Wed Jun 17 2026

Logo

અજબ ગજબની દુનિયા

2026-06-17 08:01:37
Author: હેન્રી શાસ્ત્રી
Article Image

હેન્રી શાસ્ત્રી

વર્લ્ડ કપ પ્લેયરને ‘વેડિંગ લીવ’

તમે જો કોઈ કંપનીમાં નોકરી કરી હશે અથવા તમારા બિઝનેસમાં કોઈને નોકરીએ રાખ્યા હશે તો ‘કેઝ્યુઅલ લિવ, સિક લિવ, પ્રિવિલેજ લિવ અને બીજી કેટલીક સ્પેશ્યલ લિવ નામે ઓળખાતી મળતી કે આપવી પડતી રજા વિશે સાંભળ્યું હશે. હાલ યુએસ, મેક્સિકો અને કેનેડામાં ચાલી રહેલી વર્લ્ડ કપ ફૂટબોલ સ્પર્ધા પૂર્વે એક એવી રજાને પ્રસિદ્ધિ મળી જેને ‘વેડિંગ લિવ’ જેવું રૂપાળું નામ જરૂર આપી શકાય.

બન્યું એવું કે યુનાઇટેડ સ્ટેટ્સ મેન્સ નેશનલ સોકર ટીમના ખેલાડી બ્રેન્ડન એરનસનના લગ્ન લેવાના હતા એ દિવસો દરમિયાન ટીમની ટ્રેનિંગ ચાલી રહી હતી. 10 વર્ષના ગળાડૂબ પ્રેમ સહવાસ પછી બ્રેન્ડન અને પ્રેમિકા મિલાનાએ મેરેજ કરવાનું નક્કી કર્યું ત્યારે ટ્રેનિંગ કેમ્પ પહેલી જુલાઈએ શરૂ થશે એમ કહેવામાં આવ્યું હોવાથી પ્રેમીઓએ અઢી વર્ષ પહેલા 30 જૂન મેરેજ ડેટ નક્કી કરી હતી. 

જોકે, કેમ્પ વહેલો શરૂ થયો, પણ વ્યવસ્થાપકોએ એક દિવસની ‘લગ્ન છુટ્ટી’ મંજૂર કરી અને ભાઈસાહેબ ‘આઈ ડુ’ (ખ્રિસ્તી મેરેજમાં પતિ-પત્ની એકબીજાનો કાયદેસર સ્વીકાર કરતી વખતે બોલતા ત્રણ અક્ષરના બે શબ્દ) બોલી બીજે જ દિવસે ‘આઈ પ્લે’ની જવાબદારી સંભાળવા શિબિરમાં હાજર થઈ ગયા. સ્પર્ધાની પેરાગ્વે સામેની પહેલી મેચમાં યુએસની ટીમમાં બ્રેન્ડનને રમાડવામાં નહોતો આવ્યો, પણ મેચ દરમિયાન બેન્ચ પર બેસી ટીમની જ્વલંત કામગીરી તેણે માણી. પહેલી મેચ ક્યારે રમવા મળે છે એની ખેલાડીને ઉત્સુકતા છે.

ઓછા ખર્ચે અછોવાનાંનો આઈડિયા

જન્મદિન અને વરસગાંઠ હવે ‘હેપી બર્થડે’ તરીકે ઓળખાય છે. એની ઉજવણીમાં આમૂલાગ્ર પરિવર્તન આવી ગયા છે. બચ્ચાનો બર્થડે હોય તો પાર્ટી હોલ અને રિટર્ન ગિફ્ટનું નક્કી કરવાનું. યંગસ્ટર્સના બર્થડે હોય તો ફ્રેન્ડ લોકો સાથે રાતના બારના ટકોરે ધમાલ કરવાની કે રૂફટોપ કેફેમાં ભેગા થવાનું વગેરે વગેરે ઉજવણીઓના પ્રકાર છે. અલબત્ત, જેન ઝીમાં આજકાલ હટકે વિચારસરણી વધુ જોવા મળે છે. નવા નવા આઈડિયા અને એ પણ ખિસ્સાને કરકસર કરાવે એવાનો એક ટ્રેન્ડ વિકસ્યો છે. યંગસ્ટર્સમાં ખુદને લાડ લડાવવા - અચ્છોવાના કરવાનું વલણ વધુ જોવા મળે છે. હૈદરાબાદમાં જુવાનિયાઓએ બર્થ ડે સેલિબ્રેશન માટે એક એવો આઈડિયા કર્યો છે જે જોઈ જાણી અનેક લોકોની આંખો પહોળી થઈ ગઈ છે. અનેક લોકો એ વિચારને અનુસરવું જોઈએ એવો મત ધરાવે છે. 

હૈદરાબાદમાં ખાજાગુડા લેક રોડના ડિવાઈડર પર લગભગ દરરોજ રાતના ટમટમતી મીણબત્તી અને કેક કટિંગનો માહોલ જોવા મળે છે. જુવાનિયાઓ ‘હેપ્પી બર્થ ડે ટુ યુ’ ગાઈ જશ્ન મનાવતા નજરે પડે છે. આ ઉજવણીના કેટલાક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતા દેશભરના લોકોના ધ્યાનમાં આ ઉજવણીનો પ્રકાર આવ્યો છે. મજા એ વાતની પણ છે કે રાતના સમયે એ સ્થળ પરથી પસાર થતા લોકોને કેક ખવડાવી આનંદમાં સહભાગી કરવામાં આવે છે. નો ગિફ્ટ, નો રિટર્ન ગિફ્ટ અને સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા જેવી આ ઉજવણી એક વિચારસરણી બની જાય તો નવાઈ નહીં લાગે.

નિર્બલ કી લડાઈ બલવાન સે

નિર્બળ પ્રાણી કે વ્યક્તિ માટે સાવ મગતરું (નાજુક જીવ જેને પળવારમાં મસળી શકાય) છે એમ કહેવાય છે. જોકે, આ અજબ દુનિયામાં ગજબ ઘટના જોવા જ મળતી હોય છે અને પ્રાણી જગત એમાં અપવાદ નથી. પ્રાણી જગત વિશે વિસ્મય વધારતા અનેક વીડિયો યુટ્યૂબ પર જોવા મળે છે. પોતાનું બચ્ચું હેમખેમ રહે એટલે જીવ જોખમમાં મૂકી શિયાળની દિશા ભૂલ કરતા હરણની દોડાદોડનો વીડિયો તમે જોયો હશે. રાયગઢ કિલ્લાની હીરાકણીની વાત પણ જાણતા હશો. સંતાનની સારસંભાળની વાત આવે ત્યારે નિર્બળ બળવાન સાથે લડી લેતા ગભરાતો નથી. 

દક્ષિણ આફ્રિકાના મશહૂર ક્રુગર પ્રાણી સંગ્રહાલયમાં સફારી દરમિયાન સહેલાણીઓને પેટના જણ્યા માટે મા - બાપ કેવો જીવ સટોસટનો ખેલ કરી અંતે સફળતા મેળવે છે એ સમગ્ર ઘટના જાણી હેરત થાય એવું છે. એક મસમોટી ગરોળી (બિગ લિઝાર્ડ) કાબરો કલકલિયો(Pied Kingfisher) તરીકે ઓળખાતા પક્ષીના માળા પર તરાપ મારી તેણે મૂકેલા ઈંડાં પેટમાં પધરાવવા માગતી હતી. નજીકમાં જ ઉડાઉડ કરી રહેલા નર-માદા ગરોળીનો બદઈરાદો પારખી ગયા. બંને વારાફરતી ગરોળીની પીઠ પર બેસી અલગ અલગ જગ્યાએ ચાંચ ભોંકી એને પીડા આપવા લાગ્યા. 

અકળાયેલી ગરોળી શરીર ઝાટકી નર માદાને ભગાડવાની-ડરાવવાની કોશિશ કરી માળા તરફ આગળ વધતી હતી. જોકે ‘પતિ-પત્ની’ ગાંજ્યા જાય એવા નહોતા અને ફરી ફરી ગરોળીના શરીર પર બેસી ચાંચ ભોંકી એની દિશાભૂલ કરતા રહેતા હતા. અંતે ગરોળી થાકી અને કંટાળીને નદીના પાણીમાં ઊતરી ગઈ. એક તરફ જોરદાર પવનના સૂસવાટા વચ્ચે દીવો હોલવાયો નહીં અને દરેક વખતે મગતરું મસળી ન શકાય એ જોવા મળ્યું. 

શોપિંગના ગાંડપણને ખાળવા ‘નકલી ડહાપણ’

શોપિંગ અને એમાંય ઓનલાઈન શોપિંગ એક એવું વળગણ છે જેની જાળમાં અનેક યુવાનો ભેરવાઈ ગયા છે. શોપિંગ હવે વ્યસન બની ગયું છે. અફીણ, ગાંજો કે સિગરેટ, બીડી કે દારૂની લત લાગ્યા પછી એમાંથી મુક્ત થવું આસાન નથી એવું જ અમુક અંશે ઓનલાઈન શોપિંગ બાબતે જોવા મળી રહ્યું છે. 

રસપ્રદ અને જાણવા જેવી વાત એ છે કે ‘ઝેરનું મારણ ઝેર’ એ ન્યાયે દક્ષિણ કોરિયામાં શોપિંગની લતમાંથી છૂટવા શોપિંગની જ તરકીબ અજમાવવામાં આવી રહી છે. તમે કહેશો કે આ શું? શોપિંગના ગાંડપણ સામેના આ ‘નકલી ડહાપણ’માં જુવાનિયો કોઈ ઍપ ખોલી શોપિંગ માટે બેઠો છે. એ કોઈ વસ્તુ ઓર્ડર કરે છે. કંપની-કુરિયર એ ઓર્ડર સ્વીકારે છે અને તમારો સામાન તમારા સરનામે આવવા નીકળશે કે નીકળ્યો છે એવો મેસેજ તમને મળે છે. તમે મેપ પર એ ઓર્ડર ટ્રેક પણ કરી શકો છો. જોકે, અંતે ઘરે કોઈ ડિલિવરી નથી આવતી અને તમારા ખાતામાંથી કોઈ પૈસા પણ ડેબિટ થતા નથી. તમે શોપિંગ કર્યું પણ ‘ખોટું ખોટું.’! 

દક્ષિણ કોરિયામાં જીવન ખર્ચ બહુ વધી ગયો હોવાથી શોપિંગની ડોપામાઈન સાઈટ (ખરીદીનો નકલી અનુભવ કરાવતી વેબસાઈટ)નું ચલણ ખાસ્સું વધી ગયું છે. સાચુકલી સાઈટ જેવા જ વિકલ્પો અને સજાવટ આ નકલી સાઈટમાં હોય છે. આ સાઈટ લોકોના પૈસા તો બચાવે જ છે, પણ સાથે સાથે નકલી તો નકલી, શોપિંગનો સંતોષ પણ આપે છે.

લ્યો કરો વાત 

યુકેની સસેક્સ નામની કાઉન્ટીના રોબર્ટ ફિટ્ઝગેરાલ્ડ નામના રહેવાસીને કેફી દ્રવ્યની હેરાફેરીના આરોપસર જેલની સજા થઈ હતી. દોઢ વર્ષની સજા બાકી હતી ત્યારે એ ફરાર થઈ ગયો. પોલીસે જાહેરનામું બહાર પાડી રોબર્ટને પકડવા માટે જનતાને અપીલ પણ કરી. દૂરદૂરના અનેક વિસ્તાર પોલીસ ફેંદી વળી. શાણા રોબર્ટે તો પોતાની કાઉન્ટીથી 100 કિલોમીટર દૂર ઓક્સફર્ડ શહેરમાં જ ધામા નાખ્યા. કોઈની સાડીબારી રાખ્યા વિના અસલી નામ સાથે કામકાજ કરતો રહ્યો અને સરકારને ટેક્સ પણ ચુક્વતો રહ્યો. જોકે, આઠ વર્ષ પોલીસને ઉલ્લુ બનાવનારા રોબર્ટની કોઈ નાણાકીય લેવડ દેવડની જાણ અચાનક પોલીસને થઈ અને ‘હાયલા! આ તો આપણે શોધીએ છીએ એ જ છે’ એવું બ્રહ્મજ્ઞાન થયું. આંખ ચોળતી પોલીસ દોડી અને ફરાર કેદીને ઝબ્બે કર્યો.