Sat Sep 05 2026

Logo

બનાસકાંઠાના બાદરગઢ ગામમાં દારૂ-ગુટકાની સાથે જંકફૂડના પેકેટ પર મૂક્યો પ્રતિબંધ

2026-08-21 18:58:32
Author: Devayat Khatana
બનાસકાંઠાના બાદરગઢ ગામમાં દારૂ-ગુટકાની સાથે જંકફૂડના પેકેટ પર મૂક્યો પ્રતિબંધ

(અમારા પ્રતિનિધિ તરફથી)
પાલનપુર: તાજેતરમાં જ ગુજરાતમાં પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની જેમ શાળાઓની આસપાસના પરિસરમાં જંકફૂડના સેવન પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી હતી. શાળાએ જતાં બાળકોમાં પૌષ્ટિક આહારને સ્થાને જંક ફૂડની આદત એક દૂષણ બની ગયું છે. ત્યારે રાજ્ય શાળા સંચાલક મહામંડળ (ગુજરાત પ્રદેશ) દ્વારા રાજ્યના કેબિનેટ અને રાજ્યકક્ષાના શિક્ષણ પ્રધાનોને એક મહત્વપૂર્ણ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના બાદરગઢ ગામે  આગવો નિર્ણય લઈને ગામમાં ગુટખા અને દારૂ ઉપરાંત ખાદ્ય પડીકા પર પણ પ્રતિબંધ ફરમાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. 

મળતી વિગતો અનુસાર, પાલનપુર તાલુકાના બાદરગઢ ગામે ગ્રામસભામાં સામાજિક અને આરોગ્યલક્ષી દિશામાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.  ગ્રામસભામાં આગામી 1 સપ્ટેમ્બર, 2026થી ગામમાં ગુટખા અને દારૂના વેચાણ ઉપરાંત ખાદ્ય પડીકા પર પણ પ્રતિબંધ મૂકવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. ખાસ કરીને નાના બાળકોના આરોગ્ય પર પડીકાની અસર અને યુવાઓમાં વધતા વ્યસનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાનું ગ્રામ પંચાયતે જણાવ્યું હતું. પ્લાસ્ટિક પેકિંગવાળા પડીકાથી ગામમાં કચરો વધતો હોવાથી ગામને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવાનો હેતુ પણ નિર્ણય પાછળ રહેલો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ગ્રામસભામાં ચર્ચા દરમિયાન ગુટખા અને પડીકાના વ્યસનથી યુવા પેઢી તથા બાળકોના સ્વાસ્થ્ય પર થતી અસરો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત દારૂના વેચાણને કારણે ઊભી થતી સામાજિક સમસ્યાઓને રોકવા માટે પણ કડક પગલાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગામના વેપારીઓ અને દુકાનદારોએ પણ આ પહેલને સમર્થન આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું. પ્રતિબંધનો અસરકારક અમલ થાય તે માટે ગ્રામ પંચાયતે દંડની જોગવાઈ કરી હોવાનું જાણવા મળ્યું હતું, આ નવા નિયમના અમલવારી બાદ પ્રતિબંધિત પડીકા કે દારૂનું વેચાણ કરનાર અથવા નિયમનો ભંગ કરનાર સામે રૂ.1,000નો દંડ વસૂલવામાં આવશે.

બાદરગઢ ગ્રામ પંચાયતે માત્ર દંડ પૂરતો જ નિર્ણય મર્યાદિત રાખ્યો નથી, પરંતુ નિયમનો ભંગ કરનાર વેચાણકાર સામે વધુ કડક કાર્યવાહી કરવાની પણ જોગવાઈ કરી હોવાનું જાણવા મળ્યું હતું. આટલું જ નહીં, જો કોઈ વેપારી નિયમનો ભંગ કરીને વેચાણ ચાલુ રાખશે, તો તેની સામે લાલ આંખ કરીને તેના ઘર કે દુકાનનું વીજળીનું તેમજ પાણીનું કનેક્શન કાપી નાખવાનો સહિયારો અને આકરો નિર્ણય પણ લેવાયો હતો. ગામનો આ નિર્ણય અન્ય પંચાયતો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો હોવાની ચર્ચા થઈ રહી છે.