(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત સરકારે રાજ્યના શારીરિક અને મનો-દિવ્યાંગજનોના સુરક્ષિત પરિવહન, આત્મનિર્ભરતા અને સુગમતાને પ્રોત્સાહન આપવા માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા દિવ્યાંગજનો માટે સાઇડકાર જોડાયેલી મોટરસાઇકલના રજિસ્ટ્રેશન અને તેમાં જરૂરી ફેરફારો કરવા અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી દિવ્યાંગજનો સરળતાથી હરી-ફરી શકશે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. ખાસ કરીને મનો-દિવ્યાંગ વ્યક્તિઓ માટે પણ આ પરિપત્રમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. નિયમ મુજબ, મનો-દિવ્યાંગ વ્યક્તિના વાહનનું સંચાલન ફક્ત તેમના કાયદેસરના વાલી અથવા તેમની સંમતિ ધરાવતી અધિકૃત વ્યક્તિ જ કરી શકશે અને તે વાહનચાલક પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું અત્યંત ફરજિયાત છે.
મળતી વિગતો અનુસાર, સરકારની આ નવી જોગવાઈઓમાં દિવ્યાંગજનોની માર્ગ સુરક્ષા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તે મુજબ, સાઇડકાર વાળી મોટરસાઇકલની મહત્તમ ઝડપ 40 કિમી/કલાકથી વધુ ન હોવી જોઈએ. મુસાફરી દરમિયાન વાહનચાલક અને સાઇડકારમાં બેઠેલા મુસાફર બંને માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત, સાઇડકારમાં યોગ્ય સીટ બેલ્ટ કે સેફ્ટી કવર અને વાહન માટે થર્ડ પાર્ટી રિસ્ક કવર સાથેની માન્ય કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પોલિસી હોવી પણ અનિવાર્ય છે. તમામ આરટીઓ અને એઆરટીઓ કચેરીઓએ મોટર વ્હીકલ એક્ટ, 1988 અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. મોડિફાઇડ વાહનથી વાહનચાલક કે માર્ગ પરના અન્ય લોકોની સલામતી જોખમાય નહીં તે સુનિશ્ચિત કરવા રજિસ્ટ્રેશન કે ફેરફારની મંજૂરી આપતા પહેલા વાહનનું સઘન ભૌતિક નિરીક્ષણ કરવામાં આવશે.