(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દિવસે દિવસે મોંઘવારીમાં વધારો થઈ રહ્યો છે, જેમાં અગાઉ દૂધના ભાવમાં વધારા પછી આગામી મહિનાથી પરિવહન ક્ષેત્રે મુંબઈગરાના ખિસ્સા પર ભારણ વધશે. મુંબઈ મહાનગર પ્રદેશ (એમએમઆર)માં કાળી પીળી રિક્ષા અને ટેક્સી પર નિર્ભર રહેનારા નાગરિકોને મોંઘવારીનો વધુ એક ફટકો પડશે.
મુંબઈ મહાનગર પ્રદેશ પરિવહન પ્રાધિકરણ (એટલે કે એમએમઆરટીએ)એ રિક્ષા અને કાળી-પીળી ટેક્સીના લઘુતમ ભાડામાં વધારાને મંજૂરી આપી છે, જે મુજબ પહેલા દોઢ કિલોમીટર માટે રિક્ષાનું ભાડું 26થી વધીને 27 રૂપિયા અને ટેક્સીનું ભાડું 31થી વધીને 33 રૂપિયા કરાશે. આગામી થોડા અઠવાડિયામાં નોટિફિકેશન જાહેર થયા બાદ નવા દરો લાગુ થવાની શક્યતા છે.
મુંબઈ મહાનગર પ્રદેશ પરિવહન પ્રાધિકરણ એટલે કે એમએમઆરટીએએ નવા ભાડા દરને મંજૂરી આપી દીધી છે. નવા દર મુજબ રિક્ષાનું મિનિમમ ભાડું 26 રૂપિયાથી વધીને 27 રૂપિયા થશે, જ્યારે કાળી-પીળી ટેક્સીનું મિનિમમ ભાડું 31 રૂપિયાથી વધીને 33 રૂપિયા થઈ જશે. આ બંને દર પહેલા 1.5 કિલોમીટર માટે લાગુ પડશે.
આ નિર્ણય અધિક મુખ્ય સચિવ સંજય સેઠીની અધ્યક્ષતામાં મળેલી એમએમઆરટીએની બેઠકમાં લેવામાં આવ્યો. નોટિફિકેશન જાહેર થયા બાદ આગામી થોડા અઠવાડિયામાં જ નવા દર લાગુ થઈ જશે.
આ ભાડા વધારા માટેનું કારણ જણાવતા અધિકારીઓએ માહિતી આપી હતી કે સીએનજી, પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે ઓટો અને ટેક્સી ચાલકોનો ખર્ચ વધી ગયો છે. એટલે ભાડાવધારો જરૂરી હતો.
ઉલ્લેખનીય છે કે રિક્ષા-ટેક્સી સંગઠનો ઘણા મહિનાઓથી ભાડાવધારાની માંગ કરી રહ્યા હતા. મે મહિનામાં મહાનગર ગેસ લિમિટેડ એટલે કે એમજીએલએ સીએનજીનો ભાવ 86 રૂપિયા પ્રતિ કિલો કરી દીધા બાદ મુંબઈ રિક્ષા મેન્સ યુનિયને પ્રતિ કિલોમીટર 1.12 રૂપિયા વધારાની માંગ કરી હતી.
આ ભાડાવધારો 2017ની બી. સી. ખટુઆ સમિતિની ભલામણો મુજબ કરવામાં આવ્યો છે. સમિતિ ઈંધણના ભાવ, ગાડીનો ખર્ચ, લોનનું વ્યાજ, ગ્રાહક ભાવાંક અને સરકારી ટેક્સ જેવા મુદ્દાઓને ધ્યાને રાખીને ભાડું નક્કી કરે છે.
આ પહેલા ફેબ્રુઆરી 2025માં રિક્ષા અને ટેક્સીના મિનિમમ ભાડામાં 3-3 રૂપિયાનો વધારો થયો હતો. તે પહેલા ઓક્ટોબર 2022 અને માર્ચ 2021માં પણ ભાડું વધારવામાં આવ્યું હતું. અને ફરી એક વાર ભાડું વધતા મુંબઈગરાના ખિસ્સા પર તેની સીધી અસર જોવા મળશે.