Sat Sep 05 2026

Logo

રક્ષાબંધન-જન્માષ્ટમી નિમિત્તે મુસાફરો માટે રાજકોટ ડિવિઝન દ્વારા આગોતરું આયોજનઃ તહેવારોમાં દોડાવશે આટલી એક્સ્ટ્રા બસ

2026-08-21 19:25:00
Author: Devayat Khatana
રક્ષાબંધન-જન્માષ્ટમી નિમિત્તે મુસાફરો માટે રાજકોટ ડિવિઝન દ્વારા આગોતરું આયોજનઃ તહેવારોમાં દોડાવશે આટલી એક્સ્ટ્રા બસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના તહેવાર પર મુસાફરોની વધતી ભીડને પહોંચી વળવા રાજકોટ એસટી ડિવિઝન દ્વારા વધારાની બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. એસટી વિભાગના જણાવ્યા અનુસાર, આ તહેવારોની સીઝન દરમિયાન 66 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો તહેવારોની સીઝનમાં મુસાફરોને લાભ મળી રહેશે. 

હાલ રાજકોટ એસટી ડિવિઝન હેઠળ 485 બસો કાર્યરત છે. તહેવારો દરમિયાન અમદાવાદ, સુરત, ભાવનગર, ભુજ, દાહોદ સહિતના વિવિધ શહેરો અને મહત્વના રૂટ પર મુસાફરોની સંખ્યા વધવાની શક્યતા હોવાથી ટ્રાફિકને અનુરૂપ વધારાની બસો ફાળવવામાં આવશે તેમ એસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

રાજકોટ ડિવિઝન હેઠળના રાજકોટ ડેપોથી 17, ગોંડલથી 10 અને જસદણથી 5 એક્સ્ટ્રા બસ દોડશે. જ્યારે મોરબી ડેપોથી 10 અને વાંકાનેરથી 5 બસનું આયોજન કરવામાં આવશે. સુરેન્દ્રનગર ડેપોથી 10, ધ્રાંગધ્રાથી 5 અને ચોટીલાથી 3 વધારાની બસો મુસાફરોની સુવિધા માટે મુકવામાં આવશે. આ ઉપરાંત ભાવનગર, સુરત, જામનગર, ભુજ અને દાહોદ સહિતના મુસાફરીના મુખ્ય રૂટ પર પણ જરૂરિયાત મુજબ બસોની ફાળવણી કરવામાં આવશે.

મળતી વિગતો અનુસાર, રક્ષાબંધનના તહેવાર દરમિયાન 26થી 30 ઓગસ્ટ અને જન્માષ્ટમીએટલે કે સાતમ-આઠમ દરમિયાન 2થી 7 સપ્ટેમ્બર સુધી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં ગોકુળ આઠમ સહિતના દિવસોમાં  વતન જવા અને પરત ફરતા મુસાફરોની સંખ્યા સામાન્ય દિવસોની સરખામણીએ નોંધપાત્ર રીતે વધતી હોય છે. આ માટે તહેવારોના દિવસોમાં હજારો મુસાફરોએ લાભ મળી રહે તે માટે એસટી વિભાગે આગોતરું આયોજન કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.