મુંબઈઃ વલસાડ જિલ્લાના ઉમરગામ પાસે ભિલાડ રેલવે સ્ટેશન નજીક આજે વહેલી સવારે મેમુ ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ હતી, પરિણામે મુંબઈથી અમદાવાદ વચ્ચેનો ટ્રેનવ્યવહાર ખોરવાયો હતો. સવારના વિરારથી ભરૂચ જઈ રહેલી આ ટ્રેન અચાનક પાટા પરથી ઊતરી જતા થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. આ ટ્રેન ભિલાડ સ્ટેશનના પહેલા નંબરના પ્લેટફોર્મ પર આવીને ઊભી રહે એ પહેલા જ ટ્રેક પરથી ખસી ગઈ હતી. એન્જિન પાટા પરથી ઊતરી ગયું હતું. ચાલુ પ્રવાસ દરમિયાન પ્રવાસીઓને મોટો આંચકો આવ્યો હતો. આ કારણે ટ્રેનમાં બેઠેલા મુસાફરોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
સદનસીબે કોઈ પ્રકારની જાનહાનિ ન થતા લોકોને હાશકારો થયો છે. ટ્રેનની સ્પીડ ધીમી હોવાને કારણે મોટી ઘટના બનતી અટકી ગઈ હતી. લગભગ પાંચેક કલાકને અંતે ટ્રેનવ્યવહાર પૂર્વવત્ થયો હતો, પરંતુ પ્રવાસીઓને પારાવાર હાલાકી પડી હતી.
કોઈ જાનહાનિ નહીં
આ ઘટનામાં કોઈ પ્રકારની કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી અને જાનહાનિ થઈ નથી. વહેલી સવારે જ્યારે વિરાર-ભરૂચ ટ્રેન ભિલાડ સ્ટેશને પહોંચી એ સમયે પ્લેટફોર્મ પર તે સ્ટોપ થાય એ પહેલા જ એનું એન્જિન પાટા પરથી ઊતરી ગયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. રેલવે પોલીસ અને ટેકનિકલ એન્જિનીયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. રેલવે તંત્રએ રેલ ક્રેઈન અને જરૂરી ટેકનિકલ મદદથી યુદ્ધા ધોરણે એન્જિન પાટા પર લગાવ્યું હતું. આવું ટેકનિકલ ખામીને કારણે થયું કે અન્ય કારણોસર એ અંગે રેલવે વિભાગ તપાસ કરી રહ્યો છે. આ અકસ્માતને કારણે લગભગ પાંચેક કલાક સુધી મુંબઈ-અમદાવાદ વચ્ચેના રેલવે વ્યવહારને આંશિક ધોરણે બંધ રાખવાની ફરજ પડી હતી, જેમાં અનેક ટ્રેનો મોડી પડવાને કારણે પ્રવાસીઓને ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી.
લાંબા અંતરની ટ્રેનને અસર
પ્લેટફોર્મ અને ટ્રેક બન્નેને અસર થવાના કારણે મોટી અને લાંબા અંતરની ટ્રેન અટવાઈ ગઈ હતી. અન્ય ટ્રેક પર દોડતી ટ્રેન પણ વિલંબથી ચાલતી હતી, જ્યારે આ જ રૂટ પરની કેટલીક ટ્રેન બેથી અઢી કલાક સુધી મોડી પડી હતી. મુંબઈ તરફથી આવતા અને ગુજરાતથી જતી અન્ય ટ્રેનને પણ અસર થઈ ગઈ હતી. વંદેભારત એક્સપ્રેસ તથા શતાબ્દી એક્સપ્રેસ, ગુજરાત એક્સપ્રેસ, વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ જેવી અનેક ટ્રેન પોતાના નિશ્ચિત સમય કરતા મોડી પડી છે. આ કારણે વહેલી સવારે મુંબઈ જતા અને અન્ય શહેરમાં અપડાઉન કરતા પ્રવાસીઓ અટવાયા હતા. નોકરિયાત, વેપારીઓ, વિદ્યાર્થીઓએ લાંબા સમય સુધી ફસાયા હતા તો કેટલાક પ્લેટફોર્મ પર બેસી રહ્યા હતા. ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.