ભાટી એન.
ગામનો ચોરો એટલે માત્ર એક જગ્યા નહીં, પરંતુ ગામના સામૂહિક જીવનનું ધબકતું હૃદય. ગામની વચ્ચે આવેલો ચોરો, તેની બાજુમાં રામજી મંદિર, હનુમાનજીનું સ્થાન કે મહાદેવનું નાનું મંદિર અને આગળની ઓસરી... આ દૃશ્ય જોતાં જ ગામડાની જૂની સંસ્કૃતિ આંખ સામે જીવંત બની જાય.
એક જમાનામાં ગામનો ચોરો એટલે ગામનું અનૌપચારિક સભાખંડ. દિવસ દરમિયાન અહીં વડીલો બેસે, આવનાર-જનારને રામ-રામ કરે, એકબીજાના ખબર-અંતર પૂછે અને સુખ-દુ:ખની વાતો વહેંચે. કોઈના ઘરમાં પ્રસંગ હોય કે મુશ્કેલી, ચોરા પર બેઠેલી મંડળીમાં તેની ચર્ચા થતી અને ‘આપણે શું કરી શકીએ?’ એવો સહિયારો વિચાર જન્મતો હોય છે.
સાંજ પડતાં ચોરાનું રૂપ જ બદલાઈ જાય. ખેતરેથી પરત ફરેલા ખેડૂતો, કામકાજ પતાવી આવેલા યુવાનો અને દિવસભરની દોડધામ પછી થોડો સમય કાઢીને આવેલા વડીલો અહીં ભેગા થતાં. કોઈ ગામની વાત કરતું, કોઈ ખેતીની, તો કોઈ દેશ-દુનિયાની. વચ્ચે હાસ્યના ફુવારા છૂટતા અને ક્યારેક ગંભીર ચર્ચાઓ પણ ચાલતી. પ્રશ્ન કોઈ એકનો હોય, ઉકેલ આખા ગામનો હોય. આ હતી ગામના ચોરાની સાચી તાકાત.
ઘણા ગામોમાં ચોરાની સાથે રામજી મંદિર જોવા મળે છે. ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજીના દર્શન સાથે લોકો ધાર્મિક વાતો અને સત્સંગમાં જોડાય છે. કેટલાક ગામોમાં મહાદેવનું સ્થાન, હનુમાનજીની મૂર્તિ કે ગામના રક્ષક દેવ એવા ક્ષેત્રપાળ અને તોરણ દેવનું સ્થાન પણ ચોરાની આસપાસ જોવા મળે છે. એટલે ચોરો ધર્મ, સંસ્કાર અને સામાજિક એકતાનો ત્રિવેણી સંગમ પણ કહેવાય.
ચોરાની બાંધણી પણ તેની આગવી ઓળખ હતી. અહીં કોઈ ભેદભાવની દીવાલ નહોતી. નાનો હોય કે મોટો, ખેડૂત હોય કે વેપારી, સૌ માટે ચોરો એકસરખો હતો, પરંતુ હવે સમય બદલાયો છે. ઈન્ટરનેટના યુગમાં ચોરે વાતો કરવા કરતા ફેસબુક કે ઈન્ટાગ્રામ પર ચર્ચા થાય છે!.
આજે કદાચ ગામનો ચોરો ખાલી જરૂરિયાતમંદને મદદ મળે, સારા વિચારો વહેંચાય અને સંબંધોમાં હૂંફ જળવાઈ રહે એ પૂરતો છે. માણસને માણસ સાથે જોડવાનું સાધન બને.
એ જ ગામના ચોરાની સાચી ઓળખ છે અને એ જ આપણી ગ્રામ્ય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે.