Tue Jan 27 2026

Logo

White Logo

આઇસીસીએ બાંગ્લાદેશ બોર્ડની વિનંતી ફગાવી, ક્રિકેટરોને ભારત મોકલવા જ પડશે

DUBAI   6 days ago
Author: Ajay Motiwala
Video

બીસીબીને નિર્ણય લેવા વધુ એક દિવસ અપાયો, બાંગ્લાદેશ નહીં ઝૂકે તો વર્લ્ડ કપમાં એના સ્થાને રમશે સ્કૉટલૅન્ડ


દુબઈઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બુધવારે બાંગ્લાદેશ સામે સખત વલણ અપનાવીને આગામી ટી-20 વર્લ્ડ કપની એની મૅચો ભારતમાંથી ખસેડીને શ્રીલંકામાં રાખવાની બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ની વિનંતી ફગાવી દીધી હતી. આઇસીસીએ બીસીબીને સ્પષ્ટપણે કહી દીધું હતું કે ભારતમાં બાંગ્લાદેશના ખેલાડીઓની સલામતી ભયમાં હોય એવું અમને નથી લાગતું એટલે મૂળ સમયપત્રક મુજબ તમારા ખેલાડીઓએ ભારતમાં (કોલકાતા તથા મુંબઈમાં) રમવું જ પડશે. કહેવાય છે કે જો બાંગ્લાદેશ નહીં માને અને ભારતમાં રમવાની ફરી ના પાડશે તો વર્લ્ડ કપમાં એના સ્થાને સ્કૉટલૅન્ડને રમવાનું કહી દેવામાં આવશે.

આઇસીસીએ આખરી નિર્ણય લેવા માટે બીસીબીને વધુ એક દિવસનો સમય આપ્યો છે. જો બીસીબી પોતાના ખેલાડીઓને ભારત ન મોકલવાના નિર્ણયને વળગી રહેશે તો ટીમ રૅન્કિંગ મુજબ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશના સ્થાને સ્કૉટલૅન્ડને રમવા બોલાવવામાં આવશે.

આઇસીસીએ બુધવારે વીડિયો કૉન્ફરન્સ દ્વારા મીટિંગ (MEETING) યોજી હતી. આઇસીસીના 15 મેમ્બર રાષ્ટ્રોના ડિરેકટર્સમાંથી એકમાત્ર પાકિસ્તાને બાંગ્લાદેશની તરફેણમાં મત આપ્યો હતો. એકંદરે બાંગ્લાદેશ સહિત 16 રાષ્ટ્રએ વોટિંગ કર્યું હતું અને 14-2ના રેશિયો સાથે બાંગ્લાદેશની વિનંતી ફગાવી દેવામાં આવી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશના અભિગમને ટેકો આપ્યો એને પગલે આઇસીસીએ વોટિંગ યોજ્યું હતું જેમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન, બન્નેની નાલેશી થઈ હતી.

આ બેઠકમાં આઇસીસી ચૅરમૅન જય શાહ ઉપરાંત તમામ મુખ્ય ક્રિકેટ-રાષ્ટ્રોના ડિરેકટરો (મુખ્ય હોદ્દેદારોમાંથી એક મેમ્બર) હાજર છે. ભારત વતી બીસીસીઆઇના સેક્રેટરી દેવાજિત સૈકિયા આ મીટિંગમાં ઉપસ્થિત છે. બાંગ્લાદેશ વતી ક્રિકેટ બોર્ડના પ્રમુખ અમિનુલ ઇસ્લામ રજુઆત કરી રહ્યા છે. બાંગ્લાદેશ પોતાની ટીમને અસલામતીના ડરથી ભારત નથી મોકલવા માગતું. જોકે આઇસીસી એને પૂરી સલામતીની ખાતરી આપે છે.

આઇસીસીએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને આદેશ આપી દીધો છે કે એ પોતાની સરકારને જણાવી દે કે જો બાંગ્લાદેશ પોતાના ક્રિકેટરોને ફેબ્રુઆરીના આગામી ટી-20 વર્લ્ડ કપની લીગ મૅચો માટે ભારત નહીં મોકલે તો આ ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશના સ્થાને અન્ય કોઈ ટીમને (સ્કૉટલૅન્ડને) આ વર્લ્ડ કપમાં રમવાનો મોકો અપાશે અને બાંગ્લાદેશની ટીમ બહાર થઈ જશે. સ્કૉટલૅન્ડ આ વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય નહોતું થઈ શક્યું, પરંતુ હવે બાંગ્લાદેશ ટસનું મસ નહીં થાય તો સ્કૉટલૅન્ડનો વર્લ્ડ કપની ટીમોમાં સમાવેશ કરી દેવામાં આવશે.