહિલા પત્રકાર હેલે લિંગે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા જાહેર કરી છે. તેમણે કહ્યું કે હું વિદેશી જાસૂસ નથી. તેમણે એમ પણ ઉમેર્યું કે હું ફક્ત મારું કામ કરી રહી હતી. મહિલા પત્રકાર લિંગે પીએમ મોદી અને નોર્વેના વડાપ્રધાન દ્વારા યોજાયેલી સંયુક્ત બ્રીફિંગ પછી તેમને એક પ્રશ્ન પૂછ્યો હતો. આ ઘટના બાદ તેને ભારે ટ્રોલ કરવામાં આવી હતી. જેમાં ઘણા લોકોએ તેમને વિદેશી એજન્ટ અને જાસૂસ હોવાનો આરોપ લગાવ્યો હતો.
દુનિયાએ ભારત પર કેમ વિશ્વાસ રાખવો જોઈએ
જોકે, આ ઘટના બાદ ભારતીય દૂતાવાસે એક ખાસ પ્રેસ બ્રીફિંગનું આયોજન કર્યું હતું. જેમાં એક મહિલા પત્રકારે પૂછ્યું કે દુનિયાએ ભારત પર કેમ વિશ્વાસ રાખવો જોઈએ, અને શું દેશમાં માનવાધિકાર ઉલ્લંઘન બંધ થશે. તેમજ પત્રકારે એ પણ પૂછ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય મીડિયાના કઠિન પ્રશ્નોના જવાબ આપવાનું ક્યારે શરૂ કરશે.
ભારત 5,000 વર્ષ જૂની સભ્યતા
જેના જવાબમાં વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સિબી જ્યોર્જે પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે ભારત ફક્ત એક દેશ નથી પરંતુ 5,000 વર્ષ જૂની સભ્યતા છે. કોઈ પણ રાષ્ટ્રની ઓળખ તેની વસ્તી, સરકાર, સાર્વભૌમત્વ અને પ્રદેશ દ્વારા વ્યાખ્યાયિત થાય છે, આ બધી બાબતોમાં, ભારત વૈશ્વિક સ્તરે એક મજબૂત સ્થાન ધરાવે છે. ભારતે વિશ્વને ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. કોરોના રોગચાળા દરમિયાન પણ પોતાને અલગ રાખવાની જગ્યાએ તે જરૂરિયાતમંદોની પડખે ઉભો રહ્યો. આ જ કારણ છે કે વિશ્વ ભારત પર વિશ્વાસ રાખે છે.
પીએમ મોદીને પ્રેસ સ્વતંત્રતા અંગે પ્રશ્ન પૂછ્યો હતો
આ સમગ્ર ઘટનાની વિગતો મુજબ ઓસ્લોમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નોર્વેના વડાપ્રધાન દ્વારા સંયુક્ત મીડિયા બ્રીફિંગ બાદ હેલ લિંગે પીએમ મોદીને પ્રેસ સ્વતંત્રતા અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જોકે, પીએમ મોદીએ આ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું. જેનો મહિલા પત્રકારે વિરોધ કર્યો હતો.