હેં... ખરેખર?! - પ્રફુલ શાહ
વિશ્વભરમાં પર્યટન ખૂબ બહોળો ધંધો છે. વિદેશી પ્રવાસીઓને આકર્ષવા મોટાભાગના દેશો અછોવાનાં કરવામાં થાકતા નથી, પરંતુ આમાં ચીન એક અપવાદ છે. પર્યટકો કે વેપારીઓ માટે ચીન આખો દેશ ખુલ્લો મૂકી દેતો નથી. આ કારણસર જ કદાચ ચીનના સાંસ્કૃતિક વારસા સમાન અનેક સ્થળો સુધી પ્રવાસીઓ પહોંચી શકતા નથી.
સંશોધનમાં માથું ખપાવતા ખાસ્સી રસપ્રદ યાદી મળે પણ અહિં ભૂગર્ભ ગુફા-ઘરો પર ફોકસ કરીએ. કલ્પના કરી જુઓ કે આવા ભૂગર્ભ ગુફા-ઘરોમાં જીવનના અનુભવ કેટલો રોમહર્ષક હોઇ શકે. અલબત, ચીનની અંદર ગુફાઓમાં વસવાટ કરવાનો ઇતિહાસ લગભગ પંદરસોથી બે હજાર વર્ષ જૂનો છે. આ ઉત્તર શાનસી પ્રાંત તથા લોસ પ્લેટો વિસ્તારની એક અનોખી પરંપરાગત સ્થાપત્ય શૈલી છે જેનું ઐતિહાસિક, વૈજ્ઞાનિક અને કલાત્મક મહત્ત્વ અત્યંત અદકેરું ગણાય.
Underground Dwellings તરીકે ઓળખાતા ભૂગર્ભ નિવાસસ્થાનો સદીઓથી ઉત્તર ચીનના લોસ પ્લેટો (Loess Plateau) વિસ્તારમાં છે. અહીં યાઓડોંગ (Yaodong) નામના ગુફા-ઘરો બનાવવામાં આવે છે. એની વિશિષ્ટતા એ છે કે તે શિયાળામાં ગરમ અને ઉનાળામાં ઠંડા રહે. આમાં તેમાં ડિકેંગયુઆન (Dikengyuan) એટલે કે જમીનમાં ધસાવેલા આંગણાવાળાં ઘરો પણ આવી જાય. આ જ પધ્ધતિનો આધાર લઇને ચીન હવે ભૂગર્ભ વિકાસનો શહેરીકરણ અને વ્યૂહાત્મક જરૂરિયાતો માટે પણ ઉપયોગ કરે છે. આનાં બે ઉદાહરણ એટલે ભૂગર્ભ બંકર અને અંડરગ્રાઉન્ડ હોટેલ.
સદીઓ અગાઉ આ વ્યવસ્થાના આરંભ થવા પાછળનાં કારણો અલપઝલપ જાણીએ. ઉત્તર ચીનના લોસ પ્લેટો વિસ્તારમાંની માટી ખોદકામ માટે અનુકૂળ છે.
આથી જમીનમાં 33 થી 39 ફૂટ ઊંડા ખાડા ખોદવામાં આવે છે. આનાથી કુદરતી રીતે મજબૂત દીવાલો મળી રહે. આ ભૂગર્ભ ઘરમાં ઓરડા, શયનકક્ષ અને સ્નાનગૃહ ઉપરાંત પશુઓ માટે જોગવાઈ હોય છે.
અન્ય વિશિષ્ટતામાં આવે ઊર્જાની બચત.
આવા ઘરો શિયાળામાં ગરમી (10ઓસે. જેટલી) અને ઉનાળામાં ઠંડક (20ઓસે.થી ઓછી) હોવાથી વીજળીનો વપરાશ ઓછો થાય.
અમુક ઐતિહાસિક દાવા મુજબ તો આ ભૂગર્ભ વસવાટો લગભગ 4000 વર્ષ જૂના છે. મિંગ તથા ચિંગ શાસનકાળ દરમિયાન તે ખૂબ વિશેષ લોકપ્રિય બન્યા હતા.
હેનાન વિસ્તારના સાનમેનશિયા શહેરમાં 100થી વધુ ભૂગર્ભ ગામો અને હજારો ભૂગર્ભ આંગણાં છે. એક પરિવારને ભૂગર્ભ ગુફા-ઘર બનાવવા માટે 67 મીટર સુધી ખોદકામ અને મરામત કરવા બે થી ત્રણ વર્ષ લાગે છે. આટલી જહેમત બાદ આ ઘર સેંકડો વર્ષો સુધી ટકે છે. શાનશિયન શહેરના રેનમા ગામ અને મિયાઓશાંગ ગામમાં સૌથી સારી રીતે સંરક્ષિત ગુફા-ઘરો છે, જેમાંથી કેટલાક 200 વર્ષથી વધુ જૂના છે. આમાં છ પેઢીઓથી વસવાટ થાય છે. આ ઓછી કિંમતમાં બનેલાં ઘરો છે. ગુફામાં પ્રવેશ કરવા માટે 10 મીટરથી વધુ લાંબી સુરંગમાંથી પસાર થવું પડે છે.
હવે ચીન આ સાંસ્કૃતિક વારસાનો
આધુનિક ભૂગર્ભ વિકાસમાં સામેલ કરી રહ્યું છે. મોટાં શહેરોમાં રહેઠાણની અછત પૂરી કરવા માટે ભૂગર્ભ મેટ્રો રેલ, પાર્કિંગ વગેરે બનાવાય છે. એટલું જ નહિ, મહાન ભૂગર્ભ દીવાલ (Underground Great Wall)તરીકે ઓળખાતી લગભગ 5,000 કિમી લાંબી ટનલ નેટવર્ક આંતરખંડીય મિસાઇલ્સને છુપાવવા અને સુરક્ષિત રાખવા માટે બનાવાઇ છે. આ સંરક્ષણાત્મક અને વ્યૂહાત્મક ઉપયોગ ઉપરાંત શાંઘાઈમાં ખાણની અંદર ભૂગર્ભ હોટેલ છે, જેના જમીનની નીચે 16 માળ છે આ આધુનિક એન્જિનિયરિંગનું ઉત્તમ ઉદાહરણ છે.
એટલું જ નહિ, પાટનગર બેઈજિંગ જેવાં મહાનગરોમાં જૂના બંકરોનો પણ રહેઠાણ તરીકે ઉપયોગ થાય છે.
પ્રાચીન અને અર્વાચીનનો સુભગ સમન્વય અનુકરણીય છે. આ પ્રાકૃતિક માહોલ સાથે આધુનિક એન્જિનિયરિંગ તથા શહેરી આયોજનનું ફ્યુઝન પ્રશંસનીય ગણાય જ ને?