નિલેશ વાઘેલા
ભારતમાં ઇન્ફ્લેશન એટલે કે લોકભાષામાં મોંઘવારીનો દર માપવા માટે ઉપયોગમાં લેવાતો ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) હવે 2024ને આધાર વર્ષ બનાવી નવી શ્રેણી સાથે રજૂ થયો છે. આધાર વર્ષમાં ફેરફાર કોઈ ટેક્નિકલ પ્રક્રિયા જેટલું સરળ નથી; કારણ કે તે સામાન્ય લોકોની ખરીદ શક્તિ, પગાર વધારો, મોંઘવારી ભથ્થું, વ્યાજ દરો અને સરકારી નીતિઓને સીધી અસર કરે છે.
નવા સીપીઆઇના સૌપ્રથમ ડેટામાં જાન્યુઆરી માટે સીપીઆઇ ઇન્ફ્લેશન 2.75 ટકા જાહેર થયો છે. નવી શ્રેણીમાં કવરેજ 299થી વધારીને 358 વસ્તુઓ સુધી વિસ્તર્યું છે, જેમાં 308 ચીજવસ્તુ ઓ અને 50 સર્વિસિસનો સમાવેશ થાય છે. આ માટે હવે 1,465 ગ્રામીણ અને 1,395 શહેરી બજારો તેમજ 12 ઓનલાઈન બજારોમાંથી પ્રાઇસ ડેટા એકત્રિત કરવામાં આવે છે.
નવી સીપીઆઇ શ્રેણી વર્ગીકરણને છ જૂથોથી 12 જૂથોમાં વિસ્તૃત કરે છે, જેમાં ઘણી સ્વતંત્ર શ્રેણીઓ ઉમેરી છે. નવા માળખામાં સિલ્વર, ગોલ્ડ, ડાયમંડ જ્વેલરી, ઓનલાઇન મિડિયા અને સ્ટ્રીમીંગ સર્વિસિસ સહિતની નવી આઇટમો ઉમેરવામાં આવી છે, તો બીજી તરફ કાંદા, બટાટા અને ટામેટાનું વેઇટેજ ઘટાડવામાં આવ્યું છે!
સવાલ એ છે કે આ નવી સીપીઆઇ શ્રેણીના અમલને કારણે સામાન્ય નાગરિકના જીવનમાં શું પરિવર્તન લાવશે? સૌપ્રથમ, આધાર વર્ષ બદલવાનું કારણ સમજવું જરૂરી છે. સમય સાથે લોકોના ખર્ચના માળખામાં ફેરફાર આવે છે. આજે શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં મોબાઇલ ડેટા, ઑનલાઇન સેવાઓ, હેલ્થકેર, શિક્ષણ અને પરિવહન પરનો ખર્ચ વધી રહ્યો છે.
2012 આધાર વર્ષવાળી જૂની સીપીઆઇ શ્રેણી હવે વર્તમાન વપરાશની હકીકતને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરતી નથી. તેથી 2024 આધાર વર્ષ સાથે નવી વેઇટેજ પદ્ધતિ અને વસ્તુ-સેવાઓની બાસ્કેટ અપડેટ કરવી તર્કસંગત છે. પરંતુ જનતા માટે મુખ્ય ચિંતા એ છે કે આ ફેરફાર મોંઘવારીનો સત્તાવાર આંકડો ઓછો દેખાડવાનો પ્રયાસ તો નથી ને?
જ્યારે રસોડામાં શાકભાજી, દૂધ, ગેસ સિલિન્ડર, ભાડું અને દવાઓના ભાવ સતત વધતા હોય, ત્યારે જો સત્તાવાર સીપીઆઇ દર નિયંત્રિત દેખાય તો લોકોમાં વિશ્ર્વાસનો અભાવ સર્જાય છે. મોંઘવારી માત્ર આંકડો નથી; તે દરરોજની જીવનશૈલીનો અનુભવ છે. નવી સીપીઆઇ શ્રેણીમાં ખાદ્ય પદાર્થોનું વેઇટેજ થોડું ઘટે અને સેવાઓનું વેઇટેજ વધે તેવી શક્યતા છે, કારણ કે દેશની આવક અને જીવનસ્તર વધતાં લોકો સેવાઓ પર વધુ ખર્ચ કરે છે.
જોકે, ગ્રામીણ અને ઓછી આવક કમાનારા વર્ગ માટે ખાદ્ય પદાર્થો હજી પણ કુલ ખર્ચનો મોટો ભાગ છે. જો વેઇટેજમાં ફેરફારથી ખાદ્ય પદાર્થોની મોંઘવારી (ફૂડ ઇન્ફ્લેશન)નો પ્રભાવ ઓછો દેખાડાય, તો તે સામાજિક અસમાનતાને અદ્રશ્ય બનાવવાની જોખમી દિશામાં જઈ શકે છે. આ સાથે એક મહત્વનો મુદ્દો એ છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પોતાની મોનેટરી પોલિસી માટે સીપીઆઇને મુખ્ય સૂચક તરીકે ઉપયોગ કરે છે.
વ્યાજ દર નક્કી કરતી વખતે મોંઘવારીનો દર કેન્દ્ર સ્થાને હોય છે. જો નવી સીપીઆઇ શ્રેણી હેઠળ મોંઘવારીનો દર નીચો દેખાય, તો વ્યાજ દરોમાં રાહત મળી શકે. હોમ લોન, વ્હીકલ લોન અને ઉદ્યોગોને તેનો ફાયદો થાય. પરંતુ જો વાસ્તવિક મોંઘવારી ઊંચી હોય અને આંકડાકીય રીતે નીચી દેખાય, તો બચતકારોને નકારાત્મક વાસ્તવિક વ્યાજ દરનો સામનો કરવો પડી શકે.
સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ (મોંઘવારી ભથ્થું) સીપીઆઇ સાથે જોડાયેલું છે. નવી શ્રેણી હેઠળ ડીએની ગણતરીમાં ફેરફાર આવે તો સીધો અસર લાખો પરિવારો પર પડશે. તેથી લોકો સમજી શકે કે કેવી રીતે વેઇટેજ બદલાયા, કઈ નવી વસ્તુઓ ઉમેરાઈ અને કઈ કાઢી નાખાઈ, તેની પારદર્શિતા અને સ્પષ્ટતા અતિઆવશ્યક છે. જનતાના દૃષ્ટિકોણથી સૌથી અગત્યનું છે વિશ્વસનીયતા. જો આંકડાઓ પર વિશ્વાસ રહેશે, તો નીતિઓ પર વિશ્વાસ વધશે. નહીંતર આંકડાઓમાં વિકાસ અને જીવનમાં સંઘર્ષ વચ્ચે અંતર વધશે.
નવી સીપીઆઇ શ્રેણી રજૂ કરતી વખતે સરકારે અને આંકડા એજન્સીએ ઓપન સિસ્ટમ, સેમ્પલ સાઇઝ અને ડેટા સંગ્રહની પ્રક્રિયા જાહેર કરવી જોઈએ. આખરે, આધાર વર્ષ બદલવું સમયોચિત પગલું છે. અર્થતંત્ર ગતિશીલ છે અને આંકડાઓ પણ સમયસર અપડેટ થવા જોઈએ. પરંતુ કોઈ પણ આંકડો ત્યારે જ અર્થપૂર્ણ બને, જ્યારે તે સામાન્ય નાગરિકના અનુભવ સાથે મેળ ખાતો હોય.
2024 આધાર વર્ષની નવી સીપીઆઇ શ્રેણી જો વાસ્તવિક જીવનના ખર્ચને પ્રામાણિક રીતે દર્શાવે, તો તે નીતિનિર્માણને વધુ અસરકારક બનાવશે. નહીંતર તે માત્ર એક નવો આંકડો બની રહેશે, જે કાગળ પર મોંઘવારી ઘટાડે, પરંતુ થાળીમાં નહીં. મોંઘવારીનો પ્રશ્ર્ન માત્ર અર્થશાસ્ત્રનો વિષય નથી; તે વિશ્વાસનો વિષય છે.
નવી સીપીઆઇ શ્રેણી એ વિશ્વાસ મજબૂત કરે છે કે નહીં, તેનો જવાબ આગામી મહિનાઓમાં લોકોના અનુભવ આપશે. વધુ એક પાસું એ પણ છે કે નવી સીપીઆઇ શ્રેણી શહેર અને ગામડાં વચ્ચેના ખર્ચના અંતરને વધુ સ્પષ્ટ રીતે દર્શાવશે કે નહીં! છેલ્લા દાયકામાં શહેરીકરણ ઝડપી થયું છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં આવકની ગતિ એ જ પ્રમાણમાં વધી નથી.
જો આંકડાકીય રીતે બંને વિસ્તારોને સમાન રીતે રજૂ કરવામાં આવે, તો હકીકતમાં રહેલી અસમાનતા ધૂંધળી બની શકે છે. જનતા ઈચ્છે છે કે અલગ-અલગ આવકવર્ગ અને પ્રદેશ મુજબ મોંઘવારીનું ચિત્ર સ્પષ્ટ દેખાય. ડિજિટલ અર્થતંત્રના વધતા પ્રભાવને પણ ધ્યાનમાં લેવું જરૂરી છે.
ઓટીટી સબ્સ્ક્રિપ્શન, ડિજિટલ પેમેન્ટ ચાર્જ, ઑનલાઇન શિક્ષણ અને હેલ્થ ક્ધસલ્ટેશન હવે ઘરના બજેટનો ભાગ બની ગયા છે. નવી બાસ્કેટમાં આવા ખર્ચનો સમાવેશ થવાથી સીપીઆઇ વધુ આધુનિક બનશે. પરંતુ સાથે સાથે પરંપરાગત ખર્ચ-અનાજ, તેલ, મસાલા જેવી ચીજોને યોગ્ય મહત્વ મળે તે પણ જરૂરી છે.
સરકાર માટે આ તક છે કે તે આંકડાકીય સુધારાને વિશ્ર્વાસના સુધારામાં બદલે. ખુલ્લી ચર્ચા, નિષ્ણાતોની સલાહ અને નિયમિત સમીક્ષા દ્વારા સીપીઆઇને જીવંત દસ્તાવેજ બનાવવો જોઈએ. કારણ કે અંતે, મોંઘવારીનો દર ફક્ત નીતિનિર્માતાઓ માટેનો સૂચક નથી; તે સામાન્ય પરિવારના માસિક બજેટનું પ્રતિબિંબ છે.
જો નવી સીપીઆઇ શ્રેણી લોકોના અનુભવને વધુ નજીકથી પકડશે, તો તે અર્થવ્યવસ્થામાં પારદર્શિતા અને જવાબદારી વધારશે. નહીંતર, તે માત્ર પદ્ધતિનો ફેરફાર બની રહેશે. જોકે, હાલ તો બધું રંધાઇ ગયું હોવાથી આપણે માત્ર નિયમિત સમીક્ષાની અપેક્ષા રાખી શકાય. જનતાની અપેક્ષા સ્પષ્ટ છે-આંકડાની માયાજાળ કે આભાસ ના ઊભો કરે, વાસ્તવિક ચિત્ર રજૂ થાય એવી પદ્ધતિ અપનાવો!