ભુજઃ કચ્છના પ્રવેશદ્વાર સમાન સૂરજબારી ટોલનાકા પર સ્થાનિક વાહનોને ફ્રી પાસ આપવાના વચનનો ભંગ થતાં જુના કટારીયા અને શિકારપુર ગામના લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ટોલ પ્રશાસન દ્વારા સ્થાનિકોની કારો માટેના ફ્રી પાસ ઈસ્યૂ ન કરાતા અને સંતોષકારક જવાબ ન મળતાં ઉશ્કેરાયેલા ગ્રામજનોએ અત્યંત વ્યસ્ત ધોરીમાર્ગ પર બેસીને ચક્કાજામ સર્જ્યો હતો. આ આંદોલનના કારણે સતત ત્રણ કલાક સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામ સર્જાતાં અફરાતફરીનો માહોલ સર્જાયો આખરે સ્થાનિક પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો.
ઘટનાની વિગત મુજબ, અગાઉ ટોલ કંપની દ્વારા એવો વાયદો કરવામાં આવ્યો હતો કે ટોલનાકાની ૧૬ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા સ્થાનિક ગામોના ખાનગી વાહનોને ફ્રી પાસ આપવામાં આવશે. આ સંદર્ભે આજુબાજુની ગ્રામ પંચાયતો મારફતે સ્થાનિક વાહનચાલકોની આર.સી. બુક અને ઓળખપત્રો જેવા જરૂરી દસ્તાવેજો પણ મગાવવામાં આવ્યા હતા. જો કે, લાંબો સમય વીતવા છતાં કોઈને ફ્રી પાસ ઈસ્યૂ કરવામાં આવ્યા નહોતા. આ મુદ્દે જુના કટારીયાના સરપંચ હેમુદાન ગઢવી અને શિકારપુરના સામાજિક અગ્રણી માનાભાઈ રબારીની આગેવાનીમાં ગ્રામજનોએ ટોલ અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.
ટોલ કંપની તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતાં સ્થાનિકો ધોરીમાર્ગ પર જ ધરણા પર બેસી ગયા હતા. ચક્કાજામના પગલે વાહનોની અવરજવર થંભી જતાં પોલીસે ઘટનાસ્થળે દોડી આવવું પડ્યું હતું. જુના કટારીયાના સરપંચ હેમુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ટોલના અધિકારીઓએ હાલમાં સ્થાનિક ગામોના નાના ખાનગી વાહનોને ચાર્જ વગર પસાર થવા દેવાની મૌખિક બાંહેધરી આપતાં ચક્કાજામ સંતોષપૂર્વક સમેટી લેવાયો હતો. જો કે, તેમણે ચીમકી પણ આપી હતી કે જો ભવિષ્યમાં લોકલ વાહનોને ફરી હેરાન કરાશે તો આજુબાજુના તમામ ગામલોકો હાઈવે પર ઉતરી આવી ઉગ્ર આંદોલન કરશે.
બીજી તરફ, સૂરજબારી ટોલ પ્લાઝાના અધિકારી મુકેશકુમારે આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, કંપનીની કમ્પ્યુટર સિસ્ટમમાં કોઈ પણ વાહનને મફત જવા દેવાની જોગવાઈ નથી. સરકારી નિયમોનુસાર સ્થાનિક લોકો માટે મહિને રૂ.૩૬૦નો લોકલ પાસ ઈસ્યૂ કરવામાં આવ્યો છે અને સ્થાનિકોએ આ પાસ લેવો ફરજિયાત રહેશે.
ટોલ કંપનીના આ વલણ સામે ભારે નારાજ સ્થાનિક વાહનચાલકોનું કહેવું છે કે, મોટાભાગના ગ્રામજનોને મહિનામાં માંડ એક કે બે વખત જ સામાજિક કે વ્યવસાયિક કામ અર્થે આ ટોલનાકા પરથી પસાર થવાનું હોય છે. આવા સંજોગોમાં દર મહિને રૂ.૩૬૦નો પાસ લેવો તેમને આર્થિક રીતે પરવડે તેમ નથી. ગ્રામજનોએ માંગ કરી છે કે સામખિયાળી ટોલનાકાની જેમ જ સૂરજબારી પર પણ સ્થાનિકો માટે ટ્રીપ દીઠ માત્ર એક રૂપિયો લેવાની સિસ્ટમ લાગુ કરવામાં આવે, જેથી વાહનચાલકો પર આર્થિક બોજ ન પડે.
(ઉત્સવ વૈદ્ય)