નવી દિલ્હી: ભારત માટે આગામી સપ્તાહ અત્યંત નિર્ણાયક છે. કારણ કે ભારત યુરોપિયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા જઈ રહ્યું છે. જો યુરોપિયન યુનિયન સાથે FTA સોદો પાર પડે છે, તો યુરોપિયન માર્કેટમાં ભારતની સ્થિતિ ફરી મજબૂત બનશે અને લાંબા ગાળે નિકાસમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. પરંતુ આ પહેલા યુરોપિયન યુનિયને ભારતને મળતા જીએસપી (Generalized System of Preferences - GSP) હેઠળના નિકાસ લાભો સ્થગિત કરી દીધા છે. જેનાથી ભારતીય નિકાસકારોની ચિંતા વધી છે.
ભારતીય વસ્તુઓની નિકાસ પર વધશે ટેરિફ
EUના નિયમો મુજબ, જ્યારે કોઈ વિકાસશીલ દેશના ઉત્પાદનો યુરોપિયન બજારમાં એટલા સ્પર્ધાત્મક બની જાય કે તેમને વધારાની સહાયની જરૂર ન રહે, ત્યારે આ છૂટછાટો પાછી ખેંચી લેવામાં આવે છે. યુરોપિયન યુનિયન દ્વારા ભારતને GSP હેઠળના નિકાસ લાભો સ્થગિત કરાતા યુરોપમાં મોકલવામાં આવતા મોટાભાગના ભારતીય માલ પરના ટેરિફમાં 20 ટકા સુધીનો વધારો થઈ શકે છે.
ભારતની લગભગ 87 ટકા નિકાસ હવે GSP ના દાયરાની બહાર થઈ ગઈ છે. તેથી ખનિજો, રસાયણો, પ્લાસ્ટિક, લોખંડ-સ્ટીલ, મશીનરી અને ઇલેક્ટ્રિકલ સાધનો પર તેની સૌથી વધુ અસર પડશે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO) ના ડાયરેક્ટર જનરલ અજય સહાયે જણાવ્યું છે કે, "GSP લાભો છીનવાઈ જવાથી બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશોની સરખામણીએ ભારતીય માલ યુરોપમાં મોંઘો અને ઓછો સ્પર્ધાત્મક બનશે. હવે માત્ર 13 ટકા ભારતીય નિકાસ (મુખ્યત્વે કૃષિ અને ચામડું)ને જ આ યોજનાનો લાભ મળશે."
ટેરિફની અસર લાંબો સમય રહેશે નહીં
ઉલ્લેખનીય છે કે, ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેના આર્થિક સંબંધો એક મહત્વપૂર્ણ વળાંક પર છે. આગામી 27 જાન્યુઆરી સુધીમાં બંને પક્ષો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર થવાની પ્રબળ શક્યતા છે. જો FTA સોદો પાર પડે છે, તો યુરોપિયન માર્કેટમાં ભારતની સ્થિતિ ફરી મજબૂત બનશે અને લાંબા ગાળે નિકાસમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. જો 27 જાન્યુઆરીએ FTA (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) પર હસ્તાક્ષર થઈ જશે, તો તે GSPનું સ્થાન લેશે. FTA લાગુ થયા પછી ભારતીય માલને ફરીથી ટેરિફમાં મોટી રાહત મળશે. તેથી હાલ GSP સ્થગિત થવાના કારણે ટેરિફમાં થયેલા વધારાની અસર લાંબા સમય સુધી રહેશે નહીં, એવું નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે.