નાગપુરના પ્રેક્ષકોએ રિન્કુ-શૉ પણ માણ્યોઃ વર્લ્ડ નંબર-વન વરુણ અને શિવમની બે-બે વિકેટ
નાગપુરઃ ભારતે (India) અહીં ન્યૂ ઝીલૅન્ડ (New Zealand)ને પાંચ મૅચવાળી સિરીઝના પ્રથમ ટી-20 મુકાબલામાં 48 રનથી હરાવીને 1-0થી સરસાઈ મેળવી હતી. એકમાત્ર ગ્લેન ફિલિપ્સ (78 રન, 40 બૉલ, છ સિક્સર, ચાર ફોર)એ ભારતીય બોલર્સને લાંબા સમય સુધી લડત આપી હતી. માર્ક ચૅપમૅને 39 રન કર્યા હતા.
ટી-20ના વર્લ્ડ નંબર-વન બોલર વરુણ ચક્રવર્તીએ અને શિવમ દુબેએ બે-બે વિકેટ તેમ જ અર્શદીપ, હાર્દિક અને અક્ષરે એક-એક વિકેટ મેળવી હતી. બુમરાહને 29 રનમાં વિકેટ નહોતી મળી.
PTI
ભારતે જીતવા માટે 239 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો એના માનસિક દબાણમાં આવી ગયેલા કિવીઓ 20 ઓવરમાં સાત વિકેટે 190 રન બનાવી શક્યા હતા.
કિવીઓએ ધબડકા સાથે શરૂઆત કરી હતી. નાગપુરની આ મૅચમાં ન્યૂ ઝીલૅન્ડે શૂન્ય પર ડેવૉન કૉન્વેની અને એક રનના સ્કોર પર રચિન રવીન્દ્રની વિકેટ ગુમાવી દીધી હતી. કૉન્વેને અર્શદીપે વિકેટકીપર સૅમસનના હાથમાં અને રચિનને હાર્દિક પંડ્યાએ અભિષેક શર્માના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. ત્રણ ઓવરને અંતે ન્યૂ ઝીલૅન્ડનો સ્કોર બે વિકેટે 13 રન હતો.
PTI
એ પહેલાં, બૅટિંગ મળ્યા પછી ભારતે 20 ઓવરમાં સાત વિકેટે 238 રન કર્યા હતા. અભિષેક શર્મા (84 રન, 35 બૉલ, આઠ સિક્સર, પાંચ ફોર) પછી હાર્દિક પંડ્યા (પચીસ રન, 16 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) બાદ ખાસ કરીને રિન્કુ સિંહે (44 અણનમ, 20 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) પણ કિવી બોલર્સની ઍનેલિસિસ બગાડી નાખી હતી.
સાત કિવી બોલર્સમાંથી જૅકબ ડફી અને કાઇલ જૅમીસને બે-બે વિકેટ અને ક્રિસ્ટિયન, ઇશ સોઢી તથા કૅપ્ટન મિચલ સૅન્ટનરે એક-એક વિકેટ મેળવી હતી.
હવે બીજી મૅચ શુક્રવાર, 23મી જાન્યુઆરીએ રાયપુરમાં રમાશે.