ચિંતન - હેમુ ભીખુ
પરમ-આનંદ એ હેતુ નથી, પરિણામ છે. પરમાનંદ એ કલ્પના નથી, વાસ્તવિકતા છે. તે કોઈ બાહ્ય ઘટના નથી, આંતરિક પરિસ્થિતિ છે. પરમાનંદની સ્થિતિ પ્રાપ્ત કરવાની નથી, તે તો પ્રાપ્ત જ છે, માત્ર તેનાં પરનો પડદો દૂર કરવાનો છે. ચોક્કસ પ્રકારનાં પુરુષાર્થથી આ પડદો દૂર થતાં પરમાનંદ સ્થિતિ અનુભવી શકાય. ભક્ત કવિયત્રી ગંગા સતી જ્યારે એમ કહે કે ‘હરખ ને શોકની જેને આવે નહીં હેડકી, આઠે પહોર આનંદ રે’, ત્યારે આ આનંદની વાત થાય. ગંગા સતીએ અહીં બહુ સરળતાથી હરખ અને આનંદ વચ્ચેનો ભેદ સ્થાપિત કરી દીધો છે. હરખ એ શોકનું વિરોધી છે. હરખ એટલે ખુશી અને શોક એટલે ગ્લાનિ. આનંદ એટલે એવી સ્થિતિ કે જે ‘આઠે પહોર’ એટલે કે કાયમ માટે સ્થાપિત રહે, જ્યારે હરખ અને શોખની આવજા રહે. વિષયો સાથે ઇન્દ્રિયોના સંપર્કથી જે પ્રાપ્ત થાય તે હરખ અને આત્માની અનુભૂતિથી જે અનુભવાય તે આનંદ, પરમાનંદ. આત્મજ્ઞાની પ્રત્યેક પરિસ્થિતિમાં શુદ્ધ, પવિત્ર, નિર્મળ, સત્યનિષ્ઠ, નિષ્પક્ષ, નિર્વિકાર, સાક્ષી-સ્વરૂપ અને આનંદીત રહે.
સનાતની દર્શન અનુસાર આત્મા ‘આનંદ’ સ્વરૂપ છે, પરંતુ અજ્ઞાન કે અવિદ્યાને કારણે તેનાં પર આવરણ છવાઈ જાય છે, જેને કારણે તે પરમ સત્ય સ્વરૂપ આનંદની અનુભૂતિ નથી થઈ શકતી. જગત અસત્ય, મિથ્યા, અસ્થિર, નાશવંત, ભ્રામક, ત્રિગુણાત્મક તથા પ્રપંચ આધારિત હોવાથી તેની સાથેની સંલગ્નતા સ્થપાતા આત્મા આચ્છાદિત રહે છે. આને પરિણામે જન્મ-મરણ અને સુખ-દુ:ખનું ચક્ર ચાલ્યાં કરે. સનાતની દર્શન અનુસાર સ્થાયી, શાશ્વત તેમજ પરમ આનંદ મેળવવા માટે આત્મજ્ઞાન - આત્માનુભૂતિ જ એકમાત્ર માર્ગ છે. અહીં પ્રકૃતિનાં કોઈપણ ગુણ કાર્યરત નથી હોતાં, આ એક નિર્વિકાર સ્થિતિ છે, જે સ્વયં-પ્રકાશિત અને સ્વયં-તૃપ્ત છે. આ પરમ આનંદ, પરમ સત્ય, પરમ ચિત્તનું ‘સચ્ચિદાનંદ’ સ્વરૂપ છે. સદગુરુના માર્ગદર્શન હેઠળ ‘હું કોણ છું’ તેની શોધ કરી, ભક્તિ દ્વારા ઈશ્વર સાથે પ્રેમ પૂર્ણ એકત્વ સ્થાપિત કરી, યોગ-ધ્યાન અને સાધના દ્વારા મનને નિયંત્રિત કરી પરમજ્ઞાનની ઉપલબ્ધિ મેળવી કે કર્મયોગ દ્વારા શુદ્ધતા અને પવિત્રતા પ્રાપ્ત કરી જે સ્થિતિને પામી શકાય તે જ પરમાનંદ છે. પરમાનંદ એટલે મોક્ષ, મુક્તિ, કૈવલ્યની સ્થિતિ જ્યાં જીવાત્મા બ્રહ્મના સ્વરૂપમાં લીન થઇ જાય છે અને જગતનાં સમગ્ર બંધન નાશ પામે.
શાને સાંભળી તેનું મનન - ચિંતન કરી તેનો અર્થ સમજવો પડે. સાક્ષીભાવ, સ્થિતપ્રજ્ઞતા તથા ગુણાતીતપણું પામવાં પડે. ઉદ્વેગ, આક્રોશ, ક્રોધ, અરુચિ જેવા આવેગને નિયંત્રિત કરવાં પડે. સમગ્ર સૃષ્ટિને બ્રહ્મના વિસ્તાર તરીકે ઓળખવી પડે. જાતનું વાસ્તવિક સ્વરૂપ સમજવું પડે. જ્ઞાનેન્દ્રિયો તેમજ મનની બાહ્યગતિ અટકાવી અંતરમાં પ્રવાસ કરવો પડે. ગીતાનાં કથન અનુસાર જેમ નદીઓ સતત સમુદ્રમાં આવી પડે છે, છતાં સમુદ્ર પોતાનો કિનારો, પોતાની મર્યાદા, પોતાની સીમા, પોતાનું નિયંત્રણ ન છોડી અચલ રહે છે, તેમ આત્મસ્થ વ્યક્તિ મનમાં ઉઠતા પ્રત્યેક આવેગને વશ ન થઈ પોતાની મર્યાદા જાળવી રાખી, પોતાની પરમાનંદ સ્થિતિમાં કાયમ રહે છે. આ જ સંપૂર્ણ શાંતિ અને પરમ આનંદની સ્થિતિ છે.
કહેવાય છે કે ‘બ્રહ્મવિધ બ્રહ્મૈવ ભવતિ’, અર્થાત્ બ્રહ્મને જ્ઞાનથી ઓળખનાર મનુષ્ય પોતે જ બ્રહ્મરૂપ થઈ જાય.
આ પરમાનંદની સ્થિતિમાં, નદીનાં પ્રવાહની જેમ વિષયો તો આવતાં રહે, પણ મન સમુદ્ર જેવું સ્થિર અને શાંત રહે. ગીતાના કથન પ્રમાણે આ સ્થિતિમાં ‘યોગી’ અંત:કરણમાં પ્રકાશની અનુભૂતિ થતાં અંત:કરણનો આનંદ પામે છે અને સ્વયં બ્રહ્મરૂપ બની બ્રહ્મ-નિર્વાણ પદ પ્રાપ્ત કરે. તૈત્તિરીય ઉપનિષદ અનુસાર પણ પરબ્રહ્મ આનંદસ્વરૂપ છે અને એ બ્રહ્મ સ્વરૂપનો રસ મેળવ્યા પછી જ આત્મા પરમાનંદિત થાય છે. છાંદોગ્ય ઉપનિષદ અનુસાર જે અનંત છે તેમાં જ પરમ આનંદ છે. સીમિત વસ્તુઓમાં કદી સાચો આનંદ નથી - જે અપરિમિત બ્રહ્મ છે, તેની પ્રાપ્તિમાં જ સાચો, પૂર્ણ અને પરમ આનંદ છે. મર્યાદિત, સીમિત, નશ્વર, અસ્થાયી, અનિત્ય તથા ભ્રામક વસ્તુઓથી જે ખુશી અનુભવાય છે તે સદાય અસ્થિર હોય. છે. અનંત બ્રહ્મ સાથે એકતા પ્રાપ્ત કર્યાં પછી જે આનંદ મળે છે, એ જ પરમાનંદ. જ્યાં સુધી બહારના વિષયોમાં, વિષયોના રસમાં ખુશી શોધવામાં આવે ત્યાં સુધી પરમ સ્થિતિ પ્રાપ્ત ન થઈ શકે. જ્યારે આત્માનંદ - બ્રહ્માનંદ પ્રાપ્ત થાય ત્યારે, તે જ, સાચો પરમાનંદ. તૈત્તિરીય ઉપનિષદ અનુસાર પણ પરબ્રહ્મ આનંદસ્વરૂપ છે. આ આનંદ પ્રાપ્ત થયાં પછી અન્ય કોઈપણ પ્રકારની પ્રાપ્તિની કામના શેષ ન વધે. આ પૂર્ણતાની સ્થિતિ છે, અહીંથી નથી આગળની કોઈ સ્થિતિ કે નથી આગળનો કોઈ માર્ગ.
આનંદ બહાર નહીં પણ અંદર ગોતવાનો છે. ત્યાં સુધી પહોંચવા માટે ધ્યાન, જપ, પ્રાર્થના, યોગ, સાધના, ભક્તિ, નિષ્કામ કર્મ, જ્ઞાન, આધ્યાત્મ, સત્સંગ, શા-અધ્યયન, ગુરુ-શબદ જેવા માધ્યમ ઉપયોગી થાય. અંદર તરફની ગતિ સ્થાપિત થાય તે માટે બહારની પરિસ્થિતિ પ્રત્યેનું દુર્લક્ષ આવશ્યક છે. આ માટે અભ્યાસ અને વૈરાગ્ય જરૂરી છે. આ પ્રયત્નો પરમાનંદ સ્થિતિ તરફ દોરી જાય. આ આનંદ પ્રાપ્ત થયાં પછી તેનો કદીયે નાશ ન થાય. આ આનંદ શાશ્વત છે, અખંડ છે, અનંત છે, પરમ છે, બ્રહ્મસ્થ છે અને તે જ સત્ય છે.
આશ્ર્ચર્યજનક વાત એ છે કે આ બધી બાબતો, આ સત્ય લગભગ બધાની જાણમાં છે, છતાં પણ તે દિશાનાં પ્રયત્નો જોવાં નથી મળતા. કારણ બહુ સ્પષ્ટ છે. અમુક બાબતો પર ધ્યાન જાય તે માટે અન્ય બાબતો પરથી ધ્યાન પાછું વાળવું પડે. નવી વસ્તુ ગ્રહણ કરવા માટે હાથમાં જે છે તે વસ્તુને નીચે મૂકવી પડે. સ્વભાવગત પ્રકૃતિ અને અનેક જન્મોનાં કુ-સંસ્કારને કારણે માનવી આમ નથી કરી શકતો. પ્રબળ પુરુષાર્થની આવશ્યકતા છે.