Tue Sep 08 2026

Logo

બંગાળમાં તહેવારો પૂર્વે ખાંડના ભાવ વધીને કિલોદીઠ રૂ. 70, ગોળ પણ મોંઘો

2026-08-21 19:37:43
Author: Ramesh Gohil
બંગાળમાં તહેવારો પૂર્વે ખાંડના ભાવ વધીને કિલોદીઠ રૂ. 70, ગોળ પણ મોંઘો

કોલકતાઃ બંગાળમાં તહેવારોની મોસમ પૂર્વે કોલકતાની બજારમાં ખાંડના ભાવ વધીને કિલોદીઠ રૂ. 70ની સપાટીએ પહોંચ્યા છે તેમ જ ગોળના ભાવ પણ વધી આવ્યા છે. 

છેલ્લા એક મહિનમાં ખાંડના ભાવમાં કિલોદીઠ રૂ. 20નો ઉછાળો આવ્યો છે અને છેલ્લા ચારથી પાંચ દિવસમાં જ ભાવમાં 10 ટકાનો ઝડપી ઉછાળો નોંધાયો હોવાનું ટ્રેડરોએ જણાવતાં ઉમેર્યું હતું કે શેરડીની આડપેદાશો જેમ કે ગોળ અને ખાંડની આડપેદાશ જેમ કે ખાંડ ઉપરાંત તેની આડપેદાશો જેમ કે બતાસા અથવા પતાસા અને નકુલદાણા (સાકરદાણા)નાં ભાવમાં પણ તેવો જ ઉછાળો આવ્યો છે. 

નોંધનીય બાબત એ છે કે ગત ગુરુવારે કેન્દ્ર સરકારે એક દાયકા પૂર્વે લીધેલા પગલાંની જેમ ખાંડ મિલોને 10 લાખ ટન કાચી ખાંડ આયાત કરવાની પરવાનગી આપી છે, પરંતુ તેની રિટેલ બજાર પર અસર થતાં સમય લાગશે, એમ ટ્રેડરોએ જણાવ્યું હતું. વધુમાં સરકારે બલ્ક વપરાશકારો માટેની સ્ટોક મર્યાદા 15 દિવસની વપરાશી માગ જેટલી નિર્ધારિત કરી છે જેથી ભાવ અંકુશમાં રાખી શકાય. 

કોન્ફેડરેશન ઑફ વેસ્ટ બેંગાલ ટ્રેડ એસોસિયેશનના પ્રમુખ સુશીલ પોદ્દારે જણાવ્યું હતું કે હોલસેલ બજારમાં ખાંડના ભાવ કિલોદીઠ રૂ. 65 સુધી પહોંચી ગયા છે તે જોતા મિલો પર કોઈ નિયંત્રણ નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખાંડની અછત સર્જાવાનું મુખ્ય કારણ ખાંડનું ઈથેનોલ તરફ થયેલું વિકેન્દ્રીકરણ છે અને ઈથેનોલની ભેળવણીથી વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે તે અલગ. તે જ પ્રમાણે એક રિટેલ કરિયાણાનાં વેપારીએ જણાવ્યું હતું કે ત્રણ દિવસ પૂર્વે અમે છૂટક ધોરણે ખાંડનું વેચાણ કિલોદીઠ રૂ. 65ના ભાવથી કર્યું હતું, પરંતુ આજે હું કિલોદીઠ રૂ. 70થી ઓછા ભાવે વેચી શકુ તેમ નથી. 

સપ્ટેમ્બરથી નવેમ્બરનો સમયગાળો તહેવારોનો હોય છે અને તહેવારોને ટાંકણે ખાંડના ભાવમાં આવેલો ઉછાળો ચિંતાજનક છે. સરકારે 10 લાખ ટન કાચી ખાંડની આયાત માટે છૂટ આપી છે, પરંતુ તે પર્યાપ્ત ન હોવાથી ભાવ અંકુશ હેઠળ નહીં આવે આથી વધુ સરકારી પગલાંની આવશ્યકતા હોવાનું ટ્રેડરોએ જણાવતાં ઉમેર્યું હતું કે 10 લાખ ટન કાચી ખાંડ માત્ર પખવાડિયાની સ્થાનિક માગ જેટલી છે. વધુમાં બ્રાઝિલનું ખાંડનું ઓછું ઉત્પાદન પણ એક ચિંતાનો વિષય હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. 

મીઠાઈનાં દુકાનદારોએ જણાવ્યું હતું કે એલપીજીની કટોકટી અને ઈંધણના ભાવવધારાથી મીઠાઈની બજાર દબાણ હેઠળ આવી હતી અને હવે ખાંડના ભાવ વધી આવતા દબાણ વધ્યું છે અને જો ખાંડના ભાવ લાંબા સમયગાળા સુધી ઊંચી સપાટીએ રહેશે તો મીઠાઈના ભાવમાં હજુ વધારો થશે. 

પશ્ચિમ બંગાળના પ્રધાન દિલીપ ઘોષે ખાંડના ભાવ વધારાનો ટોપલો ઈથેનોલની ભેળવણી પર નહીં, પરંતુ સંગ્રહખોરો પર ઢોળ્યો છે. જોકે, એક અગ્રણી ખાંડ મિલના એક અધિકારીએ કહ્યું હતું કે ગત એપ્રિલ મહિનામાં પિલાણ પૂરું થયું છે અને હાલમાં મિલો સ્ટોક છૂટો કરી રહી છે. આ તબક્કે મિલો વધુ વધુ કરી શકે તેમ નથી. 

રેટિંગ એજન્સી ઈક્રાના અહેવાલ અનુસાર ગત મે મહિનામાં વર્તમાન ખાંડ મોસમ 2025-26નું ઉત્પાદન આગલી મોસમના 2.96 કરોડ ટન સામે 5.03 ટકા વધીને 3.11 કરોડ ટન રહેવાનો અંદાજ મુક્યો હતો અને ઈથેનોલ માટે 31 લાખ ટન વિકેન્દ્રીત કર્યા બાદ કુલ ચોખ્ખું ઉત્પાદન 2.8 કરોડ ટનની સપાટીએ રહેવાની ધારણા મૂકી હતી. તેની સ્થાનિક 2.83 કરોડ ટનની વપરાશી માગ અને સાત લાખ ટનની નિકાસને ધ્યાનમાં લેતા મોસમના અંતે અથવા તો સપ્ટેમ્બરના અંતે સ્ટોક આગલી મોસમના 53 લાખ ટન સામે 43 લાખ ટન રહેવાની ધારણા મૂકી હતી. સ્ટોકની આ સપાટી બે મહિનાની વપરાશી માગની સમકક્ષ હોવાનું અહેવાલમાં ઉમેર્યું હતું. જોકે, અહેવાલમાં આગામી વર્ષ 2027ની મોસમમાં ખાંડના ઉત્પાદન પર અલનિનોની માઠી અસર રહેતાં ઉત્પાદન ઓછું થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી હતી.