Tue Jul 28 2026

Logo

માંજલપુરમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ સીધી ટક્કર! 2.19 લાખ મતદારો કરશે ભાવિનો ફેંસલો

2026-07-28 19:18:47
Author: Devayat Khatana
Article Image

વડોદરા:  જિલ્લાની માંજલપુર વિધાનસભા મતવિસ્તારની આગામી પેટાચૂંટણી માટે 30 જુલાઇના રોજ મતદાન થવાનું છે. ત્યારે આ મતદાન પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સમગ્ર વિધાનસભા મતવિસ્તારના કુલ 2,19,494 મતદારો હરિફ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બેઠક પર ભાજપના અને કોંગ્રેસના એમ કુલ બે જ ઉમેદવારો હરીફાઈમાં છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર 60.15 ટકા મતદાન નોંધાયું હતું.

મળતી વિગતો અનુસાર આ બેઠકના મતવિસ્તારમાં કુલ 2,19,494 મતદારો નોંધાયેલા છે, જેમાં 1,11,645  પુરુષ મતદારો, 1,07,847 મહિલા મતદારો અને 2 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે.  તે ઉપરાંત 1634  દિવ્યાંગ મતદારો, 1406 વરિષ્ઠ નાગરિકો અને 12 મતદારો 100 વર્ષથી વધુની ઉંમરના નોંધાયેલા છે. 

260 પૈકી 2 મહિલા સંચાલિત, 

સમગ્ર વિધાનસભા મતવિસ્તારમાં કુલ 62 સ્થળો પર 260 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં દરેક મતદાન મથક સરેરાશ 844 મતદારોને આવરી લેવાયા છે. તમામ 260 મતદાન મથકો પર રેમ્પ, પીવાનું પાણી, વીજળી, શૌચાલય જેવી પાયાની સુવિધાઓ  ઉપલબ્ધ કરાવવામાં આવી છે.  2 મતદાન મથકો સંપૂર્ણપણે મહિલા સ્ટાફ દ્વારા અને ૨ મતદાન મથકો દિવ્યાંગ સ્ટાફ દ્વારા સંચાલિત રહેશે જ્યાં વ્હીલચેર સહિતની જરૂરી સુવિધાઓ રહેશે. તમામ ૨૬૦ મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટિંગ અને સીસીટીવી કવરેજ કરવામાં આવશે. 

કયા પુરાવા રહેશે માન્ય?

મતદાન માટે ચૂંટણીકાર્ડના વૈકલ્પિક પુરાવા તરીકે ચૂંટણી પંચ દ્વારા માન્ય કરેલા 12 દસ્તાવેજો એટલે કે, આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક અથવા પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક,  શ્રમ મંત્રાલયની યોજના અન્વયે આપવામાં આવેલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ/આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ,  NPR અન્વયે આરજીઆઈ દ્વારા અપાતા સ્માર્ટ કાર્ડ સહિતના પુરાવા માન્ય રહેશે.