મુંબઈ: ગઈ કાલે ગુવાહાટીમાં રમાયેલી T20I મેચમાં ભારતીય ટીમે ન્યુઝીલેન્ડ સામે શાનદાર જીત મળેવી, આ સાથે જ ભારતીય ટીમે પાંચ મેચની સિરીઝમાં 3-0થી અજેય લીડ મેળવી લીધી છે. આ સિરીઝ જીત સાથે ભારતે પાકિસ્તાનના એક વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માં ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમ એકપણ T20 સિરીઝ હારી નથી. T20 વર્લ્ડ કપ 2024 બાદ ભારતે અત્યાર સુધી સતત 11 T20 સિરીઝમાં જીત મેળવી છે. પાકિસ્તાને 2016 અને 2018 વચ્ચે સતત 11 T20 સિરીઝ જીતી હતી, હવે ભારતે આ રેકોર્ડની બરાબરી કરી છે. અગાઉ ભારતીય ટીમે 2017-18માં સતત 7 અને 2019-2021માં સતત 6 T20I સિરીઝ જીતી હતી.
સતત સૌથી વધુ T20I સિરીઝ જીત:
11* ભારત (2024 - ચાલુ)
11 પાકિસ્તાન (2016-2018)
7 ભારત (2017-18)
6 ભારત (2019-21)
વર્લ્ડ રેકોર્ડ તોડવા રાહ જોવી પડશે:
હાલને ફોર્મને ધ્યાનમાં લેતા ભારતીય ટીમ આ રેકોર્ડ તોડી શકે છે, પણ તેના માટે કેટલાક મહિના રાહ જોવી પડશે. ન્યુઝીલેન્ડ સામેની સિરીઝની છેલ્લી 2 મેચ બાદ, ભારતીય ટીમ T20 વર્લ્ડ ચેમ્પિયન ટાઈટલ ડિફેન્ડ કરવા ઉતરશે. ત્યારબાદ IPLની શરૂઆત થશે.
ભારતની આગામી T20 સિરીઝ જુલાઈ મહિનામાં ઇંગ્લેન્ડ સામે રમશે, એ સિરીઝ જીતીને ભારતીય ટીમ એક નવો ઇતિહાસ રચી શકે છે.
ઘરઆંગણે સિરીઝ જીતનો રેકોર્ડ:
ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ જીત ભારત માટે ઘરઆંગણે સતત 10મી T20 સિરીઝ જીત છે. ભારતીય ટીમ પહેલાથી જ આ મામલે રેકોર્ડ બનાવી ચુકી છે, આ યાદીમાં બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા છે, જેણે 2006 થી 2010 વચ્ચે ઘરઆંગણે સતત 8 સિરીઝ જીતી હતી.